RTIમાં ખુલાસો: ટાર્ગેટ પૂરો ન થાય તો ઓપરેટરને ભાડું ન મળે, અમદાવાદમાં 47 ટોઈંગ ક્રેનને દર મહિને સરેરાશ 1.37 લાખ ટુ-વ્હીલર, 10,800 કાર ટો કરવાનો ટાર્ગેટ

આડેધડ પાર્કિંગ કરનારાના વાહન ટો થતાં હોય છે. પરંતુ ટોઈંગ ક્રેનને ટ્રાફિક પોલીસે આપેલા કોન્ટ્રાક્ટ પરથી ખબર પડે છે કે, આ ટોઈંગ વાન ટેરર ક્રેન બની ગઈ છે. આરટીઆઈમાંથી બહાર આવેલા દસ્તાવેજ મુજબ શહેરમાં ટુ-વ્હીલર ટો કરવા માટે 38 અને ફોર-વ્હીલર-થ્રી વ્હીલર ટો કરવા માટે 9 મળી 47 ક્રેન છે. દરેક ટુ-વ્હીલર ક્રેન ઓપરેટરને રોજના 120 ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ક્રેનને રોજની 40 કાર ટો કરવાનો ટાર્ગેટ અપાયો છે. આ ટાર્ગેટ પૂરો ન કરનારા ક્રેન ઓપરેટરને ભાડું મળે નહીં. જો કે, એક ઓપરેટર 1 મહિનામાં સરેરાશ 3600 ટુ-વ્હીલર અને 1200 ફોર-વ્હીલર ટો કરે તો તેને ભાડું મળે.

દર મહિને ફરજિયાત 1,36,800 ટુ-વ્હીલર, 10,800 કાર ટો કરવી પડે 

આનો અર્થ એ થયો કે, 38 ટુ-વ્હીલર ટોઈંગ ક્રેને દર મહિને ફરજિયાત પણે 1,36,800 ટુ-વ્હીલર ટો કરવા પડે. જ્યારે  9 ફોર-વ્હીલર ટોઈંગ ક્રેને દર મહિને ફરજિયાત 10,800 કાર ટો કરવી પડે. જો તમારું ટુ-વ્હીલર ટો થાય તો આડધેડ પાર્કિંગના દંડ પેટે રૂ.500 અને ટોઈંગ ચાર્જ પેટે રૂ.250 મળી કુલ 750 ચૂકવવા પડે. એ જ રીતે તમારી કાર ટો થાય તો 500 આડેધડ પાર્કિંગનો દંડ અને 500 ટોઈંગ ચાર્જ મળી કુલ 1 હજાર ચૂકવવા પડે. આમ ટોઈંગ ક્રેન ઓપરેટર ટાર્ગેટ પૂરો કરવા તેમજ પોતાના ભાડા માટે લોકોના વાહન આડેધડ ટો કરતાં હોય છે. આરટીઆઈ એક્ટિવિસ્ટ પંકજ ભટ્ટે ટ્રાફિક પોલીસમાં કરેલી આરટીઆઈના જવાબમાંથી આ માહિતી મળી છે.

પાર્કિંગમાંથી વાહન બહાર ખેંચી ફોટો પાડે છે

એગ્રીમેન્ટ પ્રમાણે કામગીરી ન કરાય તો ટોઈંગવાનના સંચાલકને એ દિવસનું ભાડું મળે નહીં. માટે વાનના માણસો પાર્કિંગમાં મુકેલા ટુ-વ્હીલરને બહાર ખેંચી તેનો ફોટો પાડી વાહન ટો કરે છે. જો વાહનચાલક પ્રશ્ન ઉઠાવે તો તેને ફોટો બતાવી ચૂપ કરી દેવાય છે. ટાર્ગેટ પૂરો કરવા માટે વાનના માણસો આડધેડ કામ કરે છે અને વાહનચાલકો સાથે ઘર્ષણમાં પણ ઉતરે છે.

ટોઈંગ ક્રેન એક પણ નિયમ પાળતી નથી

  • ટોઈંગ વાનનો કર્મચારી 18 વર્ષથી વધુ વયનો હોવો જોઈએ.
  • કર્મચારીએ નિયત યુનિફોર્મ પહેરેલો હોવો જોઈએ તેમજ શર્ટના પાછળના ભાગે’ ઓન પોલીસ ડ્યુટી’ લખાયેલું હોવું જોઈએ.
  • રાત્રિના સમયે ફલોરેસન્ટ જેકેટ પહેરવું જરૂરી છે.
  • ટોઈંગ વાનમાં કાર્યરત વીડિયો કેમેરા રાખવો જરૂરી છે.
  • ટોઈંગ વાનના માલિકે ‘ઓન પોલીસ ડ્યુટી’નું બોર્ડ ટોઈંગ વાહનમા લગાવવાનું અને ફરજ પૂરી થયે સંબંધિત સેકટર કે ચોકી પર કાઢીને મૂકવાનું હોય છે. પણ ટોઈંગ ક્રેન મોટાભાગના નિયમનું પાલન કરતી નથી.

ટોઈંગનું ગણિત આ રીતે સમજો

  • 38 ટુ-વ્હીલર ક્રેન
  • 120 વાહન એક ક્રેન રોજના ઉપાડે તો 4560 વાહન રોજના ફરજિયાત ટો કરવા પડે
  • 4560 × 500 દંડ + 250 ટોઈંગ ચાર્જ મળી 3.42 લાખ દંડ રોજ ટુ-વ્હીલર પાસેથી વસૂલાય છે
  • 09 ફોર-વ્હીલર ક્રેન
  • 40 ફોર-વ્હીલ એક ક્રેન રોજ ઉપાડે
  • 360 ફોર-વ્હીલ રોજ ટો કરવા પડે
  • 360×500 દંડ + 500 ટોઈંગ ચાર્જ મળી 3.60 લાખ દંડ રોજ કારચાલકો પાસેથી વસૂલાય છે

વાહનનું નુકસાન ક્રેન ઓપરેટરે ભોગવવાનું હોય છે

ટોઈંગ ક્રેન ટાર્ગેટ પૂરો કરવા આડેધડ વાહન ઉપાડતી હોય છે. સંખ્યાબંધ કિસ્સામાં લોકોના વાહનને નુકસાન પણ થાય છે. નિયમ મુજબ આ નુકસાન ક્રેન ઓપરેટરે ભોગવવાનું હોય છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો