રામકથામાં શહીદો માટે 3 મોટાં દાન, લવજી બાદશાહે 5 કરોડ અર્પણ કર્યા

મોરારીબાપુ દ્વારા સુરતમાં દેશના શહીદો અને સરહદના જવાનો માટે ફન્‍ડ એકઠું કરવાના હેતુસર આયોજિત કરવામાં આવેલી રામકથાના બીજા દિવસે દાતાઓ વધુ મજબૂત રીતે બહાર આવ્‍યા હતા અને ગઇ કાલના એક જ દિવસમાં પંદર કરોડ રૂપિયાથી પણ વધુ રકમનો ફાળો એકઠો થયો હતો. મોરારીબાપુએ રામકથા દરમ્‍યાન ૨,૫૧,૦૦,૦૦,૦૦૦ રૂપિયા એકઠા કરવાની નેમ રાખી હતી,જે આંકડો સ્‍વાભાવિક રીતે અશક્‍ય લાગતો હતો, પણ મોરારીબાપુએ હંમેશા અણધાર્યા કામો કર્યા છે એટલે એ રીતે આશાવાદ પણ અકબંધ હતો.

ગઇ કાલે રામકથાના બીજા દિવસે નાનુભાઇ સાવલિયાના દીકરા હિરેન સાવલિયા અને અન્‍ય સાથી મિત્રો દ્વારા શહીદો માટે બનાવવામાં આવેલા મારૂતિ વીર જવાન ટ્રસ્‍ટને પાંચ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્‍યું હતું તો સુરતના જ જાણીતા કન્‍સ્‍ટ્રકશન ગ્રુપ અવધ ગ્રુપના અગ્રણી લવજી બાદશાહે પણ પાંચ કરોડ રૂપિયાનો ચેક બાપુને અર્પણ કર્યો હતો.

હરેકૃષ્‍ણ એક્‍સપોર્ટ્‍સના રત્‍નકલાકારો દ્વારા એક કરોડ ત્રણ લાખ રૂપિયા ભેગા કરવામાં આવતા હરેકૃષ્‍ણ એક્‍સપોર્ટ્‍સના સવદી ધોળકિયાએ પોતાનો સહયોગ ઉમેરીને ૩,૧૧,૦૦,૦૦૦ રૂપિયાનો ચેક બાપુએ આપ્‍યો હતો.

આ ઉપરાંત ત્‍યાં છૂટકમાં પણ બે કરોડથી વધુની રકમ ટ્રસ્‍ટના ખાતામાં આવી હતી, જે બધાનો સરવાળો પંદર કરોડથી વધુ જવા થાય છે. આમ ગઇ કાલે એક દિવસમાં મોરારીબાપુની રામકથામાં પંદર કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થઇ હતી.

માનસ શહીદ‘ રામકથામાં મોરારીબાપુએ દેશના જાણીતા સુત્ર ‘જય જવાન, જય કિસાન’ને આગળ વધારવાનું કામ કર્યુ હતું. આ સૂત્રમાં નરેન્‍દ્ર મોદી આવ્‍યા પછી એક શબ્‍દ ઉમેરાયો હતો અને તેમણે ‘જય જવાન,જય કિસાન, જય વિજ્ઞાન’કર્યુ, પણ હવે મોરારીબાપુએ આ સૂત્રમાં વધુ એક શબ્‍દ ઉમેર્યો હતો અને ‘જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન, જય ઇમાન’ સૂત્ર જ દેશને સાર્થક કરી શકે એવું કહ્યું હતું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો