મહિલા પોલીસનું પતિ સાથે ફરજ બજાવવાનું સ્વપ્ન રોળાયું, બદલીનો ઓર્ડર લઈ પરત ફરતી ગર્ભવતી મહિલા પોલીસ સહિત બે લોકોના કાર અકસ્માતમાં મોત

વલસાડ જિલ્લા પોલીસમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતી ગર્ભવતી મહિલા પોલીસ કર્મચારી બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા પતિ સાથે નોકરી કરવાનું સ્વપ્ન લઇ બદલી કરાવીને સોમવારે સુરત એસપી ઓફિસથી ઓર્ડર લઇને કારમાં પરત ફરતી હતી. દરમિયાન પલસાણાના તરાજ ગામની સીમમાં સાંજના સમયે પાછળથી કોઇ વાહન ચાલકે કારને ટક્કર મારતા ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર સ્વીફટ કાર સાથે અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ગર્ભવતી મહિલા પોલીસનું સ્થળ પર જ મોત થતા પતિ સાથે ફરજ બજાવવાનું સ્વપ્ન રોળાયું છે. જ્યારે આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અન્ય એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. અકસ્માતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી.

ને.હા. નં 53 અકસ્માત સર્જાયો હતો

વલસાડ જિલ્લાના પારડી પોલીસ મથકમાં ખડકી બીટમાં છેલ્લા બે વર્ષથી એએસઆઈ તરીકે ફરજ બજાવતા અનિલાબેન ભાવેશભાઈ ચૌધરી (29) (રહે. માંડવી)ના પતિ ભાવેશભાઇ ચૌધરી બારડોલી પોલીસ મથકમાં રાઇટર તરીકે ફરજ બજાવે છે. તેમના લગ્નને એક વર્ષ પૂરૂ થયું છે. મહિલા એએસઆઇ ગર્ભવતી અને નવમો મહિનો ચાલે છે. તાજેતરમાં વલસાડ જિલ્લા પોલીસમાંથી બદલી થતાં સુરત જિલ્લા પોલીસમાં શનિવારે હાજર થયા હતા. સોમવારે અનિલાબેનનો બારડોલી પોલીસમાં બદલીનો ઓર્ડર થતાં પોતાના સબંધી સાથે સુરત એસ.પી.ઓફીસમાં આવ્યા હતા. બારડોલીથી પોલીસ કર્મચારી યોગેશ બાલુભાઇ ચૌધરીને સાથે આઈ-20 કાર(GJ -19 BA- 2138) લઇને સુરત આવ્યા હતા. સાંજે ઓર્ડર લઇને પરત ફરતી પલસાણા તાલુકાના તરાજ ગામની સીમમાં ને.હા. નં 53 પર પસાર થતાં હતા.

માથા અને પેટના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મોત

ને.હા. નં 53 પર પાછળથી કોઇ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા કાર ડિવાઇડર કૂદીને સામેના ટ્રેક પર સ્વીફ્ટ કાર (GJ -05 RF- 0323) માં અથડાતા અકસ્માત થયો હતો. જેમાં ગર્ભવતી મહિલા પોલીસ કર્મચારી અનિલાબેનને માથાના ભાગે તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે પો.કો યોગેશ અને બીજા યુવકને ગંભીર ઇજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ઘટનાની જાણ થતાં બારડોલી ડી.વાઈ. એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. મોડી સાંજે અનિલા બહેનના મૃતદેહનો પોસ્ટમોર્ટમ કરી પરિવારને સોંપ્યો હતો અને સમગ્ર ઘટના બાબતે પલસાણા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. દરમિયાન આજે સારવાર દરમિયાન અન્ય એક યોગેન્દ્ર ઈશ્વરભાઈ ચૌધરી નામના યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે યોગેશ બાલુભાઈ ચૌધરીની હાલ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

મૃતક યુવક UPSC અને GPSCની પરીક્ષાની તૈયારી કરતો હતો

ગર્ભવતી મહિલા પોલીસના મોત બાદ સારવાર દરમિયાન મોતને ભેટનાર યોગેન્દ્ર ઈશ્વરભાઈ ચૌધરી(ઉ.વ.25) માંડવીમાં પરિવાર સાથે રહેતો હતો અને પરિવારનો એકનો એક દીકરો હતો. યોગેન્દ્ર UPSC અને GPSCની પરીક્ષાની તૈયારી કરતો હતો. જેથી તે થોડા દિવસોથી બારડોલી પોલીસ લાઈનમાં વાંચવા માટે આવ્યો હતો. દરમિયાન ગત રોજ અનિલાબેન અને યોગેશભાઈ સાથે સુરતથી પરત ફરતા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પરિવારના એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો