‘કેબીસી 11’ માં એક કરોડ જીતનાર ગૌતમે કહ્યું, જીતેલી રકમમાંથી થોડી રકમ ગરીબ યુવતીઓના અભ્યાસ પાછળ ખર્ચીશ

રિયાલિટી શો ‘કેબીસી 11’માં અત્યાર સુધી બે લોકો એક કરોડ રકમ જીતી ગયા છે. શો મેકર્સને હવે ત્રીજો કરોડપતિ મળી ગયો છે. બિહારના ગૌતમ કુમાર ઝા ‘કેબીસી’ના ત્રીજા કરોડપતિ બન્યા છે, જેમણે એક કરોડ રૂપિયા જીત્યા છે. 15 સવાલોના સાચા જવાબ આપ્યા બાદ 16મા સવાલ પર ક્વિટ કર્યું હતું, જેથી 7 કરોડની રકમ જીતી શક્યાં નહીં.

મીડિયા સાથેની વાતચીતમાં રેલવેમાં સીનિયર સેક્શન એન્જિનિયર તરીકે કામ કરનાર ગૌતમે કહ્યું હતું કે શો દરમિયાન એક એવો પણ સમય આવ્યો જ્યારે તેમને લાગ્યું કે તેઓ 3 લાખથી વધુ રકમ જીતી શકશે નહીં પરંતુ હોસ્ટ અમિતાભે તેમને ઘણાં જ પ્રોત્સાહિત કર્યાં હતાં. વાતચીતમાં તેમણે એમ પણ કહ્યું હતું કે જીતેલી રકમમાંથી તેઓ એક નહીં પણ બે સપના પૂરા કરશે.

શું કહ્યું ગૌતમ ઝાએ?

1. મારું નસીબ સારું કે એક જ પ્રયાસે મને આ શોમાં આવવાની તક મળી

સાચું કહું તો પૈસા જીત્યાં કરતાં મને એ વાતનો આનંદ છે કે મને અમિતાભ બચ્ચનને મળવાની તક મળી. ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે અમિતાભ સામે બેસવાની તક મળશે અને તેમની સાથે આ રીતે વાત કરી શકીશ. મેં પહેલી જ વાર આ શોમાં ભાગ લેવાનો પ્રયાસ કર્યો હતો અને મારા સદનસીબે મને પહેલાં જ પ્રયાસમાં આ શોમાં આવવાની તક મળી. આટલું જ નહીં હું કરોડપતિ પણ બની ગયો. મારી આસપાસ અનેક લોકો છે, જેઓ આ શોમાં આવવા માટે પ્રયાસ કરે છે પરંતુ હજી સુધી સફળ થયા નથી. તેમને જોઈને લાગતું હતું કે હું પણ ક્યારેય આ શોમાં આવી શકીશ નહીં. જોકે, આ વખતે શોની ટેગલાઈને મને ઈમ્પ્રેસ કર્યો હતો કે ‘કોશિશ કરિયે હો સકતા હૈં આપ હી હો જિનકા નંબર આનેવાલા હૈં.’ મને આમાંથી પ્રેરણા મળી અને આ વાત મારા માટે સાચી સાબિત થઈ.

2. આ શોની તૈયારી માટે એક બુક ખરીદી હતી, જે ઈન્ડિયન કલ્ચર પર આધારિત હતી

નાનપણથી મને જનરલ નોલેજમાં રસ રહ્યો છે. એવું નથી કે મેં આ શો માટે કોઈ ખાસ તૈયારી કરી નહોતી. મને પહેલેથી જ દરેક વસ્તુ અંગે જાણવામાં રસ રહેતો અને તેને કારણે હું આ સ્થાન સુધી આવી શક્યો છું. આ શોની તૈયારી માટે મેં એક બુક ખરીદી હતી, જે ઈન્ડિયન કલ્ચર પર આધારિત હતી. આ શોમાં ઈન્ડિયન કલ્ચર પર અનેક સવાલ હોય છે, તેથી આઅંગે વાંચીને ગયો હતો. આના સિવાય કોઈ તૈયારી કરી નહોતી.

3. પર્ફોર્મન્સનું પ્રેશર દર વખતે હોય છે

આ શો એવો છે, જ્યાં તમારી પાસે ગમે તેટલું જ્ઞાન કેમ ના હોય પરંતુ તમે નર્વસ થઈ જાવ છો. પર્ફોર્મન્સનું પ્રેશર દર વખતે રહે છે, જેને કારણે સરળ સવાલ પણ મુશ્કેલ લાગે છે. ટીવી પર કોઈ સરળ સવાલ માટે લાઈફ-લાઈનનો ઉપયોગ કરતું તો મને હસવું આવી જતું હતું. જોકે, હું જ્યારે અહીંયા બેઠો ત્યારે ખ્યાલ આવ્યો કે પ્રેશર કેટલું હોય છે. આ શોનો એક પણ સ્ટેજ સહેલો નથી, પછી તે ફાસ્ટેસ્ટ ફિંગર હોય કે છેલ્લો સવાલ.

4. અમિતાભ સરે ઘણો જ મોટિવેટ કર્યો

મેં સાત સવાલ સુધી તો ત્રણ લાઈફ-લાઈનનો ઉપયોગ કરી લીધો હતો. એક સમય હતો કે હું ત્રણ લાખથી વધુ રકમ જીતી શકીશ નહીં તેમ લાગતું હતું પરંતુ અમિતાભસરે ઘણો જ મોટિવેટ કર્યો હતો. શો દરમિયાન તે કહેતાં હતાં કે હું ધ્યાન રાખીને રમું. જ્યારે મેં ત્રણ લાઈફ-લાઈનનો ઉપયોગ કરી નાખ્યો ત્યારે તેમણે મને કહ્યું પણ ખરા કે તમને અચાનક શું થઈ ગયું? શરૂઆતમાં હું સારો રમ્યો પરંતુ વચ્ચે હું એકદમ નર્વસ થઈ ગયો હતો. આ સમય દરમિયાન અમિતાભજીએ મને પ્રોત્સાહન આપ્યું હતું.

5. મને જવાબ આવડતો હતો પરંતુ સ્યોર નહોતો

એક કરોડના સવાલ પર ઘણો જ નર્વસ હતો. મને જવાબ આવડતો હતો પરંતુ હું સ્યોર નહોતો. જ્યારે જવાબ આપ્યો તો સરે કહ્યું કે તમે તમારી જાત પર પણ થોડો વિશ્વાસ રાખો અને જવાબ લોક કરો. મને લાગ્યું કે ક્યાંક તો આ વાંચ્યું જ છે. સરે મને જે રીતે મોટિવેટ કર્યો તેમના પર વિશ્વાસ મૂકીને જવાબ લોક કર્યો હતો. વર્લ્ડ હિસ્ટ્રી પર આધારિત સવાલ હતો અને તે અંગે મેં વાંચ્યું હતું.

6. પત્નીને કારણે આજે આ સ્થાન પર છું

મારી પત્ની ‘કેબીસી’ની ઘણી મોટી ફૅન છે. તે 19 વર્ષથી આ શો જોઈ રહી છે. ગયા વર્ષે પણ તેણે મને આ શોમાં ભાગ લેવા માટે કહ્યું હતું પરંતુ મેં પ્રયાસ કર્યો નહોતો. આ વર્ષે ફરીથી ભાગ લેવાનું કહ્યું હતું. તેણે એમ પણ કહ્યું હતું કે તમારું એક જ વારમાં રજિસ્ટ્રેશન થઈ જશે. પત્નીને કારણે જ આજે હું અહીંયા પહોંચી શક્યો છું.

7. ગરીબ યુવતીઓને મદદ કરવી છે

જીતેલી રકમમાંથી બે બાબતો કરવી છે. એક મારા માટે અને બીજી આ સમાજ માટે. પટનામાં એક ઘર લેવાની ઈચ્છા છે. અમારા ગામની ગરીબ યુવતીઓને અભ્યાસમાં મદદ કરવાની પત્નીની ઈચ્છા છે. અમે બંને સાથે મળીને ગરીબ યુવતીઓને મદદ કરવા માગીએ છીએ. હવે, આ પૈસાનો ઉપયોગ શેમાં, કેવી રીતે કરીશું, તે અંગે હજી વિચાર્યું નથી પરંતુ હા, એક વાત નક્કી છે કે આ પૈસા સારા કામમાં જ વાપરીશું.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો