ભૂદાન હેઠળની જમીન ગરીબો માટે દાનમાં અપાઈ હતી, તેને વેચી શકાય નહીં, ભૂતકાળમાં થયેલા આવા તમામ સોદા થશે રદ : ગુજરાત હાઈકોર્ટ

ભૂદાનયજ્ઞમાં દાનમાં અપાયેલી જમીનને વેચી શકાય નહીં તેવો શકવર્તી ચુકાદો આપતા ગુજરાત હાઈકોર્ટે ચોખવટ કરી છે કે, ભૂદાન યજ્ઞ એ સમાજના સર્વાંગી કલ્યાણના ઉદ્દેશ માટે હાથ ધરાયેલી ચળવળ હતી. તેમાં દાનમાં અપાયેલી જમીનને બારોબાર વેચી મારીને તે કલ્યાણકારી ઉદ્દેશને વેડફી શકાય નહીં. એટલું જ નહીં, ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે શુક્રવારે આ ચુકાદો આપતા જમીન વિહોણા ગરીબો માટે મૂળભૂત રીતે ભૂદાન યજ્ઞમાં દાનમાં અપાયેલી જમીનના ટુકડા ખરીદનારા લોકોએ ફાઈલ કરેલી અપીલ ફગાવી દીધી છે. આમ, હવે ભૂતકાળમાં પણ ભૂદાન યજ્ઞમાં દાનમાં અપાયેલી જે જમીનોના સોદા થયા હશે તે શ્રી સરકાર થઈ જશે.

ગુજરાત સરકાર લાસરિયું વલણ ત્યજે અને ભૂદાનની જમીન માટે કાયદો ઘડેઃ હાઈકોર્ટ

કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ અનંત દવેની અધ્યક્ષતા હેઠળની હાઈકોર્ટની ખંડપીઠે ગુજરાત સરકારને પોતાનું લાસરિયું વલણ અને ગેરવહીવટને ત્યજવાની પણ સલાહ આપી હતી અને કહ્યું હતું કે, સમય પાકી ગયો છે કે રાજ્ય સરકાર ભૂદાન યજ્ઞની મૂળ ભાવનાને સમજીને તે મુજબ તેમાં દાનમાં મળેલી જમીનો માટે કાયદો ઘડે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 29 ડિસેમ્બર, 2016ના રોજ હાઈકોર્ટની સિંગલ જજની બેન્ચે આપેલા એ ચુકાદાને પણ હાઈકોર્ટે માન્ય રાખ્યો છે જેમાં ભૂદાન યજ્ઞ હેઠળ દાનમાં અપાયેલી જમીનોને વેચી ન શકાય તેવું ઠેરવાયું હતું.

ભૂદાન હેઠળની જમીન ખરીદનારાઓએ ખંડપીઠમાં અપીલ કરી હતી

ભૂદાન યજ્ઞના મૂળ લાભાર્થીઓને નાણાંની લાલચ આપીને કેટલાક ખાનગી લોકો(મોટાભાગના બિલ્ડરો)એ મોટાપાયે ભૂદાન યજ્ઞની જમીનો ખરીદી હતી અને તેમણે 2016ના હાઈકોર્ટના ચુકાદા સામે ખંડપીઠ સમક્ષ અપીલ કરી હતી તેમજ આ જમીનના કબજા-ભોગવટા માટે પોતાના અધિકારો જાળવવાની માગ કરી હતી. જો કે, હાઈકોર્ટે હવે આ તમામ અપીલો ફગાવી દેતા ભૂદાન યજ્ઞમાં દાનમાં અપાયેલી હજારો એકર જમીન હવે શ્રી સરકાર થઈ જશે. છેલ્લા કેટલાક વર્ષોમાં શહેરમાં મોકાની જગ્યાએ હોય તેવી ભૂદાન યજ્ઞમાં દાનમાં અપાયેલી હજારો એકર જમીનના સોદા થયા હતા.

કોર્ટે કહ્યું કે ભૂદાનની જમીન ખેતીલાયક ન હોય તો જાહેર ઉદ્દેશ માટે ઉપયોગ કરો

અદાલતમાં આ કેસ ચાલ્યો તે સમયે ખાનગી માલિકો તરફથી એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, ભૂદાન યજ્ઞમાં આ જમીનો દાનમાં આપવામાં આવી તે પાછળ તેનો ઉદ્દેશ સીમાંત અને જમીનવિહોણા લોકોને ખેતીના ઉદ્દેશ માટેનો હતો. પરંતુ આ જમીનો હવે ખેતીલાયક રહી નથી માટે જમીનધારકો તેનું વેચાણ કરે તેની તેમને મંજૂરી મળવી જોઈએ. જો કે, કોર્ટે કહ્યું હતું કે, જો આ જમીનો પર ખેતી ન થઈ શકે તો તેનો જાહેર ઉદ્દેશ માટે ઉપયોગ થવો જોઈએ.

ગુજરાત સર્વોદય મંડળ ભૂદાન યજ્ઞની 50 ટકા જમીનો ચાર દાયકાથી દબાવી બેઠું છે

ભૂદાન યજ્ઞ દરમિયાન ગુજરાતમાં દાનમાં મળેલી જમીનો ગરીબો તથા સીમાંતોને આપવાની સઘળી કામગીરી ગુજરાત સર્વોદય મંડળને આપવામાં આવી હતી. તે સમયે લગભગ 1.04 લાખ એકર જેટલી જમીન ભૂદાન યજ્ઞમાં દાનમાં અપાઈ હતી. જો કે, સર્વોદય મંડળે આમાંથી અડધી એટલે કે માંડ 51 હજાર એકર જમીનનું જ ગરીબોમાં વિતરણ કર્યું છે. જ્યારે હજી 53 હજાર એકર જેટલી જમીન ગુજરાત સર્વોદય મંડળ છેલ્લા ચાર દાયકાથી દબાવીને બેઠું છે અને તેણે આ ગાળામાં એક પણ ગરીબને ભૂદાનની જમીનનું વિતરણ કર્યું નથી.

ગુજરાત સરકાર બે વર્ષથી ડેટાબેઝ બનાવવા નીતિ જ ઘડી રહી છે

હાઈકોર્ટના 2016ના ચુકાદા બાદ ગુજરાત સરકારે ફેબ્રુઆરી-2017માં ભૂદાન ચળવળમાં દાનમાં મળેલી જમીનો અંગેનો ડેટાબેઝ તૈયાર કરવા અને આવી જમીનો બાબતે યોગ્ય નીતિ ઘડવાનો નિર્ણય લીધો હતો. તે સમયે દરેક જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને ત્રણ સભ્યોની જિલ્લા સમિતિની રચના કરાઈ હતી. જેમાં જિલ્લા નગર નિયોજક અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના પ્રતિનિધિને સભ્યો તરીકે સમાવાયા હતા. એવી જ રીતે રાજ્યના મુખ્યસચિવના અધ્યક્ષસ્થાને છ સભ્યોની રાજ્યકક્ષાની સમિતિની રચના કરાઈ હતી. આમાં શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ, મહેસુલ વિભાગના અધિક સચિવ, કાયદા વિભાગના સચિવ, મુખ્ય નગર નિયોજક અને ગુજરાત સર્વોદય મંડળના પ્રતિનિધિને સભ્યો તરીકે લેવાયા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો