અમેરિકા જવાનુ દિવા સ્વપ્ન જોનારા યુએસથી ડીપોર્ટ થયેલા 145 ભારતીયોની દાસ્તાં જાણી હચમચી જશો, ફાટેલા કપડે થઈ વતન વાપસી, જાણો દાસ્તાન

ભણેલા-ગણેલા ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોનું અમેરિકા જઇ ત્યાં કામ કરવાનું સપનું હતું. તેઓ ત્યાં પહોંચી તો ગયા. તેના માટે તેમણે 25-25 લાખ રૂપિયા એજન્ટોને આપ્યા હતા. કેટલાંકે ત્યાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું પરંતુ તેમને ખબર નહોતી કે સુંદર જિંદગીનું તેમનું સપનું એક ખરાબ સ્વપ્નમાં ફેરવાઇ ચૂકયું છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના આરોપમાં તેમને ત્યાં ઇમીગ્રેશન અધિકારીઓએ પકડી લીધા. તેમને ગેરકાયદે પ્રવાસીઓ માટે બનાવેલા ડિટેંશન સેન્ટરમાં કેદ કરી લીધા. આખરે તેમને અમેરિકાથી ભારત પાછા મોકલી દેવામાં આવ્યા. તેમને ગઇકાલ સવારે નવી દિલ્હીના આઈજીઆઈ એરપોર્ટ પર ઉતાર્યા હતા ત્યારે તેમના હાથ અને પગ બાંધેલા હતા. પ્લેનમાંથી ઉતરતા પહેલાં જ તેમના હાથ-પગ ખોલવામાં આવ્યા. આ વાત એ 145 ભારતીયોની છે જેમણે અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાના લીધે ભારત ડિપોર્ટ કરાયા છે.

લગભગ એક વર્ષ પછી હાથમાં પકડયો મોબાઇલ

21 વર્ષના સુખવિંદર સિંહે અંદાજે એક વર્ષ બાદ મોબાઇલ ફોનને હાથમાં પકડ્યો હતો. પોતાના પિતાને ફોન પર એ કહ્યું કે તેઓ આવતા 6 કલાકમાં ઘરે પહોંચી જશે. તેઓ વાત કરતાં-કરતાં રડવા લાગ્યા. પિતાને આ સાંભળીને ખૂબ ધ્રાસકો લાગ્યો. તેમણે પૂછયું કે અમેરિકામાં બધુ બરાબર તો છે ને. સુખવિંદરને હરિયાણામાં પોતાના પરિવારને એ બતાવતા શરમનો અહેસાસ થયો હતો કે અમેરિકાના એરિઝોનાથી તેમને ડિપોર્ટ કરી દીધો હતો અને તેઓ દિલ્હી આવી ચૂકયા છે.

ફાટેલા કપડાં, લેસ વગરના જૂતામાં એરપોર્ટમાંથી બહાર નીકળ્યા

અગ્રણી મીડિયા રિપોર્ટસના મતે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બુધવારના રોજ એક પછી એક આ 145 ભારતીય ભીડની વચ્ચે ફાટેલા કપડાં અને લેસ વગરના જૂતામાં બહાર આવી રહ્યા હતા. તેમાં 3 મહિલાઓ પણ હતી. તેમને અમેરિકાના એરિઝોનાથી ડિપોર્ટ કરાયા હતા. તેમની સાથે 25 બાંગ્લાદેશીઓને પણ ડિપોર્ટ કરાયા હતા. આથી તેમને લઇ આવી રહેલ ચાર્ટર્ડ પ્લેન ઢાકામાં થોડીકવાર રોકાયુ હતું. લગભગ 24 કલાકની મુસાફરી કરવાના લીધે ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. આ સિવાય અમેરિકામાં ડિટેંશન કેમ્પોમાં ખાવા-પીવાનું, ઉઠવા-જાગવાને લઇ ઘણા બધા પ્રતિબંધોના લીધે બહુ ખરાબ રીતે તૂટી ચૂકયા હતા. સુખવિંદર સિંહે ઘરવાળાઓને પોતાના આવવાની માહિતી આપ્યા બાદ નિર્ણય કર્યો કે ઘર રવાના થતા પહેલાં થોડાંક કલાકો દિલ્હીમાં પોતાના મિત્રો સાથે વીતાવશે. નંબર જ ઓળખ બની ગઇ હતી, ઘણા સમય બાદ કોઇએ નામથી બોલાવ્યા.

આ યાદીમાં કેટલાંક તો ક્વોલિફાઇડ એન્જિનિયર હતા પરંતુ તેમની પાસે નોકરી નહોતી. તેમણે અમેરિકા પહોંચવા માટે એજન્ટોને 25-25 લાખ રૂપિયાની મોટી રકમ ચૂકવી હતી. તેમને આશા હતી કે ત્યાં તેમને સારી નોકરી મળશે. પરંતુ તેમને નરક મળ્યું. છેલ્લાં પાંચ મહિનાથી તેઓ ડિટેંશન સેન્ટરમાં કેદ હતા. રમનદીપ સિંહ ગાડાએ રાહતનો શ્વાસ લેતા કહ્યું કે લાંબા સમય બાદ કોઇએ મને મારા નામથી બોલાવ્યો છે. ઇમિગ્રેશન કેમ્પમાં અમને અમારા નામથી નહીં પરંતુ નંબરથી બોલાવામાં આવતા હતા જે અમને આપવામાં આવ્યો હતો. ગાડા કહે છે કે ત્યાં તેમની સાથે ગુનેગાર જેવું વર્તન કરાતુ હતું. ત્યાં કેટલાંય દિવસ સુધી ભૂખ્યા રહેવું પડ્યું કારણ કે ભોજનમાં તેમને કયારેક-કયારેક બીફ જ અપાતુ હતું, પરંતુ તેઓ ધાર્મિક કારણોના લીધે ખાઇ શકતા નહોતા.

‘પરિવારવાળાઓને કયા મોઢે મળીશ…’

આટલો શરમજનક અનુભવો છતાંય તેમાંથી કેટલાંય પોતાના સપનાઓને પૂરા કરવા માટે અમેરિકા જવા માંગે છે. જસવીર સિંહ કહે છે કે મારા કઝીન એક દાયકા પહેલાં અમેરિકા ગયા હતા અને હવે શાનદાર જિંદગી જીવી રહ્યા છે. ફેસબુક પર તેની તસવીરોને જોતા મેં પણ નક્કી કર્યું કે મારે પણ અમેરિકા જવું છે. પરંતુ હવે મારામાં હિંમત નથી કે હું પરિવારવાળાનો સામનો કરું. તેમને કયા મોઢે મળીશ. મેં હજુ સુધી મારા માતા-પિતાને કહ્યું નથી કે મને ડિપોર્ટ કરી દીધો છે. મેં તેમની આખી જિંદગીની બચતને અમેરિકા જવા માટે ખર્ચ કરી દીધી.

કેટલાંય સપ્તાહ સુધી અમને જણાવ્યું નહોતું કે કેમ કસ્ટડીમાં લીધા

પંજાબના ગુરપ્રીત સિંહ મિકેનિકલ એન્જિનિયર છે અને તેમણે એક વર્ષ પહેલાં ઘર છોડ્યુ હતું. અમેરિકા જવાનું તેમનું સપનું દુ:સ્વપ્ન સાબિત થયું. તેઓ જણાવે છે કે કેટલાંય બીજા ભારતીયોની સાથે મને પણ ડિટેંશન સેન્ટરમાં રાખ્યો. શરૂઆતના થોડાંક સપ્તાહ સુધી તો અમને ત્યાં કેમ રખાયા હતા એ જ ખબર નહોતી. કેટલાંય સપ્તાહ બાદ ખબર પડી કે અમારી પાસે અમેરિકામાં પ્રવેશ કરવાના કે અહીં રોકાવા માટેના યોગ્ય દસ્તાવેજ નથી.

ડિટેંશન કેમ્પમાં કેટલાંય દિવસ સુધી ભૂખ્યા પણ રહેવું પડ્યું

બીજા એક યુવાન પરમજીત સિંહે કહ્યું કે તેમની પાસે જે કપડા હતા એ કાં ચોરી થઇ ગયા હતા અથવા તો પછી તેને જપ્ત કરી લેવાયા હતા. તેમને પહેરવા માટે ટ્રેક પેન્ટ આપ્યું. તેમના જૂતાને પણ લઇ લીધા હતા. તેઓ કહે છે કે જ્યારે તેમને ખાવા માટે બોલવતા હતા એ સમયે જો કોઇ સૂતું હોય અને તે પહોંચી ના શકે તો આખા દિવસ માટે ભોજન મળતું નહોતું. એટલું જ નહીં બીજા લોકોને પણ સખ્ત ચેતવણી આપવામાં આવતી હતી કે આવા લોકોની સાથે પોતાનું જમવાનું શેર ના કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો