6 મહિનાનો ગર્ભ હોવા છતાં પણ ફરજ બજાવે છે રાજકોટના આ મહિલા ASI, ચિંતામાં પડેલા પરિવારને કહ્યું-રજા નહીં, ફરજ પહેલાં

સમગ્ર દેશમાં જ્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડોક્ટર્સ તેમજ પોલીસ ખડેપગે ફરજ પર હાજર છે. હોસ્પિટલની અંદર ડોક્ટર્સ દર્દીઓને બચાવવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે હોસ્પિટલની બહાર પોલીસ લૉકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસના જોખમ સામે પણ પોતાની ડ્યૂટી નિભાવી રહ્યાં છે. આવી જ રીતે રાજકોટમાં પણ અડગ નિર્ણય સાથે 6 માસના ગર્ભવતી મહિલા ASI પોતાની ફરજ બજાવી રહ્યાં છે.

કર્તવ્યનિષ્ઠાનો આપ્યો પરિચય

કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનની પરિસ્થિતિમાં જનતા જ્યારે ઘરની અંદર છે ત્યારે રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા નસરીન જુનૈદ બેલીમ પ્રેગ્નન્ટ હોવા છતાં પણ ફરજ પ્રત્યેનું કર્તવ્ય ભૂલ્યાં નથી. જ્યારથી રાજકોટમાં કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે ત્યારથી જ નસરીનનો પરિવાર ચિંતા કરે છે પરંતુ નસરીને ફરજને અગ્રતાક્રમે મૂકીને પોતાની કર્તવ્યનિષ્ઠાનો પરિચય આપ્યો છે.

‘મારા પતિ પણ થોડા ડરી ગયા હતા અને તેણે પણ મને ડ્યુટી કરવાની ના પાડી’

‘મારૂ નામ નસરીન જુનૈદ બેલીમ છે, હું ASI તરીકે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવું છું. હાલ મારે છ મહિનાનો ગર્ભ છે. જ્યારથી આ પરિસ્થિતિ જ્યારથી શરૂ થઇ છે અને રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યો ત્યારથી મારા પરિવારજનો ખૂબ જ ચિંતામાં રહે છે. હાલ તેઓને મને ક્યાંય કોરોના ન થઈ જાય એવો ડર સતાવી રહ્યો છે, જો મને કોરોના સંક્રમણ થઇ ગયું તો પછી મારૂ અને બાળકનું શું થશે? મારી પ્રેગ્નન્સીને કારણે રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી રહેતી હોવાથી મારા પરિવારજનો ચિંતામાં રહે છે. પરંતુ મારી ડ્યુટી અને ફરજ પહેલા છે. રાજકોટમાં કોરોનાનો પહેલો કેસ આવ્યો ત્યારે જ મને કહી દીધું હતું કે, ગમે તે થાય તું રજા મુકી દે. રજા ન મળે તો તું પગાર વગર રજા પર ઉતરી જા. મારા પતિ પણ થોડા ડરી ગયા હતા અને તેણે પણ મને ડ્યુટી કરવાની ના પાડી હતી. હાલ તું થોડા દિવસ રજા લઇ લે તો વધારે સારૂ’

ખડેપગે ફરજ બજાવી રહી છે પોલીસ

નોંધનીય છે કે કોરોના વાયરસના કારણે સમગ્ર ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિ છે. આ કપરી પરિસ્થિતિમાં પોલીસની માનવતાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. થોડા દિવસો પહેલા પોલીસ કર્મચારીઓએ પણ ગરીબ અને શ્રમિક લોકોમાં ફૂડપેકેટનું પણ વિતરણ કર્યું હતું તો કેટલાક વિસ્તારોમાં પોલીસ કર્મચારીઓ લોકોને જીવન જરુરિયાતની વસ્તુઓ પણ પહોંચાડી રહ્યાં છે. લોકોને જ્યારે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે ત્યારે પોલીસ પ્રત્યે સંવેદના દાખવતા કોરોનાને પગલે ડ્યૂટી દરમિયાન જો કોઈ પોલીસ કર્મચારીનું અવસાન થાય તો રાજ્ય સરકારે તેને 25 લાખનો વીમો પણ પૂરો પાડ્યો છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો