અમદાવાદમાં ગુજરાતી મિડિયમ જુનિયર KGમાં એડમિશન માટે વાલીઓએ રાતભર ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો કર્યો

ગુજરાતમાં દિનપ્રતિદિન શિક્ષણ મોંઘુ થઈ રહ્યું છે, તેમજ વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પર પણ ભણતરનો ભાર વધી રહ્યો છે. જેમાં ખાનગી સ્કૂલોની તોતિંગ ફીથી લઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના નામે લેવામાં આવતા ચાર્જને કારણે વાલીઓ સંતાનોને પેટે પાટા બાંધી ભણાવવા મજબૂર બને છે. ખાસ કરીને છેલ્લા બે વર્ષથી રાજ્યમાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે તો તેની સામે ફી વધી રહી છે. જેના કારણે હવે વાલીઓએ સરકારી શાળાઓ અને ઓછી ફી લેતી સારી શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે લાઈન લગાવી રહ્યા છે. તે જોતા આગામી દિવસોમાં કહેવાતી નામાંકિત અને ઉંચી ફી વસૂલતી શાળાઓને તાળા વાગે તેવી સ્થિતિ જણાઈ રહી છે.

વાઈસ પ્રિન્સિપાલ સહિત 500 જેટલા લોકો ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા

શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ગુજરાતી મિડિયમમાં એડમિશન લેવા માટે વાલીઓએ ગઈકાલ(15 જાન્યુઆરી) બપોરેથી લાઈનો લગાવી હતી. બપોરે લગભગ 500 જેટલા લોકો એડમિશન ફોર્મ લેવા માટે લાઈનમાં ઉભા રહ્યા હતા. માત્ર એટલું જ નહીં કડકડતી ઠંડીમાં 300 જેટલા લોકોએ ગોદડા પાથરીને સ્કૂલ આગળ રાતવાસો કરીને ફોર્મ મેળવવા માટે ઉજાગરા કર્યા હતા. માત્ર એટલું જ નહીં આ લાઈનમાં ચાણક્ય સ્કૂલના જ વાઈસ પ્રિન્સિપાલ (પ્રાઈમરી) વિશાલ પ્રજાપતિ પોતાના દિકરાના એડમિશન માટે લાઈનમાં 64માં નંબર પર ઉભા રહ્યા હતા. તેની સાથે સ્કૂલના ત્રણ શિક્ષકો પણ લાઈનમાં ઉભા રહ્યા હતા. આજે ફોર્મ વિતરણની કામગીરી આજે સવારે સાડા નવ વાગ્યે શરૂ થઈ હતી. જો કે લાંબી લાઈનની પાછળનું કારણ સ્કૂલે નિયત કરેલી છે. એફઆરસી મુજબ સ્કૂલ ફી રૂ.15 હજાર છે જ્યારે ચાણક્ય સ્કૂલ દ્વારા રૂ.7200 ફી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે.

300 જેટલા વાલીઓએ સ્કૂલ બહાર રાત વિતાવી

પ્રિન્સિપાલ(માધ્યમિક)કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા અમે જુનિયર કે.જી.એડમિશન માટે બોર્ડ માર્યું હતું. જેમાં માત્ર 100 જ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. ગઈકાલ બપોરથી જ અંદાજે 500 લોકો એડમિશન માટે ફોર્મ લેવા લાઈનમાં લાગી ગયા હતા. માત્ર 100 વિદ્યાર્થીઓને જ એડમિશન મળશે તેવું વાલીઓને જણાવ્યા છતાં પણ આખી રાત 300 જેટલા વાલીઓ લાઈન ઉભા રહ્યા હતા. 100 જેટલા ફોર્મનું વિતરણ થઈ ગયું છે.

પ્રથમ 100 લોકોને જ પ્રવેશ

ચાણક્ય સ્કૂલ મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ જ પરવડે તેવી છે. ગુજરાતી મિડિયમમાં એડમિશન મળે તે માટે વાલીઓ લાઈન લગાડે છે. પ્રવેશ માટે હાલ વિદ્યાર્થીઓના જન્મનું પ્રમાણપત્ર લેવામાં આવી રહ્યું છે. લાઈનમાં જે પહેલા 100 લોકો હશે તેમના જ બાળકોને અહીં પ્રવેશ મળશે અને તેમના બાળકોના જ જન્મના દાખલા લેવાશે.

એક ક્લાસમાં 35 વિદ્યાર્થીઓ જ બેસાડે છે

ચાણક્ય સ્કૂલમાં જુનિયર કે.જી.થી ધોરણ 10 સુધીના વર્ગો છે. એક ક્લાસમાં 35 વિદ્યાર્થીઓ એવા 3 વર્ગ ચલાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને અહીં અભ્યાસ ઉપરાંત ડાન્સ, સ્કેટિંગ, કરાટે જેવી એક્ટિવિટી કરાવવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો