ખેતીના પાકમાં લશ્કરી ઈયળનાં ઉપદ્વવથી કઇ રીતે બચશો?

ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પહેલા ભારે વરસાદના કારણે આવેલી આફત નડી અને હવે ખેતીના પાકમાં લશ્કરી ઇયળ આફત બનીને ત્રાટકી છે. પુંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક પર જોવા મળતી જીવાત છે. કર્ણાટકમાં વર્ષ: ૨૦૧૮ માં મકાઇના પાકમાં આ જીવાતનો ઉપદ્રવ જોવા મળ્યો હતો. ખેતીવાડી ખાતા અને કૃષિ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકશ્રીઓ દ્વારા ગુજરાતમાં પણ આ જીવાતનો ઉપદ્રવ અંગે સર્વે હાથ ધરતાં ગુજરાતમાં અને ગીર સોમનાથ જિલ્લામાં પણ મકાઇના પાકમાં આ ઇયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે.

આ જીવાત રાજ્યમાં નવી દાખલ થઇ છે, જેની પ્રજનન શક્તિ વધારે છે. નવી જીવાત હોઇ ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે, તે ઉપદ્રવ વધે તે પહેલાં નિયંત્રણના પગલા ભરવા આવશ્યક છે. મકાઇના પાક માટે આ ઇયળ વિનાશક છે, અને તેને તાત્કાલીક નિયંત્રીત કરવામાં ના આવે તો અન્ય ખેતીપાકોને પણ વ્યાપક નુકશાન પહોંચાડે છે. ગીર સોમનાથ જિલ્લામાં ૭૦ જેટલા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેડુતોના ખેતરે જઇ ફીલ્ડ સર્વે કામગીરી કરી હતી અને જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં આ ઇયળ જોવા મળી છે. આથી ખેડુતો સાવધાન થઇ આ ઇયળના નિયંત્રણ માટે તાત્કાલીક પગલા ભરે તે જરૂરી છે.

આ ઇયળ સામાન્ય રીતે ઘાટા બદામી રંગની હોય છે માથું કાળા રંગનું હોય છે, તેના માથા ઉપર સફેદ રંગનો અંગ્રેજીમાં ‘Y’ આકારનો માર્ક જોવા મળે છે તથા ઇયળની પુંછડી ઉપર છેલ્લાથી આગળના ભાગમાં ચોરસ આકારમાં ઘાટા કાળા રંગના ઉપસેલા ચાર ટપકા જોવા મળે છે. વધુમાં ઇયળના ઈંડા મકાઇના પાંદડાના નીચે અથવા પાંદડા ઉપર અથવા થડ ઉપરના જથ્થામાં જોવા મળે છે. જેના ઉપર સફેદ રૂવાંટી જેવું આવરણ જોવા મળે છે. આ ઇયળ ખૂબજ ખાઉધરી તથા છોડના ડૂંડા સહિતના તમામ ભાગોને નુકશાન કરી મકાઇના પાકને નુકશાન કરે છે. આ ઇયળનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં ન ફેલાય તે માટે તેની ઓળખ કરી, જો તેનો ઉપદ્રવ જોવા મળે તો તેના નિયંત્રણ માટે તાત્કાલીક પગલાં ભરવા ખડુતોને વિનંતી કરવામાં આવે છે.

આ ઇયળના નિયંત્રણ માટે હેકટરે એક પ્રકાશ પિંજર ગોઠવવા, ઇંડાના સમુહ અને જુદી-જુદી અવસ્થાની ઇયળોનો હાથથી વીણી એકત્ર કરી કીટકનાશકના દ્રાવણમાં ડૂબાડી નાશ કરવો. ઉપદ્રવ જણાયતો બેસીલસ થુરીન્ઝીએન્સીસ પાવડર ૨૦ ગ્રામ અથવા બેવેરીયાબેસીયાના નામની ફૂગનો પાવડર ૪૦ ગ્રામ અથવા લીમડાનું તેલ ૩૦ મીલી + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ અથવા લીમડા આધારિત તૈયાર કીટકનાશક એઝાડીરેક્ટીન- ૧૫૦૦ પીપીએમ ૪૦ મીલી પૈકીની કોઇ પણ એક જૈવિક/વનસ્પતિ જન્ય દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી, આખો છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો આવશ્યક છે.

જો વધુ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળેતો રાસાયણિક દવાઓ જેવીકે કલોરોપાયરીફોસ ૨૦% ઇસી ૨૦ મીલી અથવા એમામેકટીન બેન્ઝોએટ ૫ એસજી ૪ ગ્રામ અથવા કલોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૩ મીલી પૈકીની કોઇ પણ એક જંતુનાશક દવા ૧૦ લીટર પાણીમાં ઉમેરી છોડ તેમજ ભૂંગળી પલળે તે રીતે છંટકાવ કરવો અને જરૂર જણાય તો અઠવાડિયા પછી જંતુનાશક દવા બદલી બીજો છંટકાવ કરવો પરંતુ જંતુનાશક દવાના છંટકાવ અને કાપણી વચ્ચે ઓછામાં ઓછો ૧૦ થી ૧૫ દિવસનો સમયગાળો જાળવવો જોઈએ.

આ અંગે વધુ માહિતી માટે ખેતીવાડી ખાતાના અધિકારી/કર્મચારીશ્રીઓ તથા નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અથવા કૃષિ સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો