અભિનંદનને પાકિસ્તાનથી ઘરે કરાવાયો હતો ફોન, પત્નીની Mind Gameથી ઊંધી પડી ISIની આ ચાલ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન જ્યારે પાકિસ્તાનની કેદમાં હતા, ત્યારે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI દ્વારા ટેલીફોન પર વિંગ કમાન્ડર અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવાઈ હતી. તમને એ વાત જાણીને નવાઈ લાગશે કે, આવા મુશ્કેલીના સમયમાં પણ અભિનંદન અને તેમની પત્ની તન્વી મારવાહે ધીરજ નહોતી ગુમાવી અને મજાક કરતા ઠંડા દિમાગે કહ્યું હતું કે, ‘ચાની રેસિપી લેતા આવજો.’

અભિનંદનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર થયો હતો, જેમાં અભિનંદન પાકિસ્તાનની કેદમાં હતા અને ત્યાનો એક અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યો હતો. એ વીડિયોમાં વિંગ કમાન્ડર ચાની ચુસ્કી લેતા દેખાયા હતા અને પાકિસ્તાની અધિકારી દ્વારા પૂછતા વિંગ કમાન્ડર અભિનંદને આ ચાના વખાણ પણ કર્યા હતા.

પત્ની ખુદ એરફોર્સમાં રહી ચૂકી છે પાઇલટ

રક્ષા વિભાગના એક વરિષ્ઠ અધિકારી સાથે વાતચીતના આધારે ધ પ્રિન્ટે આ વાતની જાણકારી આપી છે. રક્ષા વિભાગના અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ અભિનંદનની વાત તેમની પત્ની સાથે કરાવીને તેમનો વિશ્વાસ જીતવાની રમત રમી હતી. જોકે, વિંગ કમાન્ડર અભિનંદન અને તેમની પત્નીએ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ખુદને કમજોર નહોતા થવા દીધા. ઉલ્લેખનીય છે કે, તન્વી મારવાહ ખુદ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાઇલટ રહી ચૂકી છે.

પાકિસ્તાને વિંગ કમાન્ડર અભિનંદન કેદમાં હતા ત્યારે પત્ની સાથે કરાવી હતી વાત, ISIને જોઈતી હતી આ સિક્રેટ માહિતી, બહાદૂરની પત્નીએ વિકટ સ્થિતિને સંભાળી ઠંડા દિમાગથી એવી વાતો કરી કે દુશ્મન દેશને ચડાવ્યો હતો ચક્કરે

આ વાતચીત થઈ હતી

પાકિસ્તાની ગુપ્તચર એજન્સી દ્વારા સાઉદી અરબના રૂટેથી તન્વી મારવાહને ફોન લગાવાયો. જ્યારે તન્વીએ ફોન પર અભિનંદનનો અવાજ સાંભળ્યો તો તેઓ તરત જ સમજી ગયા કે, આ ISIની કોઈ ચાલ હોઈ શકે છે, એટલા માટે તેમણે આ કોલને રેકોર્ડ કરી લીધો. વાતચીત દરમિયાન તન્વીએ મજાકમાં પૂછ્યું કે, ‘ચા કેવી હતી?’ તેના પર કમાન્ડર અભિનંદને જવાબ આપતા કહ્યું કે, ‘સારી હતી’. તન્વીએ પૂછ્યું કે, ‘મારાથી પણ સારી બનાવી હતી?’ તેના પર અભિનંદને હસતા હસતા કહ્યું કે, ‘હાં, આ બહુ સારી હતી?’ ત્યારબાદ તન્વીએ કહ્યું કે, ‘તો પછી રેસિપી પણ લેતા જ આવજો’

શારીરિક અને માનસિક ત્રાસમાંથી પસાર થવું પડ્યું હતું

ઉલ્લેખનીય છે કે, પુલવામાં હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી ઠેકાણાં પર એર સ્ટ્રાઈક કરી હતી. જેના જવાબમાં પાકિસ્તાનના લડાકૂ વિમાનોએ પણ ભારતીય સરહદમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય વાયુસેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન દ્વારા ઉડાવાઈ રહેલા મિગ-21 ફાઈટર જેટ અને પાકિસ્તાનના લડાકૂ વિમાન એફ-16ની વચ્ચે ડોગ ફાઈટ થઈ હતી. આ અથડામણમાં વિંગ કમાન્ડરે પાકિસ્તાનના ફાઇટર જેટને તોડી પાડ્યું, પરંતુ તેમાં અભિનંદનનું ફાઇટર જેટ પણ ક્રેશ થયું અને અભિનંદન પેરાશૂટથી પાકિસ્તાનના કબ્જાવાળા કશ્મીરમાં ઉતર્યા. જ્યાંથી તેમને પાકિસ્તાનની આર્મી દ્વારા પકડી પાડવામાં આવ્યા.

જોકે, પાકિસ્તાનની આર્મીએ 60 કલાક વિંગ કમાન્ડર અભિનંદનને કસ્ટડીમાં રાખ્યા બાદ પાછા ભારતને સોંપી દેવાયા હતા. ધ પ્રિન્ટના સમાચાર પ્રમાણે, ભારત પરત ફર્યા બાદ અભિનંદને ભારતીય તપાસ અધિકારીઓને જણાવ્યું કે, તેમને 24 કલાક સુધી મોટા અવાજે સંગીત અને વધારે પ્રકાશની વચ્ચે રાખ્યા, જેથી તેઓ ઊંઘી ન શકે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ વિંગ કમાન્ડર અભિનંદનની પાંસળી પર ગુસ્તો માર્યો અને પછી થપ્પડ પણ માર્યા હતા.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો