જેઓ તેમની નમ્રતા, પ્રામાણિકતા, સરળતા, સાહસિકતા અને ઉદારતાથી આખી દુનિયામાં ઓળખાય છે એવા ગુજરાતીઓ વિશે થોડુંક જાણીએ

એક સમયે બ્રિટિશ સામ્રાજ્યમાં ક્યારેય સૂરજ આથમતો નથી એવું કહેવાતું હતું. આજે આ વાત ગુજરાતી પ્રજાને લાગુ છે. ગુજરાતી પ્રજા પર ક્યારેય સૂરજ આથમતો નથી કારણ કે જ્યાં પણ સૂરજનાં કિરણો હોય છે ત્યાં ગુજરાતી અવશ્ય હોય છે. ચરોતરથી વેમ્બલી અને ન્યૂજર્સીથી નવસારી સુધી ફેલાયેલા ગુજરાતીઓમાં છલકતું ગુજરાતીપણું 16 સંસ્કારોને આભારી છે. આ 16 સંસ્કારો દરેક ગુજરાતીને ગળથૂથીમાં મળે છે. એ પરિવારપ્રેમી છે તો ક્યારે શું કરાય અને ક્યારે ન કરાય એ કોઠાસૂઝ એનામાં છે. એના વિચારો ક્યારેય નાના નથી. એ હંમેશા મોટું કરવામાં માને છે. એ ઉત્સવ ઉજવી જાણે છે, સ્વાદનો એ રસિયો છે. એ ધર્મપ્રેમીની સાથે ઉદાર પણ છે. એ સાચી વાત મોં પર કહી દે એવો નીડર છે તો વાત કરવાની કળા વાકપટુતામાં એ માહેર છે. એની ગુજરાતી ભાષાના અનેક રંગ, અનેક શૈલી છે પણ આ જ ભાષા દુનિયાભરના ગુજરાતીઓને એક તાંતણે બાંધી રાખે છે. એ નમ્ર છે, પ્રામાણિક છે અને વેપાર-ઉદ્યોગથી રાજકારણ જેવા ક્ષેત્રોમાં હિંમતપૂર્વક ઝઝૂમવાની સાહસિકતા એનામાં છે. એ દુનિયાભરમાં પ્રવાસ પણ કરે છે તો સાથે જ એ સરળ રહીને કરકસર પણ કરી જાણે છે.

22.9% ઘરમાં હજુ પણ સંયુક્ત પરિવાર રહે છે.

2011ની વસ્તીગણતરીના આંકડા મુજબ ગુજરાતમાં 22.9 ટકા ઘરમાં સંયુક્ત પરિવારો છે. ભારતમાં સંયુક્ત પરિવારો ધરાવતા રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે છે ટોચના ગુજરાતી ઉદ્યોગજૂથ અંબાણી પરિવાર, લાલભાઈ પરિવાર, સારાભાઈ પરિવારની સફળતામાં પરિવાર ભાવના મોટું પરિબળ રહી છે. માત્ર મોટા ઉદ્યોગજૂથો જ નહીં. દરેક શહેર-ગામના સફળ વ્યાપારિક જૂથો કોઈને કોઈ પરિવારની જ દેણ છે અને પરિવારો જ એ ચલાવે છે.

કોઠાસૂઝ: 70% ઉદ્યોગપતિ પાસે મેનેજમેન્ટની ડિગ્રી નહીં છતાં કરોડોની કમાણી સાથેનો સફળ બિઝનેસ

ગુજરાતમાં ઘણા મોટા ઉદ્યોગપતિઓ પાસે મેનેજમેન્ટની ડિગ્રી નથી પણ આંતરિક કોઠાસૂઝ અને વ્યવસાયિકતાથી તેમણે વ્યવસાયનો વ્યાપ વધારીને સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર મેટ્રીક પાસ એવા ધીરુભાઈ અંબાણી અને માત્ર 12 પાસ એવા ગૌતમ અદાણી વિશે શ્રેષ્ઠ મેનેજમેન્ટ સ્કૂલોમાં ભણાવવામાં આવે છે. ગુજરાતીઓએ કોઠાસૂઝથી જ્વલંત ઉદાહરણો પૂરા પાડ્યા છે. કોઠાસૂઝના લીધે જ ગુજરાતના ખેડૂતો, વ્યવસાયિકોએ અનેક નવતર સંશોધનો કર્યા છે તો તદ્દન અભણ હોવા છતાં પણ નાના-મોટા બિઝનેસને સફળ બનાવી શક્યા છે.

ધર્મ: ચર્ચ ખરીદીને બનાવ્યું સૌથી મોટું મંદિર

વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનું સૌથી મોટું મંદિર અમેરિકાના અટલાન્ટામાં ગુજરાતીઓ બનાવી રહ્યા છે. દરેક બાબતે ગણતરીપૂર્વક નિર્ણય લેતો ગુજરાતી ધર્મના કામમાં ક્યારેય ઢીલ નહીં મૂકે. હાલમાં જ ઉમિયા માતાજીનો દિવ્ય રથ નીકળ્યો ત્યારે ગણતરીના દિવસોમાં 400 કરોડ એકત્ર થઈ ગયા હતા. એ દરેક ધર્મને આદર આપશે. રથયાત્રામાં મુસ્લિમો સેવા કરશે તો તાજિયાના જુલૂસનું હિંદુઓ પણ સ્વાગત કરશે. જે ખરું ગુજરાતીપણું છે.

ઉત્સવ: 122 દેશમાં ગરબા, નવરાત્રિ પૂર્વનો કાર્નિવલ

ગુજરાતની નવરાત્રિને પૂર્વના કાર્નિવલનો દરજ્જો પ્રાપ્ત છે. વિશ્વના 122 દેશમાં ગરબા રમાય છે. નવરાત્રિમાં જ ગુજરાતમાં અંદાજે 15 હજાર કરોડનો બિઝનેસ થાય છે. ગુજરાતી દરેક પ્રસંગને ઉજવી જાણે છે. પોતાના ડૉગીનો જન્મદિવસ પણ ધામધૂમથી મનાવશે તો બોર્ડનું રિઝલ્ટ આવશે તો ગરબે ઘૂમશે. નવરાત્રિથી-દિવાળી સુધી ગુજરાતીઓની ઉત્સવપ્રિયતા પરાકાષ્ઠાએ પહોંચે છે. આખું વરસ કરકસર કરીને પૈસા બચાવશે પણ તહેવાર દરમ્યાન એ મન મૂકીને પૈસા ખર્ચી જાણે છે, એ તેમની ઉત્સવપ્રિયતાના લીધે જ.

ઉદારતા: ગુજરાતીએ અમેરિકી યુનિ.ને 1300 કરોડ આપ્યા હતા

પાંજરાપોળો-વૃદ્ધાશ્રમોને દાન આપનારાઓમાં ગુજરાતીઓ મોખેર છે. અમેરિકામાં ગુજરાતી દંપતિ ડૉ. કિરણ પટેલ અને તેમના પત્નીએ ફ્લોરિડા યુનિ.ને 1300 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. તો સૌથી વધુ ચેરિટી સંસ્થાઓ પણ ગુજરાતમાં છે. સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી પિતા ન હોય એવી 2 હજારથી વધુ કન્યાઓના લગ્ન કરાવે છે.

નીડરતા: કચ્છી વેપારી આફ્રિકામાં બેતાજ બાદશાહ કહેવાતા

નીડરતા ગુજરાતીઓનો ગુણધર્મ છે. ‘ન બોલવામાં નવ ગુણ’ કહેવતમાં માનતો ગુજરાતી સમય આવ્યે સાચી વાત મોંઢા પણ સંભળાવી દેવામાં પણ માને છે. દક્ષિણ આફ્રિકાના પીટર મૅરિત્સબર્ગ સ્ટેશને ટ્રેનમાંથી ઉતારી દેવાની ઘટના વખતે ગાંધીજીએ દર્શાવેલી નીડરતા અસ્સલ ગુજરાતી ગુણ હતો. 1973-1974માં નીડર વિદ્યાર્થીઓએ ભ્રષ્ટાચાર સામે નવનિર્માણ આંદોલન છેડ્યું હતું, જેની અસર દેશમાં થઈ હતી. તો 18મી સદીમાં આફ્રિકાના બેતાજ બાદશાહ તરીકે ઓળખાતા શિવજી ટોપણ અને 1946-1953માં વિવિધ રાજ્યના ગવર્નર રહેલા ચંદુલાલ ત્રિવેદી તેમની નીડરતા માટે જ જાણીતા હતા.

વાકપટુતા: અમેરિકી કૉન્સ્યુલેટમાં હોય છે ગુજરાતી બોર્ડ

ગુજરાતી ભાષા એ ગુજરાતીઓને જોડતી મહત્ત્વની કડી છે. માત્ર ભાષા જ નહીં વાકપટુતા તેમને વારસામાં મળી છે. સોળમી સદીમાં ગુજરાતી ભાષાનો એટલો દબદબો હતો કે એશિયા-આફ્રિકામાં તે એકમાત્ર બિઝનેસ લેંગ્વેજ ગણાતી હતી. આજે લંડનના વેમ્બલી કે શિકાગોમાં દુકાનો પર ગુજરાતી બોર્ડ વાંચવા મળશે. અમેરિકી કૉન્સ્યુલેટની ઑફિસમાં ભારતીય ભાષાઓમાં હિંદી બાદ ગુજરાતીમાં જ બોર્ડ જોવા મળે છે. ગુજરાતીના વિવિધ રંગ છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ચરોતર અને દક્ષિણ ગુજરાતની બોલી એકમેકથી અલગ છે.

નમ્રતા: ખાટલામાં સૂવે છે સુરતના ડાયમંડ કિંગ

ગુજરાતી પરિવારોની જીવનશૈલી, ઘરને જોઈને ક્યારેય તેમની આર્થિક સ્થિતિનો અંદાજ મેળવી કાઢી શકાય નહીં. અત્યંત સાદગીથી રહેતો ગુજરાતી કરોડો રૂપિયાનો માલિક હોઈ શકે છે. કરોડો રૂપિયાની આવક ધરાવતા સુરતના જાણીતા ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયા આજે પણ લાકડાના ખાટલામાં સૂવાનું પસંદ કરે છે. ગાંધીજી જાહેરજીવનમાં નમ્રતા અને સાદાઈના આગ્રહી હતા.

સહનશીલતા: વિદેશમાં દર ત્રીજો ભારતીય, કુલ 1 કરોડ

દરેક પ્રકારની પરિસ્થિતિને અનુકૂળ થઈ જવું ગુજરાતીઓની સૌથી મોટી વિશિષ્ટતા છે. તેઓ પોતાના રાજ્ય કે દેશની બહાર જઈને વસવાટ કરશે તો તકલીફોને સહન કરીને પણ સ્થાયી થઈ જશે. એટલે જ આજે વિશ્વના 122 દેશોમાં ગુજરાતીઓની સંખ્યા એક કરોડથી વધુ છે. વિદેશમાં દર ત્રીજી વ્યક્તિ ગુજરાતી છે. ઘરઆંગણે સુખી પરિવારનો ગુજરાતી વિદેશમાં સંઘર્ષ કરીને દુ:ખ સહન કરીને પણ પોતાનો માર્ગ શોધી લેશે અને બીજાને મદદ કરશે.

સ્પષ્ટવક્તા: સરદારે 562 રજવાડાં એક કરી બતાવ્યા

ગુજરાતી પાટીદાર સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. સરદાર તેનો ઉત્તમ પુરાવો. તેમણે પોતાની આ ખૂબી અને કુનેહથી 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. હૈદરાબાદ-જૂનાગઢને બાદ કરતા તેમણે અન્ય રજવાડાઓને પોતાના સ્પષ્ટવક્તા ગુણથી જ ભારતમાં ભળવા મનાવ્યા હતા. મોરારજી દેસાઈ પણ તેમના આખાબોલા સ્વભાવ માટે જાણીતા હતા. ઇન્દિરા ગાંધી સામે આખી કોંગ્રેસ ચૂપ રહી ત્યારે દેસાઈએ તેમની સામે સવાલો કર્યા હતા.

પ્રામાણિકતા: ટોપ-5 ટેક્સ પેયર્સમાં સામેલ છે ગુજરાતીઓ

વેપાર-ઉદ્યોગમાં ગુજરાતીઓની સફળતાનું મોટું કારણ પ્રમાણિકતા છે. સુરત, મુંબઈથી એન્ટવર્પ સુધીનો ગુજરાતીઓનો બિઝનેસ માત્ર વિશ્વાસ પર થાય છે. ગુજરાતમાં આંગડિયાઓ દ્વારા થતી કરોડો રૂપિયાની હેરફેર અને વેપાર-ધંધો માત્ર વિશ્વાસના ધોરણે થાય છે. દેશમાં સૌથી વધુ ટેક્સ ચૂકવતા ટોચના પાંચ રાજ્યોમાં ગુજરાત પાંચમા ક્રમે છે. કેન્દ્ર સરકારની કુલ ટેક્સ આવકમાં 5.2 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતી વ્યક્તિ હંમેશા ભરોસાપાત્ર મનાય છે.

સાહસિકતા: 16મી સદીમાં ગુજરાતી વેપારી આફ્રિકામાં વેપાર કરતા

સોળમી સદીમાં કચ્છી ગુજરાતી સાહસિક ઉદ્યોગપતિ કાનજી માલમ વિશ્વભરના સમુદ્રમાર્ગોનો નિષ્ણાંત હતો. માંડવીમાં તેના જહાજો ખરીદવા દુનિયાભરમાંથી લોકો આવતા. વિમાનની હજુ તો શોધ થઈ હતી ત્યાં 1929માં માત્ર પાંચ ધોરણ ભણેલા ગુજરાતી પુરૂષોત્તમ મેઘજી કબાલીએ વિમાન ઉડાવ્યું હતું. તથા માત્ર થોડા પાણી સાથે રણ પાર કર્યું હતું. ગુજરાતી વેપારીઓની સાહસિકતાના દાખલા અનેક છે. અનેક ગુજરાતીઓે મુંબઈથી લઈને આફ્રિકા સુધી વેપાર-ઉદ્યોગ ફેલાવીને સાહસિકતાના દાખલા આપ્યા છે.

સરળતા: મુંબઈમાં 20 લાખ ગુજરાતી, ‘ફાવી જશે’ મંત્ર

ગુજરાતીઓ આજે વિશ્વના 112થી વધુ દેશમાં વસી શક્યા છે તેનું સૌથી મોટું કારણ તેમની સરળતા છે. અપાર હાડમારી ધરાવતા મુંબઈમાં ગુજરાતીઓની સંખ્યા 20 લાખ જેટલી છે. દાયકાઓ પહેલા મુંબઈ પહોંચેલા ગુજરાતીઓ સ્વભાવની સરળતા અને ‘ફાવી જશે’ એ સ્વભાવની લાક્ષણિકતાના લીધે મુંબઈમાં ‘સેટ’ થયા તથા મહાનગરના વિકાસમાં સૌથી વધુ યોગદાન આપ્યું. 70ના દસકામાં યુગાન્ડા છોડીને બ્રિટન આવેલા ગુજરાતીઓ સ્વભાવની સરળતાના લીધે જ ઇંગ્લિશ પ્રજામાં ભળી શક્યા હતા.


પ્રવાસ: વિદેશમાં ફરતા ભારતીયોમાં 30 ટકા ગુજરાતી

સરકારી આંકડા મુજબ વિશ્વભરમાં પ્રવાસ કરતા ભારતીયોમાં એકલા ગુજરાતીઓનું પ્રમાણ 30 ટકા છે. ગુજરાતીઓ જેટલી વિશ્વ પ્રવાસની શોખીન પ્રજા બીજી કોઈ નહીં હોય. ગુજરાતીઓ વર્ષમાં સરેરાશ ત્રણ વખત લાંબો પ્રવાસ કરતા હોય છે. કેરળ હોય કે દાર્જિલિંગ ત્યાં ગુજરાતી ભાષામાં બોર્ડ અચૂક જોવા મળશે. એન્ટાર્કટીકાથી લઈને અલાસ્કા સુધી ફરનારાઓમાં પણ ગુજરાતી હોય છે. દેશના અનેક પ્રવાસન સ્થળો ગુજરાતીઓથી ધમધમતા હોય છે.

કરકસર: વર્ષે 70 લાખ કરોડની બચત કરતી પ્રજા

કરકસર કરીને પૈસાની બચત કરવી ગુજરાતીઓના લોહીમાં છે. ગુજરાતીઓ એક વર્ષમાં સરેરાશ 70 લાખ કરોડ રૂપિયા બેન્કમાં જમા કરે છે. બેન્ક ડિપોઝિટમાં ગુજરાત ટોચના પાંચ રાજ્યોમાં સામેલ છે. બચત કરવામાં પાવરધા ગુજરાતીઓ લોન લેવામાં એટલા ઉત્સાહી નથી. વાર્ષિક 70 લાખ કરોડની બચતો સામે ગુજરાતીઓ 15 લાખ કરોડથી ઓછા રૂિપયાનું ધિરાણ લે છે. ગુજરાતી ધનિક હોય કે ગરીબ. તે બોલવા ચાલવાથી લઈને ચીજવસ્તુઓના વપરાશમાં કરકસર અવશ્ય કરશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો