જુવાનડાઓને શરમાવે એવા 59 વર્ષના લાઇનમેન, તળાવમાં 100 ફૂટ જેટલું તરીને થાંભલે ચડીને મુખ્ય વાયર ઠીક કરી 8 ગામોનો વીજપુરવઠો પૂર્વવત કરી આપ્યો

તાજેતરમાં જ ”તાઉ’તે” (Cyclone Tauktae) વાવાઝોડાએ ઘણુંખરું રાજ્યના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ખાનાખરાબી સર્જી. ખાસ કરીને, ગીર-સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓમાં વસતા લોકોને આ વાવાઝોડાની વધુ અસર થઇ. રાજ્ય સરકારના આગોતરા આયોજન-જાગરૂકતાથી માનવમૃત્યુ અને મોટાપાયે નુકસાની તો ટાળી શકાય, છતાં કાચા મકાનો, ખેતી, માર્ગો અને વીજપુરવઠાને (Electricity) માઠી અસર થઇ.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વાવાઝોડા પછી પુનઃ સ્થાપનની કામગીરીમાં રાજ્યસરકારના સંખ્યબંધ કર્મચારીઓ દિવસ-રાત જોયા વિના કામગીરીએ લાગ્યા. આ કર્મચારીઓ પૈકીના એક કર્મયોગી એટલે 59 વર્ષના (59 yrs Old Line Man) ઈશ્વરદાસ મયારામ નિમાવત. નિવૃત્તિના આડે હવે માત્ર 11 મહિના બાકી છે ત્યારે આ જુવાન ડોસલાંએ યુવાનોને શરમાવે તેવા તરવરાટ સાથે પાણીમાં ખાબકીને વીજનિયમનની કામગીરીને પુનઃ સ્થાપિત કરવાની બેનમૂન ફરજ નિભાવી. તેઓ તળાવમાં 100 ફૂટ (Swimming) તરીને થાંભલે ચઢ્યા હતા જેનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

મૂળે ગારિયાધાર તાલુકાના પછે ગામના વતની અને ભુરખિયા હનુમાનજી મહારાજમાં અપરંપાર શ્રદ્ધા ધરાવનારા ઈશ્વરદાસ નિમાવત પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના ભાવનગર સર્કલના શિહોર ગામમાં લાઇનમેન તરીકે ફરજ બજાવે છે. ”તાઉ’તે” વાવાઝોડાના લીધે ભાવનગરમાં પણ મોટી સંખ્યામાં વીજથાંભલાઓ અને સબ-સ્ટેશનોને નુકસાન થયું હતું. વળી, ઘણા ગામો હજુ પાણીથી તરબતર છે. આ પરિસ્થતિમાં શિહોર ક્ષેત્રના 40 ગામોમાં વીજપુરવઠો નિયમિત કરવાની કામગીરી અહીંના ડેપ્યુટી એન્જીનીયર ભાવેશભાઈ ઝીંઝાલાના અને તેમની ટીમ શિરે હતી.

ઝીંઝાલાની ટીમના લાઈનમેન ઈશ્વરદાસ સહિતના આઠ સભ્યો ભાવનગરમાં શિહોરના અગિયાળી રોડ ઉપરના ટાણા ગામે તા.26 મૅ, 2021ના રોજ કામગીરી પર હતા. આ ગામના તળાવથી 50 ફૂટના અંતરે આવેલા 11 કિલોવોલ્ટ (KV) ના એક થાંભલા ઉપરનો મુખ્ય વીજવાયર અન્ય કેટલાક થાંભલાથી ભારે પવનના કારણે અલગ થઇ ગયો હતો, જેના લીધે આસપાસના 08 ગામોનો વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો.

તળાવનું પાણી ઊંડું હતું, ત્યાં જવું કઈ રીતે ? આ ચિંતા બાકીના કર્મચારીઓ કરતા હતા ત્યાં જ ઈશ્વરદાસે પાણીમાં છલાંગ લગાવી. પાણી 20-22 ફૂટ ઊંડું હતું અને આશરે 50-100 ફૂટ તરીને 42 ફૂટ ઊંચા થાંભલા ઉપર પહોંચવાનું હતું. ઈશ્વરદાસ કોઈપણ જાતના ડર વિના થાંભલા પાસે તરીને પહોંચી ગયા અને વીજળીક વેગે થાંભલે ચઢીને ‘ફોલ્ટ’ ઠીક કરી નાખ્યો.

ઈશ્વરદાસની આ ચપળતા અને હિમ્મતને લીધે આસપાસના 08 ગામોમાં તુરત જ વીજપુરવઠો પૂર્વવત થઇ ગયો અને લોકોની મુશ્કેલી દૂર થઇ ગઈ. આ અંગે ખૂબ સહજતાપૂર્વક નિમાવત કહે છે કે, ”મને 59મુ ચાલે છે, 2022ના પાંચમા મહિનામાં હું નિવૃત થઈશ. પરંતુ મેં સતત કામ કર્યું છે અને હજુય કામ કરવા તત્પર છું. હનુમાનદાદાની મારા ઉપર કૃપા રહી છે. બસ, દાદાનું નામ લઈને ખાબક્યો અને થઇ ગયું બધું ઠીક ! હું સ્વસ્થ છું અને મારી આટલી ઉંમરમાં મેં ક્યારેય કોઈ વિલાયતી દવા ખાધી નથી, બસ હિમ્મત રાખીને કામ કર્યે જાઉં છું’

નિમાવતે આ તબક્કે તેમના ડેપ્યુટી એન્જીનીયર ભાવેશભાઈ ઝીંઝલા અને વીજકંપનીની ટીમને પણ બિરદાવી હતી. ઈશ્વરદાસ નિમાવત વિષે જણાવતા ડેપ્યુટી એન્જીનીયર ભાવેશ ઝીંઝલાએ જણાવ્યું હતું કે, તેઓ અત્યંત ફરજનિષ્ઠ અને તરવરિયા કર્મચારી છે. મોટી ઉમર હોવા છતાં ક્યારેક જોખમી ગણાતા કામો કરવામાં પણ તેમણે ક્યારેય પાછીપાની કરી નથી”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો