20 વર્ષની વયે નોકરીમાંથી કાઢી મુકાયેલો યુવાન આજે છે હીરાની કંપનીનો માલિક

1978માં મહીધરપુરામાં હીરાના કારખાનામાં નોકરી કરતા યુવાનનું કામ માલિકને પસંદ નહીં પડતા માલિકે નોકરીમાંથી કાઢી મુક્યો હતો. કંઇક કરવાની મહત્વકાંક્ષા સાથે યુવાને પોતાનું હીરાનું કારખાનું શરૂ કર્યું હતું ત્યારે યુવાને પાછું વળીને નહીં જોયું અને એ નાનું કારખાનું આજે ગ્લો સ્ટારના નામથી મોટુ વટવૃક્ષ બનીને હીરા ઉદ્યોગમાં ઝળહળી રહ્યું છે. આજે દેશ-વિદેશમાં હીરાનો કારોબાર અને 200 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે. આ યુવાન એટલે આજના ટોચના ઉદ્યોગપતિ મુળ ભાવનગરના હળિયાદના કેશવભાઇ ગોટી.

કેશવભાઈ ગોટીનો દેશ-વિદેશમાં હીરાનો કારોબાર અને 200 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર છે

1972માં હીરા ઘસવાનું કામ શીખ્યા

મુળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની અને હાલમાં વેડરોડ પર નારાયણમુની નગરમાં રહેતા કેશવભાઇ (કેશુભાઇ) હરીભાઇ ગોટી (ઉ.વ.58)નો જન્મ 1958માં થયો હતો. ઘરની સ્થિતી નાજૂક એટલે અભ્યાસ પણ કરી શક્યા ન હતા. માત્ર ધો.3 સુધી ભણેલા કેશવભાઇના માસીના દિકરા મુંબઇમાં હીરાના વ્યવસાય સાથે સંક‌ળાયેલા હતા. 1972માં માસીના દિકરા પાસે હીરા ઘસવાનું કામ શીખવા ગયા હતા.

કામ પસંદ નહીં આવતા નોકરી પરથી કાઢી મુક્યા

તે સમયે કેશવભાઇની સાથે કુલ 7 જણા બોટાદથી 22.10 રૂપિયાની ટિકિટ લઇને બોરીવલી ઉતર્યા હતા. કેશવભાઇને એક મામાએ મુંબઇમાં સુવા માટે ચારસો, તકિયા આપ્યા તો બીજા મામાએ કપડાની જોડી આપી હતી. આવવા-જવાનો ખર્ચ માસીના દિકરાએ આપ્યો હતો. ત્યાં હીરા ઘસવાનું કામ શીખ્યા હતા. 6 મહિના રહ્યા બાદ કેશવભાઇ સુરત આવી નોકરી કરી. 1978માં તો એક હીરા કારખાના માલિકને કેશવભાઇનું કામ પસંદ નહીં આવતા નોકરી પરથી કાઢી મુક્યો હતો. ત્યારે નાના પાયે પોતાની હીરાની ઘંટી શરૂ કરવાનું નકકી કર્યું હતું. નોકરીથી કાઢી મુક્યો હોવાની વાત તેમને ખટકતી હતી.

ઉછીના રૂપિયા લઇને કારખાનું શરૂ કર્યું

દરમિયાન કેશવભાઇ મંદિરમાં જતા હોવાથી ત્યાં સાધુ-સંતોના પ્રવચનોથી તેઓ અંજાઇ ગયા અને ઘર-સંસાર છોડીને વડતાલના ત્યાગઆશ્રમમાં રહેવા ચાલ્યા ગયા હતા. કઇક તો કરી બતાવવાની મહત્વકાંક્ષા તેમનામાં જીવંત હતી. હવે તો મોટું સાહસ કરીને સમાજને બતાવવું જ છે એવા ઇરાદા સાથે તેઓએ બે વર્ષ બાદ ત્યાગઆશ્રમનો ત્યાગ કરીને ફરીથી સુરત આવ્યા અને મહીધરપુરામાં ઓળખીતાઓ પાસેથી ઉછીના રૂપિયા લઇને ત્રણ ઘંટીઓ સાથે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. જેને તેઓએ નામ આપ્યું ગ્લો સ્ટાર, તે સમયનું નાનું કારખાનું આજે મોટું વટવૃક્ષ બની ગયું છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો