સુરત આગકાંડમાં મૃત્યુ પામનાર અઢી વર્ષની માસુમ કર્ણવીને હાથમાં લઈ પિતા અંતિમ સંસ્કાર માટે નીકળ્યા, તો સૌ રડી પડ્યા…

જ્યારે ગુજરાતમાં ઈલેક્શનના પરિણામની ખુશી ઉજવાઈ રહી હતી, ત્યાં બીજા જ દિવસે આગકાંડ 22 માસુમ સંતાનોને ભરખી ગયો. મરનારા વિદ્યાર્થીઓમાં મોટાભાગના મોટા વિદ્યાર્થીઓ હતા, પણ એકમાત્ર કર્ણવી એવી હતી, જે માત્ર અઢી વર્ષની હતી. મોટા વિદ્યાર્થીઓમાં આ બાળકી શું કરી રહી હતી, તેવો સવાલ બધાને જ થયો હતો. પણ, કર્ણવી જેવી માસુમ બાળકી અકારણ જ મોતનો ભોગ બની હતી, જ્યારે કે ન તો તે ત્યાં ભણવા ગઈ હતી, કે ન તો તે કોમ્પ્લેક્સમાં આવેલ નર્સિંગ હોમમા ગઈ હતી.

અઢી વર્ષની કર્ણવીએ ગ્રીષ્મા સાથે જવાની જીદ કરી અને…

સરદાર માર્કેટ પાસે સરદાર પેલેસ ખાતે રહેતા વિનય સીતાપરા ફોટો લેબ ચલાવે છે. તેમની અઢી વર્ષીય પુત્રી કર્ણવી પાડોશમાં રહેતી અને કલાસિસમાં ફ્રીલાન્સ કામ કરતી ગ્રિષ્મા સાથે ભળ‌ી ગઈ હતી. શુક્રવારે ગ્રિષ્મા કલાસિસમાં તેનું પેમેન્ટ લેવા માટે ઘરેથી નીકળતી હતી. ત્યારે માસુમ કર્ણવીએ સાથે જવાની જીદ કરી હતી. ગ્રિષ્માં પણ એક કલાકમાં પરત આવવાની હોવાથી તેણે કર્ણવીને સાથે લઈ લીધી હતી.

જોકે કલાસિસમાં પહોંચ્યા બાદ દુર્ઘટના સર્જાતાં માસુમ કર્ણવી પણ ગ્રિષ્માની સાથે ત્યાં ફસાઈ ગઈ હતી. નીચે લોકોનું ટોળું જોઈ લોકો કર્ણવીને ઝીલી લેશે તેવી આશાએ ગ્રિષ્માએ તેને નીચે ફેંકી હતી. પરંતુ લોકો તેને કોઈક કારણસર ઝીલી ન શકતા કર્ણવીને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સ્મીમેર હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.

માસુમ કર્ણવીના પિતાએ કહ્યું હતું કે સરકાર જે સહાય આપે છે એ સારી વાત છે જરૂરીયા મંદ વ્યક્તિને સારવારના ખર્ચમાં કામ લાગી શકે પરંતુ આવી સહાય આપવી જ ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ જેથી કોઈ પરિવારના લાડકવાયાઓનો જીવ ન જાય.

કર્ણવીની અંતિમ યાત્રામાં કાળજુ કંપાવે તેવા દ્રશ્યો

અઢી વર્ષની કર્ણવીએ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ત્યારે તેની અંતિમ યાત્રામાં કાળજુ કંપાવે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બાળકીની અંતિમ યાત્રા સમયે રડતા લોકોને જોઈ દુખદ દ્રશ્યો સર્જાયા હતા. સ્મશાન યાત્રામાં પિતા કર્ણવીને ખોળામાં લઈને નીકળ્યા હતા, ત્યારે સ્મશાન યાત્રામાં લોકો રડી પડ્યા હતા. હજી તેને દુનિયા આખી જોઈ પણ નહિ સમજી પણ નહિ ત્યાં તો તેને દુનિયાથી વિદાય લઈ લીધી. તો બીજી તરફ, તેના માતાપિતાનો આક્રંદ પણ સમાતો ન હતો. પિતા અંતિમ સંસ્કારમાં જ્યારે કર્ણવીને લઈને નીકળ્યા, તો પોક મૂકીને રડી રહયા હતા. તો તેની માતાને શાંત રાખવુ મુશ્કેલ બની રહ્યુ હતું. તેમના મનમાં એક જ સવાલ હતો કે, આખરી તેમની માસુમનો શુ વાંક હતો, જે આગમાં હોમાઈ ગઈ હતી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો