શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની

અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં ચુક્યા છે. જુની હિન્દી ફિલ્મોના શોખીન કરસનભાઈ પટેલ સાઇઠના દાયકામાં એક સરકારી કચેરીમાં કર્મચારી હતા. અને બસ એ વખતે તેમને એક વિચાર આવ્યો કે સ્ત્રિઓ માટે કપડા ધોવાનું કામ કેટલુ મહેનત માગી લે તેવુ છે.

દરેક કપડા ઉપર સાબુ ઘસવો, મેલ કાઢવો, ધોકા મારવા વગેરે ખાસ્સુ મહેનત ભરેલુ છે. સ્ત્રિઓની આ સમસ્યાનો ઉકેલ ડિટર્જન્ટ પાવડર છે. એ વખતે ડિટર્જન્ટ પાવડર સાધારણ સાબુની સરખામણીએ ખાસ્સા મોંઘા હતા કઈંક ત્રણ ગણા. તેથી દેખીતી રીતે ગરીબ અને મધ્યમ વર્ગિય પરિવારો માટે આ પાવડરનો ઉપયોગ કરવો ગજા બહારની વાત હતી. મહત્વકાંક્ષી કરસનભાઈના મગજ ઉપર સસ્તો ડિટર્જન્ટ પાઉડર બનાવવાની વાત છવાઈ ગઈ.

હાઇલાઇટ્સઃ-

– દર રવિવારે સાઈકલ ઉપર થેલો ભરાવીને અમદાવાદની ઝુપડપટ્ટીમાં પહોંચી જતા.

– 1969માં કરસનભાઈ પોતાની સ્વર્ગિય પુત્રી નિરમાના નામે બ્રાન્ડેડ માર્કેટમાં

– નિરમા 2,500 કરોડ રૂપિયાની તોસ્તાન કંપની બની ગઈ

– આજે કંપની વર્ષના 8 થી 9 લાખ ટન ડિટર્જન્ટ ઉત્પાદનો વેચી રહીં છે

– બિઝનેસ સ્કૂલ હાવર્ડના વિદ્યાર્થીઓએ કેસ સ્ટડીની માફક નિરમા લૉન્ચિંગનો અભ્યાસ કર્યો

– અહીં બાર ગાઉ(ગામે)એ બોલી બદલાય છે, રહેણી

-કરણી, ભોજન અને તેને પીરસવાની રીત બદલાયઃ કરસન ભાઈ

– જો દેશના સો કરોડ લોકો સુધી હું જાતે પંહોચી શકતો હોત તો જાહેરાતો પાછળ ખર્ચો જ ના કરત

– ભારતીય ગ્રાહકોની નાડ પરખવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે.

તેઓ દરેક ખિસ્સાને પરવડે તેઓ સસ્તો અને સારો ડિટર્જન્ટ પાવડર બનાવવા માંગતા હતા. તેઓ સરકારી ઑફિસેથી ઘરે આવી પોતાના આ ડિટર્જન્ટ પાવડર બનાવવાના કામે લાગી જતા અને અને થોડા મહીનાના અંતે એક પીળો પાવડર બન્યો. કરસનભાઈ દર રવિવારે સાઈકલ ઉપર થેલો ભરાવીને અમદાવાદની ઝુપડપટ્ટીમાં પહોંચી જતા, અને તેમને સાબૂની જગ્યાએ આ પિળો ડિટર્જન્ટ પાવડર એક વાર વાપરવા જણાવતા.

પરિણામ જોયા પછી પાવડર ખરીદવા અથવા તો રિજેક્ટ કરવા કહેતા. બસ કરસનભાઈની આ કોઠા સુઝ કામે લાગી ગઈ અને ગ્રાહકો પાસેથી રીપીટ ઑર્ડર મળવા લાગ્યા, અને કરસન ભાઈએ પોતાના પિળા પાવડરને બ્રાન્ડેડ માર્કેટમાં ઉતારવાની રણનીતિ બનાવી લીધી. 1969માં કરસન ભાઈએ પોતાની સ્વર્ગિય પુત્રી નિરમાના નામે બ્રાન્ડેડ માર્કેટમાં આ પાવડર પ્રસ્તુત કર્યો. એ સમયે હિન્દુસ્તાન લિવર સર્ફ ડિટર્જન્ટ 15 રૂપિયા કિલોએ વેચતી હતી. કરસનભાઈ પોતાનો નિરમા પાવડર તેનાથી ચાર ગણી ઓછી કિંમતે એટલે કે 3.60 રૂપિયે કિલો વેચવાનું શરૂ કર્યુ.

વિશાળ મધ્યમ વર્ગિય પરિવારોએ નિરમાનો આ પાવડર અપનાવ્યો. નિરમાના આ જાદુએ હિન્દુસ્તાન લિવરનુ લિવર જાણે ફેઇલ કરી દીધુ. હિન્દુસ્તાન લિવરની તાલિમ પામેલી ટીમ ગ્રાહકોને સારૂ-ખરાબ અને સસ્તુ-મોંઘુ વચ્ચેનો અંતર સમજાવતા સમજાવતા થાકી ગઈ પણ આજદીન સુધી તેમનું માર્કેટ નિરમાને વટાવી શક્યુ નથી. બીજી બાજુ કરસન ભાઈ સફળતાની સીડીઓ ચડતા ગયાને એક દિવસે નિરમા 2,500 કરોડ રૂપિયાની તોસ્તાન કંપની બની ગઈ.

આજે કંપની વર્ષના 8 થી 9 લાખ ટન ડિટર્જન્ટ ઉત્પાદનો વેચી રહીં છે. દેશના 8 હજાર કરોડ રૂપિયાના વોશ-શૉપ અને ડિટર્જન્ટ માર્કેટમાં નિરમાનો ભાગ 35 ટકા કરતા પણ વધારે છે. 25 ફેબ્રૂઆરી 1980ના રોજ કરસનભાઈની નિરમા કંપની, નિરમા પ્રાઇવેટ લિમિટેડ કંપની બની ગઈ. નવેમ્બર 93માં તેઓ પોતાનો પબ્લિક ઇસ્યૂ પણ લાવ્યા. 1990માં નિરમાએ પહેલવહેલા બાથ શોમ માર્કેટમાં પોતાના પગલા પાડ્યા. તે સમયે બજારમાં હિન્દુસ્તાન લિવર 65 ટકાની માર્કેટ ભાગીદારી સાથે મોખરે હતી.

કરસન ભાઈએ લીવરની લોકપ્રિય બ્રાન્ડ ઉપર સીધો વાર કર્યો. લક્સનો નિરમા બ્યૂટી શોપ સાથે, લિરિલનો નિરમા લાઇમ સાથે, બ્રિઝનો નિરમા રોઝ સાથે, જાણે જંગ જામ્યો હતો. કરસનભાઈએ આજે એક લાખ મેટ્રિક ટન કરતા પણ વધુ બાથ સોપ બનાવી નિરમાને જબરદસ્ત નફાવાળી બીજી સૌથી મોટી કંપની બનાવી દીધી છે.

નિરમાનો દાવો છે કે 40 કરોડ કરતા પણ વધારે ભારતીયો નિરમાના ઉત્પાદનોનો ઉપયોગ કરે છે. આટલૂ જ નહીં વિશ્વની પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કૂલ હાવર્ડના વિદ્યાર્થીઓએ કેસ સ્ટડીની માફક નિરમા લૉન્ચિંગનો અભ્યાસ કર્યો છે. વિશ્વભરના માર્કેટિંગ ગુરૂઓએ કરસન-કરિશ્માનો દાખલો આપતા વિદ્યાર્થીઓને માસ પ્રોડક્ટ અને બ્રાન્ડ લૉન્ચિંગના પાઠ ભણાવ્યા. આજે કરસન ભાઈએ અમદાવાદ નજીક નિરમા યૂનિવર્સિટી સ્થાપી છે જેમાં હજારો નવા ‘કરસન ભાઈ’ ભારતના વિકાસ માટે તૈયાર થઈ રહ્યાં છે.

હવે સ્થિતિ કાઈંક એવી છે કે કરસન ભાઈ જ્યારે માથું ઊંચકે એટલે મલ્ટીનેશનલ કંપનીઓ માટે ખતરાની ઘંટડીઓ રણકવા લાગે છે. મજાની વાતતો એ છે કે બીલાડીના ગળે ઘંટ બાંધનારા કરસનભાઈ હસીને કહે છે કે ભારતીયો બહું વિચિત્ર છે અને તેના કરતા પણ વિચિત્ર છે ભારતીય માર્કેટ. અહીં બાર ગાઉ(ગામે)એ બોલી બદલાય છે, રહેણી-કરણી, ભોજન અને તેને પીરસવાની રીત બદલાય છે.

વિવિધતામાં એક્તાના સૌથી મોટા રખેવાળ એવા ભારતીય ગ્રાહકોની નાડ પરખવી એ લોઢાના ચણા ચાવવા જેવી વાત છે. આ કામ જે લોકોની વચ્ચે રહ્યાં હોય અને તેમના જેવી જીંદગી જીવ્યા હોય તેઓ જ કરી શકે. કરસન ભાઈ કહે છે કે સસ્તાનો અર્થ બેકાર એવો ના થાય. નિરમાના ઉત્પાદોનો ઉત્પાદન ખર્ચ ઓછો છે એટલે અમારા ઉત્પાદો સસ્તા છે. અમે લક્ઝરી પાછળ નાણા ખર્ચતા નથી. અમે નફો રળવા માટે વધારે ટર્નઓવર ઉપર ધ્યાન આપીએ છીએ.

કરસન ભાઈનું એક કથન ખાસ્સુ રસપ્રદ છે, તેઓ કહે છે કે શુ કરૂં લાચાર છું, જો દેશના સો કરોડ લોકો સુધી હું જાતે પંહોચી શકતો હોત તો જાહેરાતો પાછળ ખર્ચો જ ના કરત. તેઓ કહે છે કે ઉત્પાદનના મૂલ્યનો એક ભાગ જાહેરાત પાછળ ખર્ચે છે. જો આમ ન કરવુ પડતુ તો નિરમાની વસ્તુઓ આથી પણ સસ્તી હોત. કરસનભાઈ એફએમસીજી માર્કેટમાં હિન્દૂસ્તાન લીવરને પછાડવા માટે જાણીતા છે. કરસન ભાઈએ સાબીત કરી બતાવ્યુ છે કે મહારથી હરીફની દેખાતી તાકાતથી ડરો નહીં બસ તેમની ડૂબતી નશ પકડીલો અને તેને જ તમારૂં હથિયાર બનાવી લો. હરીફ જ્યારે પોતાનો બચાવ કરે ત્યારે તમારી જીતનો અવસર મનાવો અને જ્યારે સામો વાર કરે ત્યારે માનવુ કે જીતની શરૂઆત થઈ ચુકી છે.

વાચકમિત્રો કરસનભાઈની આ સફળતા ખરેખર દાદ આપવા જેવી છે, શુન્યમાંથી સર્જન કરવુ એ કરસનભાઈના આ ઉદાહરણ ઉપરથી જાણી શકાય.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો