કેશુભાઈ પટેલ, ગામડાના માત્ર નવ ધોરણ ભણેલ માનવીએ આધુનિક ઢબે વિકાસ કરવા ઘણા કામો કરી જાણ્યા

ગુજરાત પહેલેથી સમૃદ્ધ રાજ્ય છે, દેશના મધ્યના ભાગે દરિયાકિનારે સ્થાન જ એવું છે આપણા રાજ્યનું કે વિકાસ ગુજરાતમાં સામેથી દોડતો આવે. ગુજરાતમાં વર્ષોના વર્ષોથી દેશનું સૌથી મોટું બંદર કંડલા છે, દેશની મોટી રિફાયનરી છે, ઉદ્યોગો છે, જૂની સંસ્કૃતિ છે – કલા છે, પ્રવાસન સ્થળો છે, યાત્રાધામો છે.

પણ સમયાંતરે ગુજરાતના વિકાસનો ફાળો કોઈ એક વ્યક્તિના નામે જ આપી દેવામાં આવે છે, એક સમયે ગુજરાતમાં અમદાવાદ ટેક્સટાઈલ મિલો, સૌરાષ્ટ્રના જામનગર બ્રાસ – બાંધણી ઉદ્યોગ, રાજકોટ, જેતપુર, બગસરા, સાવરકુંડલા જેવા અનેક સેન્ટરો સ્થાનિક ઉદ્યોગોથી ધમધમતા હતા અને તેમને સરકાર પ્રોત્સાહન આપતી રહેતી. આજે નાના અને મધ્યમ ઉદ્યોગો ઘટ્યા છે અને મોટા ઉદ્યોગો જ વિકસતા રહ્યા છે. ગુજરાતના વિકાસ માટે ગુજરાતના દરેક મુખ્યમંત્રીનું મહત્વનું યોગદાન છે.

ગુજરાતમાં વિકાસદર સૌથી વધારે માધવસિંહ સોલંકીના શાસનમાં હતો, ત્યારબાદ ચિમનભાઈ પટેલના શાસનમાં હતો, તેમજ નવી નવી મોટી વિકાસલક્ષી યોજનાઓ જો શરુ થયા બાદ અમલમાં મુકાઈ હોય તો તે છેલ્લે કેશુભાઈ પટેલની સરકાર હતી.

કેશુભાઈ પટેલની સરકાર બાદ નરેન્દ્ર મોદીની સરકારમાં ગુજરાતમાં ધોલેરા SIR, કલ્પસર, ગિફ્ટ સિટી, મેટ્રો પ્રોજેક્ટ જેવી અનેક જાહેરાતો કરવામાં આવી હતી પણ ૨૦૧૪ સુધીમાં તેમાંથી એકેયનો અમલ થઈને પ્રોજેક્ટ પુરા થયા નહોતા, હાલના તબક્કે પણ આનંદીબહેન પટેલની સરકારે અમદાવાદમાં મેટ્રો રેલનું કામ શરુ કરાવ્યું એટલે છેલ્લા ૧૭ વર્ષમાં એકમાત્ર પ્રોજેક્ટનું કામ કઈક અમલમાં મુકાયેલું દેખાય છે અને તે પણ હજુ ક્યારે પૂરું થાય તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન છે.

છેલ્લે ૯ પાસ – ગામડાના માણસ કેશુભાઈ પટેલ મળ્યા વિઝનરી મુખ્યમંત્રી

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર વિસાવદર જેવા ગામના માત્ર ૯ ધોરણ જેટલું જ ભણેલા કેશુભાઈ પટેલે ગુજરાતના વિકાસ માટે ૨૧ મી સદીનું વિઝન તે રીતે જ જોયેલું જે પ્રમાણે દેશમાં રાજીવ ગાંધીએ ક્મ્યુનિકેશન ક્રાંતિથી જોયું હતું. કેશુભાઈએ એક ગામડાના માનવી થઈને સીએમ બની બતાવ્યું હતું અને ત્યારબાદ પણ આધુનિક ઢબે વિકાસ કરવાનું વિઝન રજુ કર્યું હતું.

આજે આપણે જે રિવરફ્રન્ટના નામે વિકાસની વાતો કરીએ છીએ તેના પાછળ કેશુભાઈ પટેલનું વિઝન છે, કેશુભાઈએ રિવરફ્રન્ટ માત્ર ટાઈમપાસ કે બાગ બગીચા પુરતો રાખવાનો નહી પણ મલ્ટીનેશનલ કંપનીઓની ઓફીસ ત્યાં આવે તે પ્રકારે નદી કિનારાની જમીન કમર્શિયલી વેચીને આધુનિક ઢબે શહેરનો વિકાસ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો પણ ત્યારબાદ શાસન બદલાતા રિવરફ્રન્ટનો ઉપયોગ હાલમાં દેખાવ માટેનો જ થઇ રહ્યો છે, જેનાથી સરકારને ઉપજ પણ મળે અને તેનો ફાયદો સામાન્ય માનવીને મળે તેવો જે કેશુભાઈનો હેતુ હતો તે આજે પૂરો નથી થઇ રહ્યો.

આ ઉપરાંત સાયન્સ સિટી પણ કેશુભાઈ પટેલની સરકાર દરમિયાન જ સ્થપાયું હતું, સાયન્સ સિટીમાં અવનવા પ્રયોગો થઇ શકતા હતા, ભારતમાં રહેલી પ્રતિભા વિદેશ જાય તેના બદલે તેમને સંશોધનો માટે સાયન્સ સિટીમાં સ્થાન મળી શકતું હતું પરંતુ હાલમાં ત્યાં પણ થીએટર અને મનોરંજનના જ ઉપકરણો દેખાય છે.

૧૯૮૬ માં ઇન્ફોસિટી સ્થાપવાની વાત થયા પછી કેશુભાઈ પટેલની સરકાર દરમિયાન ઇન્ફોસિટી આઈ.ટી. ના વિકાસના હેતુથી ચાલતી હતી જે આજે ક્લબ અને કોલ સેન્ટરો પુરતી મર્યાદિત થઇ ગઈ છે, દેશમાં જે રાજ્ય કે શહેરમાં આઈ.ટી. ને પ્રોત્સાહન અપાયું છે ત્યાં વિકાસ રોકેટગતિએ થયો છે પરંતુ ગુજરાતમાં આઈટી ક્ષેત્રને મહત્વ આપવામાં ના આવતા આજે આઈટી ક્ષેત્રે પણ આપણું રાજ્ય ઘણું પાછળ છે.

આ સિવાય પણ કેશુભાઈએ ગોકુળિયું ગામ જેવી યોજનાઓ ચાલુ કરીને તેનો સારી રીતે અમલ કરાવવાનું કામ કર્યું હતું, હાઈવેના કામ કર્યા હતા. જો કે સમય જતા ભૂકંપના બહાને ખુરશીની ખેંચમતાણનો ભોગ તેઓએ બનવું પડ્યું અને કુદરતી આપત્તિની જાણે જવાબદારી તેમના માથે આવી ગઈ હોય તેમ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું.

આજેપણ ગુજરાતના વિકાસની વાત જયારે ભારતીય જનતા પક્ષ કરે છે ત્યારે ક્યાય કેશુભાઈ પટેલના નામનો કે તેમની સરકારનો ઉલ્લેખ નથી કરવામાં આવતો, કદાચ કેશુભાઈનું તો દૂરનું માનીએ પરંતુ છેલ્લો ૨૦૧૭ નો ભાજપનો પ્રચાર જોઈએ તો તેમાં પણ તત્કાલીન વિજય રૂપાણી સરકાર અને નરેન્દ્ર મોદીની ગુજરાત સરકારનો જ ઉલ્લેખ થતો પરંતુ તેના વચ્ચેના સમયમાં ૪ સારા કામ કરી જનાર આનંદીબહેનની સરકારનો તેમના નામ સાથે ઉલ્લેખ નહોતો થતો.

Source:- mojegujarat.com

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો