ભંડારામાં 10 નિર્દોષ બાળકોના કરુણ અંતની કહાની: ઇન્ક્યુબેટરની અંદર દાઝતાં-સળગતાં બાળકો કણસી રહ્યાં હતાં, આગ એટલી ખતરનાક હતી કે ગાર્ડ્સ પણ શ્વાસ નહોતા લઈ શકતા

મહારાષ્ટ્રના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શુક્રવારે મોડી રાતે આગ લાગવાથી 10 બાળકોનાં મોત થઈ ગયાં છે. આ બાળકો માત્ર 1 દિવસથી 3 મહિનાની ઉંમરનાં જ હતાં અને તેઓ ખૂબ નબળાં હોવાથી તેમને ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં દાખલ કરવામાં આવ્યાં હતાં. 3 વર્ષ પહેલાં પણ આ જ વોર્ડમાં આગ લાગી હતી, પરંતુ એ પછી પણ સુરક્ષાનાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નહોતાં. આ વખતે પણ જ્યારે આગ લાગી ત્યારે ગાર્ડસે બારી તોડીને અંદર દાખલ થવું પડ્યું હતું. ત્યાં એટલો ધુમાડો હતો કે બાળકો તો ઠીક, પણ ગાર્ડ્સ પણ શ્વાસ નહોતા લઈ શકતા. આગ એટલી ભયાનક હતી કે ત્યાં મૂકેલા બધાં મશીનો બળીને ખાખ થઈ ગયાં હતાં.

આગ લાગ્યા પછી હોસ્પિટલનો સિક્યોરિટી સ્ટાફ સૌથી પહેલા વોર્ડમાં પહોંચ્યો હતો. તેમાંથી એક ગૌરવ રહપાડેએ સમગ્ર કહાની જણાવી હતી. વાંચો તેમના જ શબ્દોમાં….

હું શુક્રવારે રાતે 9 વાગે હોસ્પિટલમાં ડ્યૂટી માટે પહોંચ્યો હતો. રાત્રે અંદાજે 1.30 વાગતાં હોસ્પિટલની અંદર ડ્યૂટી પર હતો ત્યારે જ ફોન આવ્યો કે ફર્સ્ટ ફ્લોરના સિક ન્યૂબોર્ન કેર યુનિટ (SNCU)માં ધુમાડો નીકળી રહ્યો છે. મેં મારી આજુબાજુ જે સિક્યોરિટી ગાર્ડસ હાજર હતા તેમને બોલાવ્યા અને બધાની સાથે ઉપર ગયો. વોર્ડની બહાર પહોંચતાં પહેલાં અમે જોયું કે ICU ગેટમાંથી કાળા કલરનો ધુમાડો નીકળી રહ્યો હતો. તેમ છતાં અમે દરવાજો ખોલીને અંદર જવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારું અંદર જવું શક્ય ન બન્યું. અમે ફાયર એક્સટિંગ્વિશરની મદદથી ધુમાડાને હટાવવાનો પ્રયત્ન કર્યો અને આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં પણ સફળતા ન મળી. ધુમાડાને કારણે ત્યાં શ્વાસ લેવાનું પણ મુશ્કેલ હતું, એથી અમે નીચે ભાગ્યા. એટલામાં ફાયરબ્રિગેડની ગાડી આવી ગઈ હતી. અમે તેની સીડી પાછળની બાજુ લગાવીને બારી સુધી પહોંચ્યા. બારી તોડી અને પાછળના રસ્તેથી બાળકોને બહાર કાઢ્યાં. અફસોસ છે કે અમે માત્ર 7 બાળકને જ બચાવી શક્યા.

ઘટનાસ્થળે હાજર એક અન્ય સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું, રૂમમાં ચારેય બાજુ ધુમાડો ફેલાયેલો હતો. ઘણાં બાળકોનાં શરીર કાળાં પડી ગયાં હતાં. બે ઇન્ક્યુબેટરમાંથી આગ નીકળી રહી હતી. એમાં મૂકેલાં બાળકો દાઝીને કણસી રહ્યાં હતાં.

વોર્ડમાં 17 બાળક દાખલ હતાં

જિલ્લા હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રમોદ ખંડાતેના જણાવ્યા પ્રમાણે, વોર્ડમાં 17 નવજાત બાળકની સારવાર ચાલતી હતી. જિલ્લાધિકારી સંદીપ કદમે જણાવ્યું હતું કે રાતે અંદાજે 1.30થી 2 વાગ્યા સુધીમાં માત્ર ન્યૂબોર્ન કેર યુનિટમાં આગ લાગી હતી. આ વિશેના ચોક્કસ કારણો હાલ કહી શકાય તેમ નથી, અમે એની તપાસ કરી રહ્યા છીએ. અમે ફાયર કોલેજના એક્સપર્ટને પણ બોલાવ્યા છે, તેમના રિપોર્ટ પછી કંઈક સ્પષ્ટ કહી શકાશે.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે ત્રણ વર્ષ પહેલાં પણ આ જ વોર્ડમાં એક ભીષણ આગ લાગી હતી. જોકે યોગ્ય સમયે બાળકોનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું હોવાથી મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી. ડિસ્ટ્રિક્ટ જનરલ હોસ્પિટલની આરોગ્ય સમિતિના સિવિલ સર્જન ડૉ. પ્રમોદ ખંડાતેને પણ રિપોર્ટ મોકલ્યો છે. ડૉ. ખંડાતેએ ગયા વર્ષે જ મહારાષ્ટ્રના PWD ડિપાર્ટમેન્ટને રિનોવેશનનો પ્રસ્તાવ મોકલ્યો હતો, પરંતુ એ વિશે હજી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

ઉપમુખ્યમંત્રી અજિત પવારે ભંડારા દુર્ઘટના વિશે કહ્યું- આ ઘટના ખુદ દુઃખદ છે. સરકારે એની ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઘટનાની તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. દોષિતોની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યની અન્ય હોસ્પિટલોમાં ચાઈલ્ડ કેર યુનિટ્સનું તાત્કાલિક ઓડિટ કરાવવામાં આવશે, જેથી આ પ્રમાણેની દુર્ઘટનાઓ ફરી ન થાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો