સંકટ સમયમાં રિલાયન્સનું મિશન ઓક્સિજન: જામનગર બન્યું મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજન ઉત્પાદનનું હબ, રિલાયન્સ દ્વારા દરરોજ 1000 ટનનું ઉત્પાદન થઈ રહ્યું છે

કોવિડ મહામારીના નવા વેવ સામે ભારત ઝઝૂમી રહ્યું છે, ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ કિંમતી જિંદગીઓ બચાવવા માટે તેના તમામ પ્રયાસો કામે લગાડવા માટે મેદાને ઉતર્યું છે.

દર 10 દર્દીમાંથી એક દર્દીની જરુરિયાત RIL પૂર્ણ કરે છે

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની જામનગર તેલ રિફાઇનરીમાં દરરોજ 1000 MTથી વધારે મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહ્યું છે. આ ઓક્સિજન કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોને મફતમાં આપવામાં આવી રહ્યો છે. રિલાયન્સ આજે ભારતમાં લગભગ 11% મેડિકલ ગ્રેડ ઓક્સિજનનું ઉત્પાદન એકલું કરી રહ્યું છે અને દર 10માંથી 1 દર્દીને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

ઓક્સિજનના ઉત્પાદનની વ્યવસ્થા પર મુકેશ અંબાણી રાખી રહ્યા છે નજર. ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ પોતાની વ્યક્તિગત દેખરેખ હેઠળ જામનગર ખાતે, રિલાયન્સે ભારતમાં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતાને મજબૂત કરવા માટે દ્વિપક્ષી અભિગમ અપનાવ્યો છે. મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનને ઝડપી બનાવવા માટે રિલાયન્સ જામનગર અને અન્યત્ર ઔદ્યોગિક પ્રક્રિયાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

માઈનસ 183 ડિગ્રી તાપમાને ઉત્પાદિત થાય છે ઓક્સિજન

આ મહામારી અગાઉ, રિલાયન્સ મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરતું નહોતું. જોકે, RILના ઇજનેરોએ પ્રવર્તમાન કામગીરીમાં તાત્કાલિક જરૂરી ફેરફારો કર્યા – રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે ડિઝાઇન કરાયેલા સંસાધનોને – મેડિકલ ગ્રેડના વધુ શુદ્ધ પ્રકારના ઓક્સિજનનું ઉત્પાદન કરવા માટે તૈયાર કર્યા. ત્યારે મેડિકલ ગ્રેડનો લિક્વિડ ઓક્સિજન 99.5 ટકા શુદ્ધતા સાથે માઇનસ 183 ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાને ઉત્પાદિત કરવો પડે, ઉત્પાદન કરવા અને તેમાં વધારો કરવા માટે આ પરિસ્થિતિ અસાધારણ પડકારો ઊભા કરે છે. તેમાં રિલાયન્સના ઇજનેરોએ થાક્યા વગર કામ કર્યું અને, ક્રાયોજેનિક એર સેપરેશન યુનિટ્સની પ્રક્રિયાઓમાં જરૂરી ફેરફારો કરી ખૂબ જ ઓછા સમયમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદનને વધાર્યું.

યુદ્ધના ધોરણે શૂન્યથી 1000 મેટ્રિક ટન પ્રતિદિન ઉત્પાદન

આ ભગીરથ કામગીરીના પરિણામે રિલાયન્સ મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનનું ઉત્પાદન શૂન્યથી 1000 મેટ્રિક ટન સુધી પહોંચાડી શક્યું, જે દેશમાં મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનના કુલ ઉત્પાદનમાં 11 ટકાનો હિસ્સો ધરાવે છે. જયારે સમગ્ર દેશની અનેક રાજ્ય સરકારોને આ ઓક્સિજન વિના મૂલ્યે આપવામાં આવી રહ્યો છે, જેથી દરરોજ એક લાખથી વધુ દર્દીઓને તાત્કાલિક રાહત મળે.

માર્ચ 2020થી આજદિન સુધીમાં રિલાયન્સે 55000 મેટ્રિક ટન ઓક્સિજન પૂરો પાડ્યો

માર્ચ 2020માં રોગચાળાની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં, રિલાયન્સે દેશભરમાં 55,000 મેટ્રિક ટનથી વધુ મેડિકલ ગ્રેડનો લિક્વિડ ઓક્સિજન પૂરો પાડ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓક્સિજનનો ઝડપી પુરવઠો સુનિશ્ચિત કર્યો. જેમાં ઉચ્ચ ગુણવત્તાવાળા મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજનના ઉત્પાદન ઉપરાંત, અન્ય પડકાર દેશના વિવિધ વિસ્તારોમાં લિક્વિડ ઓક્સિજનનો પુરવઠો ઝડપથી પહોંચે તે માટે ટ્રાન્સપોર્ટેશનના પડકારોને ઝડપથી કાબુ કરવાનો હતો. તેના સલામત અને ઝડપી પરિવહન માટે લોડિંગ ક્ષમતામાં વધારો કરવાની આવશ્યકતા હતી. આ સિદ્ધિ હાંસલ કરવા માટે, રિલાયન્સના એન્જિનિયરોએ રેલ અને માર્ગ પરિવહનમાં સ્માર્ટ લોજિસ્ટિકલ ફેરફાર કર્યા, જેમ કે સમાંતર પાઇપલાઇન્સ નાખવી, પ્રેશરમાં ફેરફારો કરી લિક્વિડ ટેન્કર્સ લોડિંગ કરવી, કારણ કે લિક્વિડ ઓક્સિજનના પમ્પ ટૂંકા ગાળામાં ઇન્સ્ટોલ ન થાય. અન્ય એક નવીનતામાં, રિલાયન્સે નાઇટ્રોજન ટેન્કરોને મેડિકલ ગ્રેડ ઓક્સિજન માટે પરિવહન કરવાના ટ્રકમાં રૂપાંતરિત કર્યા, તેમાં ભારત સરકારની સંબંધિત નિયંત્રક સંસ્થા પેટ્રોલિયમ એન્ડ એક્સ્પોઝીવ સેફટી ઓર્ગેનાઇઝેશન (PESO) દ્વારા માન્ય કરાયેલી નવીન અને સુરક્ષિત પ્રક્રિયાનો ઉપયોગ કરાયો હતો.

ટ્રાન્સપોર્ટેશન ક્ષમતાને પહોંચી વળતા વિદેશથી કન્ટેનર્સ એરલિફ્ટ કરાવ્યા
જયારે 500 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજનની નવી ટ્રાન્સપોર્ટેશન ક્ષમતાનો ઉમેરો કરવા માટે રિલાયન્સે સાઉદી અરેબિયા, જર્મની, બેલ્જિયમ, ધ નેધરલેન્ડ્સ અને થાઇલેન્ડથી ભારતમાં 24 ISO કન્ટેનર્સ એરલિફ્ટ કરાવ્યા. આ ISO કન્ટેનર્સ દેશમાં મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનના પરિવહનના પડકારોને દૂર કરવામાં મદદ કરશે. આ ઉપરાંત, રિલાયન્સ આગામી દિવસોમાં વધુ ISO કન્ટેનર્સ એરલિફ્ટિંગ કરાવશે. કોવિડ સામેની લડાઈમાં દેશને મદદ કરવા માટેના ISO કન્ટેનર્સ પૂરા પાડવા અને ટ્રાન્સપોર્ટ કરવામાં મદદ કરવા બદલ અમે અરામ્કો, બીપી અને IAFનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.

લોકોના જીવ બચાવવાથી વધુ કશું જ નથીઃ મુકેશ અંબાણી

આ અંગે ટીપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મૂકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, “ભારત જ્યારે કોવિડ-19 રોગચાળાના નવા વેવ સામે લડી રહ્યું છે ત્યારે મારા તેમજ રિલાયન્સમાં અમારા બધા માટે એક-એક જીવન બચાવવાથી વધારે મહત્વપૂર્ણ કશું જ નથી. ભારતની મેડિકલ ઓક્સિજન ઉત્પાદન અને પરિવહન ક્ષમતા ઉચ્ચતમ સ્તરે લઇ જવાની તાત્કાલિક જરૂર છે. આ નવા પડકારને પહોંચી વળવા માટે રાષ્ટ્રપ્રેમથી છલકતી ત્વરીતતાની ભાવના સાથે અથાગ પરિશ્રમ કરનારા જામનગરના અમારા એંન્જિનિયરો પર મને ગર્વ છે. ભારતને જ્યારે સૌથી વધારે જરૂરીયાત છે ત્યારે ફરીથી એક વખત પડકારને ઝીલી લઇને અપેક્ષિત પરિણામો આપનારા રિલાયન્સ પરિવારના તેજસ્વી, યુવાન સભ્યોએ દર્શાવેલી પ્રતિબધ્ધતા અને યથાર્થતાથી હું સાચા અર્થમાં વિનમ્ર બન્યો છું.”

રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર-ચેરમેન નીતા અંબાણીએ જણાવ્યું હતું કે, આપણો દેશ અભૂતપૂર્વ કટોકટીમાંથી પસાર થઈ રહ્યો છે. રિલાયન્સ ફાઉન્ડેશનમાં અમે જે કોઇપણ પ્રકારની મદદ થઈ શકે છે તે ચાલુ રાખીશું. દરેક જીવન મૂલ્યવાન છે. અમારી જામનગર રિફાઇનરીમાં આવેલા પ્લાન્ટ્સમાં રાતોરાત બદલાવ કરીને મેડિકલ ગ્રેડ લિક્વિડ ઓક્સિજન ઉત્પાદન કરવામાં આવે છે, જેને હાલમાં સમગ્ર ભારતમાં વિતરીત કરવામાં આવી રહ્યો છે. અમારા લાગણી અને પ્રાર્થના સાથી દેશવાસીઓ સાથે છે. સાથે મળીને આપણે આ મુશ્કેલ સમયમાં જીત મેળવીશું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો