કામિની સંઘવીની કલમેઃ સ્ત્રીઓ પ્રત્યે અત્યાચારો ઘટતાં નથી કારણ કે…

સ્ત્રીઓ પ્રત્યે અત્યાચારના વિરોધમાં ફેસબુક પર પોતાનું પ્રોફાઈલ પિક્ચર બ્લેક મૂકવાની ઝુંબેશ અત્યારે પ્રચલિત છે, પરંતુ અંગત રીતે

હું નથી માનતી કે વિરોધના આવા પ્રકારથી કે કેન્ડલ લાઈટ માર્ચ કરવાથી કે તે વિશે સોઈ લોહીમાં બોળીને લખવાથી સ્ત્રી પરના અત્યાચાર બંધ થઇ જશે.

પણ…પણ… પણ…
આજથી ચાર વર્ષ પહેલાં નિર્ભયાકાંડ થયો ત્યારે જરુર માનતી હતી કે આવું બધું કરવાથી રિઝલ્ટ મળશે.
જોશમાં આવીને ત્યારે મેં પણ લેખ ઢસડી માર્યો હતો. લોકોને અપીલ થાય તેવું હેડિંગ પણ ઠપકાર્યું હતું,
‘ધિક્કાર હૈ….ધિક્કાર હૈ…ધિક્કાર હૈ…”

– અને અસર થઇ હો..!
થોડીક લાઈકસ, થોડીક કોમેન્ટસ અને થોડીક વાહવાહી…! આપણે તો ને હું ખુશ, કે આપણે કાંઇક કર્યું. સમાજ પ્રત્યેની ફરજ બજાવી.
નિર્ભયાકાંડ પછી જે દેશવ્યાપી જુવાળ ઊભો થયો તે પછી પણ આવું જ થયું.આખો દેશ હરખપદુડો થઇને માનવા લાગ્યો કે હવે સ્ત્રીઓ સામેના કાયદા કડક બન્યા, લોકોમાં જાગૃતિ આવી હવે અત્યાચાર અટકશે નહીં તો ઓછા તો થશે. પણ થોડાજ દિવસમાં…
ફરી એ જ અરેરાટી થઇ જાય તેવા રેપ સિંગલ મેન કે ગેંગેરેપ કે પછી રેપ વીથ મર્ડરના સમાચાર ચાલુ જ છે.

હવે મૂળ વાત પર આવું.
ગયા મહિને સયાજી લાઇબ્રેરીમાં લોકો ખુશ થઇ જાય તેવું સ્ત્રીઓની તરફેણમાં તેજાબી પ્રવચન ઠોકી દીધું. બધાં ખુશ અને હું ય. પણ પ્રશ્નોતરીમાં એક બહેન સવાલ પૂછયો,

‘મેડમ, તમે જે વાત કરી તે તો મધ્યમવર્ગની કે ઉચ્ચમધ્યમ વર્ગને સ્પર્શે તેવી છે, પણ સૌથી વધુ અત્યાચાર ગરીબ કે નિમ્નવર્ગની બાળકીઓ પર થાય છે. તમને નથી લાગતું કે તે વિશે કશું આપણે કરવું જોઇએ?”

એ બહેનનો સવાલ સાંભળીને મને યોગ્ય લાગ તેવો જવાબ આપીને મેં વાત વાળી લીધી. આખરે સમય સાચવવાનો હતો.
મને દેખાતું હતું કે મારા જવાબથી એ બહેનના ચહેરા પર સંતોષ નથી, પણ આપણે જેમ કાયમ કરતાં હોઇએ છીએ તેમ મેં કર્યું. અણગમતી વાત છોડીને હું બીજા પ્રશ્નકર્તા તરફ વળી ગઇ.

પણ તે દિવસથી એ સવાલે દિલમાં કબજો જમાવ્યો છે. શું ઉપાય હોય શકે આ કુમળી બાળાઓને બળાત્કારથી બચાવવાનો?

જે જવાબ મળ્યાં તે શેર કરું છું.

હું કોઈ પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ નથી પણ સાયકોલોજી ભણી છું, શિક્ષક તરીકે કામ કર્યું છે એટલે થોડું બાળકોને સમજી શકું છું.

આપણાં સમાજમાં ઘણી બધી એવી એન.જી.ઓ. કે વેલફેર સંસ્થાઓ છે જે સ્ત્રીઓ–ગરીબો માટે કામ કરે છે. ત્યાં સ્ત્રીઓને અધિકાર વિશે જાગૃત કરાય છે. તેમને બેડટચ કે ગુડ ટચ વિશે ચોક્કસ સમજાવાય છે. પણ હું માનું છું કે સૌથી વધુ જરુર બેડ ટચ અને ગુડ ટચ વિશે સ્ત્રીઓ અને બાળકીઓને સમજાવવા કરતાં નાના છોકરા, કિશોરો કે પુરુષોને સમજાવવાની જરુર છે કે તમે કોને ટચ કરી શકો અને કોને નહી? કોને ટચ કરો તો તે વાજબી ગણાય અને કોને ટચ કરો તો તે અત્યાચર છે. એવું કામ કોઈ એન.જી.ઓ. ન કરી શકે? અને એવી કોઈ સંસ્થા ન હોય તો સમાજની ખમતીધર બહેનો તેવું કરી શકે તો રિઝલ્ટ મળે?

સહેલાઇથી ઉપલબ્ધ પોર્ન ફિલ્મ પર રોક લગાવવાની જરુર છે. ભલે જેને જે કહેવું હોય તે કહે. પણ આ દુષણ નાબૂદ કરવું જરુરી છે, છે અને છે. આ વાત અનુભવ વિના નથી કહેતી. મારા ઘરે કામ કરતી એક મહિલાએ કબૂલ કર્યું હતું કે એેણે પોતાના જેઠના દીકરાંને સગાં દીકરાની માફક ઉછેર્યો હતો. છતાં પંદર–સત્તર વર્ષનો કિશોર મોબાઇલ પર સતત પોર્ન ફિલ્મ જોઇને એક્સાઇટ થઇને એક દિવસ રાતે બાજુમાં સુતેલી મા જેવી કાકી પર જ હુમલો કરી બેઠો.

સ્ત્રીઓ પ્રત્યે થતાં અત્યાચાર રોકવા માટે શિક્ષણ સંસ્થા સૌથી મોટો રોલ ભજવી શકે. પછી તે સરકારી હોય કે ખાનગી શાળા. જેની શરુઆત એક સરખાં સ્કૂલ યુનિફોર્મથી લઇને જ્યાં જરુર હોય તેવા નિયમ લાગું કરી શકાય.
બસ હવે નો મોર ડિસ્કશન, ઓન્લી એક્શન.

(કામિની સંઘવી- લેખિકા સુરતમાં રહેતાં ગૃહિણી છે. નવલકથા, ટુંકી વાર્તા લખે છે)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો