ગ્રામ્ય વિસ્તારોમાં વાડાની જમીન કાયદેસર કરી કબજેદારને સોંપી દેવાશેઃ જાહેરાત

ગ્રામ્ય વિસ્તારમાં સરકારી માલિકીની વાડાની જમીનમાં વર્ષોથી રહેતા પરિવારને તે જમીન કાયદેસર કરીને કબજો સોંપવામાં આવનાર હોવાનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભામાં જણાવ્યું હતું.

રેવન્યુ કાયદામાં ફેરફાર કરાયો

મુખ્યમંત્રીએ વિધાનગૃહમાં આ અંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારી માલિકીની પરંતુ વર્ષોથી ઘર, વાડાં અને અન્ય રહેણાંક પ્રવૃત્તિ માટે કબજે લેવાયેલી જમીન, સોસાયટી કે સૂચિત રહેણાંક સ્થળોને નિયમિત (રેગ્યુલરાઇઝ) કરવા માટે રેવન્યૂ કાયદામાં ધરમૂળથી ફેરફાર છેલ્લા ૩ વર્ષમાં કર્યો છે. આ પ્રકારની જમીનો પર થતી હૂંસાતૂસી અને કાયદેસરની પ્રક્રીયાને કારણે ઉદભવતા ઘર્ષણો ટાળવા માટે ગૃહમાં વિપક્ષી નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ પણ સરકારને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

તેમણે આ સંદર્ભમાં પણ વિસ્તૃત અને મહત્વપૂર્ણ જવાબ પાઠવતા જણાવ્યું કે, રાજ્યમાં સરકારી માલિકીની કે અન્ય કોઇની માલિકી પર વર્ષોથી ઊભી થઇ ગયેલી હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંકોને તોડી પાડી કે કોર્ટના ચુકાદાને માન્ય રાખીને તેને નેસ્તનાબૂદ કરી લાખો લોકોને છત વગરના કરી દેવા અનુચિત છે. અમારી સરકારે લાગણીસભર સંવેદના સાથે ઐતિહાસિક પરિવર્તન રેવન્યુ એકટમાં લાવીને યુ.એલ.સી.માં થયેલા મકાનોને કાયદેસર કર્યા. સૂચિત સોસાયટીમાં જે મકાનો છે તેને પણ કાયદેસર કર્યા છે.

ટૂંક સમયમાં શરૂ કરશે કાર્યવાહી

અમારી સમક્ષ ગ્રામ્ય વિસ્તારના લોકોની પણ લાગણી રજૂ થઇ છે કે ગામડામાં ઘરની બાજુમાં આવેલી વાડાની જમીનો વર્ષોથી બાપ- દાદાના વખતથી લોકો વાપરે છે જે ખરેખર સરકારી માલીકીની હોય છે. ઘરની સાથે જ આવી જમીન હોય તેમાં પશુઓ- નીરણ લોકો રાખતા હોય છે. આથી આવી સરકારી માલિકીની જમીન કાયદેસર કરીને કબજેદારોને સોંપવાનો નિર્ણય સરકારે લીધો છે. આ માટે ટૂંક સમયમાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે.

સરકારે ગૌચરની 13.43 કરોડ ચો.મી. જમીન ભાડે-વેચાણથી આપી

સરકારે ગૌચરની મે,2019ના છેલ્લા બે વર્ષની સ્થિતિ પ્રમાણે 13.43 કરોડ ચો.મી. જમીન ભાડે અથવા વેચાણથી આપી છે. વિધાનસભા બહાર કોંગ્રેસના બળદેવ ઠાકોરે એવો આક્ષેપ કર્યો છે કે, નામદાર કોર્ટના આદેશ હોવા છતા ગૌચરની જમીન પણ ભાડા કે વેચાણથી આપવામાં આવી છે. દિનપ્રતિદિન ગૌચરની જમીન ઘટતી જાય છે અને ગૌચરની જમીન પર દબાણ વધતા જમીન ખુલ્લી કરવાના બદલે રાજય સરકાર હયાત સરકારી પડતર,ખરાબા અને ગૌચરની જમીન વેચાણ કરી રહીં છે.

પડતર 60 ટકા જમીનનો કબ્જો સરકારે લીધો નથી

રાજયમાં છેલ્લા બે વર્ષમાં 1,20,36,951 ચો.મી. જમીનમાં શરતભંગ બદલ સરકારી પડતર દાખલ કરવાના હુકમ કરાયા છે. આ પૈકી 48,49,625 ચો.મી. જમીનનો કબ્જો લેવાયો છે. જયારે 60,21,192 ચો.મી. એટલે કે 60 ટકા જમીનનો કબજો લેવાયો નથી. પરેશ ધાનાણીએ એવો આક્ષેપ કર્યો છે કે, સરકારપડતર દાખલ કરીને કબજે ન લેતી હોવાથી જમીનનો કબ્જો તો શરતભંગ કરનાર જ ધરાવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો