૨૧મીએ જય માં ખોડલના નાદ સાથે ખોડલધામ ગુંજી ઉઠશે : ૬૦ કિમીની યાત્રા કરી ભક્તો પહોંચશે કાગવડ

સમગ્ર વિશ્વમાં વસતા લેઉવા પાટીદાર સમાજના જ્ઞાતિજનો માટે રાજકોટ જીલ્લાના જેતપુર નજીક કાગવડ ખાતે ઐતિહાસિક શ્રી ખોડલધામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલ લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદીરે જાહેર રજાઓ અને તહેવારો નીમીતે લાખોની સંખ્યામાં ભાવિકો માં ખોડલના દર્શનાથે ઉમટી પડે છે. ફરી લેઉવા પટેલ સમાજના આંગણે ર૧-૧ નો અનેરો અવસર આવી રહ્યો છે. એ નિમિતે ખોડલધામ વિઘાર્થી સમીતી(KDVS) દ્વારા રાજકોટથી ખોડલધામ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

સમગ્ર લેઉવા પટેલ સમાજને એકતાંતણે બાંધવા માટે ખોડલધામ મંદીરનો વિચાર રાજકોટના ઉધ્યોગપતી અને લેઉવા પટેલ સમાજના હ્રદયસમ્રાટ નરેશભાઇ પટેલને આવ્યો હતો. આ વિચારની શરુઆત શ્રી ખોડલધામ ટ્રસ્ટના નેજા હેઠળ વર્ષ ૨૦૧૦ થી થઇ હતી. ત્યારબાદ મંદીર માટે કાગવડ ખાતે જમીનની પસંદગી કરવામાં આવી હતી અને મંદીરનું બાંધકામ શરુ થયું જયારે આ બાંધકામ ચાલુ રહ્યું હતું તે દરમ્યાન આ પાવન ધરતી પર મંદીરની શીલાન્યાસ વિધી, શીલાપુજન, કૃષીમેળો, ખેલ મહોત્સવ, સમુહ લગ્ન અને ત્યારબાદ ૨૧-૧-૨૦૧૭ ના રોજ ભવ્ય પંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જેવા ઐતિહાસિક કાર્યક્રમો ઉજવાયા હતા.

ઉલ્લેખનીય છે કે, KDVSનો આશય સામાજીક કાર્યો ઉપરાંત લેઉવા પટેલ સમાજની યુવાશક્તી માટે ૩P થીયરીને અનુસરીને સમાજના યુવકો અને યૂવતીઓ પોલીસ (સરકારી નોકરી),પ્રેસ અને પોલિટિક્સ (નેતૃત્વ)ના ક્ષેત્રોમાં કારકિર્દીનું ઘડતર કરે તેવો છે .શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમીતી દ્વારા ચાલતા સરકારી અંગેના વર્ગોમાથી 200 થી વધુ સરકારી કર્મચારીઓની ભેટ સમાજને મળી છે. ઉપરાંત અડધો ડઝન જેટલા યુવક-યુવતીઓ પત્રકારત્વનો અભ્યાસ કરીએ પ્રતિષ્ઠિત અખબાર તથા ઇલેક્ટ્રોનિક્સ અને વેબ મીડિયામાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ઉપરાંત સમાજના યુવાઓમાં સફળ નેતૃત્વના ગુનો વિકસે તે માટે પણ આગામી સમયમાં આયોજન કરવામાં આવનાર છે.

ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૨૦નાં રવિવારનાં રોજ વહેલી સવારે ૬:૩૦ વાગ્યે શ્રી સરદાર પટેલ ભવન, ન્યુ માયાણી નગર, માલવિયાનગર પોલીસ સ્ટેશનવાળી શેરી, રાજકોટ ખાતે માં ખોડલની મહાઆરતી કરીને પદયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે પદયાત્રા સરદાર પટેલ ભવનથી શરુ થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ગોંડલ ચોકડી થઇ બપોરે ૧૧ વાગ્યાની આસપાસ શાપર ખાતે પહોંચશે જ્યાં પદયાત્રિકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રિકો ભોજન પ્રસાદ લીધા બાદ યાત્રા રીબડા થઇ સાંજે ૭ વાગ્યાના સુમારે ગોંડલ પહોંચશે જ્યાં પદયાત્રીકો માટે રાત્રી ભોજન અને વિશ્રામની વ્યવસ્થા કરવામાં આવી છે. આ રાત્રી વિશ્રામમાં ઠંડીનાં લીધે પદયાત્રિકો માટે ગરમ પાણી સહિતની ઉતમ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વિશ્રામ લીધા બાદ પદયાત્રા ગોંડલથી રાત્રે ૧૧ વાગ્યે ખોડલધામ તરફ પ્રયાણ કરશે. વીરપુર ખાતે વહેલી સવારે ૪ વાગ્યે પદયાત્રા પહોંચશે જ્યાં પદયાત્રિકો માટે ચા-પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ વીરપુરથી પદયાત્રા કાગવડનાં પાટીયે સવારે ૬ વાગ્યે પહોંચ્યા બાદ શ્રી ખોડલધામ મંદિર ખાતે જય માં ખોડલના નાદ સાથે પદયાત્રીકો યાત્રાને વિરામ આપશે.

ખોડલધામ ટ્રસ્ટની યુવાપાંખ દ્વારા યોજાનાર આ પદયાત્રાને હાલમાં આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તથા આયોજકો દ્વારા સમાજના લાભાર્થે અનેક પ્રકારના સપથગ્રહણ કરાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, શ્રી ખોડલધામ વિધ્યાર્થી સમિતિના હજારો યુવાનો તથા મહીલાઓ અને જ્ઞાતીજનો દ્વારા પદયાત્રા દરમ્યાન યુવાશક્તીને વ્યસનમાથી મુક્તિ અપાવવી, પોતાના માતા-પિતાની સેવા કરવી ઉપરાંત કુટુંબમાં ત્યાગની ભાવના કેળવીને દેશહિતને પ્રથમ ધ્યાને લેવું સહીતના મહત્વના સંકલ્પો લેવામાં આવનાર છે.વધુ માહીતી માટે સંસ્થાના સંપર્ક નં. ૭૪૦૫૪ ૬૯૨૩૯ પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો