યુકે ઈલેક્શનમાં ગુજરાતીઓનો દબદબો, ગુજરાતી પ્રીતિ પટેલની ધમાકેદાર જીત, કેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ પર ગુજરાતી શૈલેષ વારા પણ જીત્યા

યુકેમાં સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીએ 364 સીટો પર જીત સાથે બહુમતી મેળવી લીધી છે. જ્યારે લેબર પાર્ટીની હાર થઈ છે અને તેની ફક્ત 203 પર જીત થઈ છે. યુકેની 650 બેઠકવાળી સંસદમાંથી 549 સીટના પરિણામ જાહેર થઈ ગયા છે.

યુકેના કદાવર ગુજરાતી લીડર પ્રીતિ પટેલે ધમાકેદાર જીત મેળવી છે. પ્રીતિ પટેલને વિથામ સીટ પર 66%થી વધુ મતમળ્યા છે. વિથામ સીટ પર પ્રીતિ પટેલની આ સતત ચોથી જીત છે. તેમણે લેબર પાર્ટીના માર્ટીન એડોબોર અને લિબરલ ડેમોક્રેટ્સ સેમ નાર્થને હરાવ્યા છે. આ ઉપરાંતકેમ્બ્રિજશાયર નોર્થ વેસ્ટ સીટ પર ગુજરાતી શૈલેષ વારાનો પણ વિજય થયો હતો, તેમણે કુલ મતમાંથી62.5 ટકા મત મળ્યા હતા. યુકેની સામાન્ય ચૂંટણીમાં અલગ-અલગ પાર્ટીમાંથી કુલ 16 ગુજરાતી મૂળના ઉમેદવારો મેદાનમાં હતા.

પ્રીતિ પટેલ હાલની વડાપ્રધાન બોરિસ જોનસનની સરકારમાં ગૃહમંત્રી છે. બ્રિટનમાં આ ઉચ્ચપદ પર પહોંચનારા તેઓ પહેલાં ભારતીય છે. યુકેમાં ખૂબ જ સંઘર્ષપૂર્ણ જિંદગી વિતાવનારા પ્રીતિ પટેલની આજે બ્રિટિશ પાર્લામેન્ટમાં એક પાવરફૂલ નેતા તરીકે ગણના થાય છે. 2010થી વિથામના સાંસદ રહેલાં પટેલે વર્તમાનમાં હોમ સેક્રેટરીના હોદ્દા ઉપરાંત કેમરૂન અને થેરેસા સરકારમાં પણ મહત્ત્વના હોદ્દા સંભાળ્યાં છે.

પટેલ પરિવારને તાનાશાહ ઈદી અમીનના કારણે બધું છોડી બ્રિટન ભાગવું પડ્યું

પ્રીતિ પટેલના મૂળિયા ગુજરાત સાથે જોડાયેલાં છે. તેમનો પરિવાર આઝાદી પહેલાં ગુજરાતમાંથી આફ્રિકન દેશ યુગાન્ડા શિફ્ટ થયો હતો. ગુજરાતથી ખાલી હાથે ગયેલા પટેલ પરિવારે ખંત અને મહેનતથી ટૂંક સમયમાં ચા, કોફી, કોટન અને સોફ્ટ ડ્રિંકનો મોટો બિઝનેસ ફેલાવ્યો હતો. જોકે, પટેલ પરિવારની ખુશી લાંબો સમય ટકી નહોતી. યુગાન્ડામાં સરમુખત્યાર ઈદી અમીને 80 હજારથી વધુ એશિયન લોકોને હાંકી કાઢ્યા હતા. જેમાં મોટાભાગના ગુજરાતીઓ હતાં. પ્રીતિ પટેલના પિતા સુશીલ પટેલ અને માતા અંજના પટેલને પણ પોતાની મિલકત અને બિઝનેસ છોડી વર્ષ 1960મા યુગાન્ડા છોડીને ઈંગ્લેન્ડ શિફ્ટ થવું પડ્યું હતું.

પ્રીતિ પટેલના પિતા સવારે 4 વાગ્યે ઉઠીને ન્યૂઝપેપર વેચતાં હતા

યુગાન્ડાથી બધુ છોડીને ઈંગ્લેન્ડ આવેલો પટેલ પરિવાર હાર્ટફોર્ટશાયરમાં માઈગ્રેટ થયો હતો. પટેલ પરિવારે યુગાન્ડાની જેમ ઈંગ્લેન્ડમાં પણ મહેનત ચાલુ રાખી હતી. અહીં તેમણે ન્યૂઝ એજન્ટ તરીકે કામ કર્યું હતું. થોડો સમયમાં તેમણે એક કોર્નર શોપ ખરીદી લીધી હતી. પ્રીતિ પટેલના પિતા સવારે ચાર વાગ્યે ઉઠીને ન્યૂઝપેપર વેચવાનું કામ કરતાં હતા. તેમણે 40 વર્ષ સુધી અઠવાડિયામાં સાત દિવસ આ રીતે કામ કર્યું હતું.

બ્રિટનના હેરોમાં 1972મા પ્રીતિ પટેલનો જન્મ થયો હતો. પિતાના ન્યૂઝ એન્જટ તરીકેના વ્યવસાયના કારણે પ્રીતિ પટેલને પોતાના ભાઈઓ અને બહેનો સાથે હેરો, નોરફોલ્ડ અને હાર્ટફોર્ટશાયર સિટીમાં વારંવાર ઘર બદલવું પડતું હતું. પ્રીતિ પટેલ ભણવાની સાથે શોપમાં પણ કામ કરતાં હતા. પ્રીતિ પટેલે વેસ્ટફીલ્ડ ટેક કોલેજમાં અને કિલી યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેમણે યુનિવર્સિટી ઓફ એસેક્સમાં બ્રિટિશ ગર્વેમેન્ટ એન્ડ પોલિટિક્સમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.

પ્રીતિ પટેલે 17 વર્ષની ઉંમરમાં કન્ઝર્વેટિવ પાર્ટી જોઈન કરી

પિતા રાઇટ-વિંગના સમર્થક હોવાથી પ્રીતિનો પણ કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ઝૂકાવ વધ્યો હતો. પ્રીતિ પટેલ ટીનએજમાં બ્રિટનના તત્કાલીન પીએમ માર્ગારેટ થેચરની ખૂબ જ પ્રસંશક હતાં. પ્રીતિ પટેલે કોલેજકાળમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ચોપાનિયા વહેંચવાનું કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે 17 વર્ષની ઉંમરમાં કન્ઝર્વેટિવ પાર્ટી જોઈન કરી હતી અને તેમને કન્ઝર્વેટિવ સેન્ટ્રલ ઓફિસમાં નોકરી મળી હતી. અહીં વર્ષ 1995થી 1997 સુધી તેમણે પ્રેસનું કામ સંભાળ્યું હતું.

વર્ષ 1997માં તેમણે કન્ઝર્વેટિવ લીડર વિલિયમ હેજની પ્રેસ ઓફિસની જવાબદારી સંભાળી હતી. 28 વર્ષની ઉંમરે તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીની નોકરી છોડી પીઆર કન્સલ્ટિંગ ફર્મ વેબર સેન્ડવિચમાં જોડાયા હતા.

પહેલી ચૂંટણીમાં પરાજય, છતાં હિંમત ના હાર્યા

વર્ષ 2005મા તેમણે સૌ પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટી તરફ ચૂંટણી લડી હતી. જોકે, નોટિંગહામ નોર્થ સીટ પર સિટિંગ એમપી ગ્રેહામ એલેન સામે તેમનો પરાજય થયો હતો. પ્રીતિ પટેલે વર્ષ 2003થી 2007 સુધી બ્રિટીશ મલ્ટીનેશનલ આલ્કોહોલિક બેવરેજીસ કંપની ડીઆજીઓમાં કોર્પોરેટ રિલેશન્સની જવાબદારી સંભાળી હતી.

વર્ષ 2005ની ચૂંટણીમાં પરાજય છતાં કન્ઝર્વેટિવ પાર્ટીના તે વખતના નવા લીડર ડેવિડ કેમરૂનને પ્રીતિ પટેલમાં જુસ્સો દેખાયો હતો અને તેમણે પ્રીતિ પટેલને પ્રસ્પૅક્ટિવ પાર્લમેન્ટરી કેન્ડિડેટના લીસ્ટમાં સામેલ કર્યા હતા. વર્ષ 2010ની ચૂંટણીમાં તેઓ વિથમ (Witham) સીટ પરથી એમપી બન્યા હતા. એમપી બન્યા બાદ પ્રીતિ પટેલે પાછું વળીને જોયું નહોતું અને એક પછી એક સફળતા મેળવતા ગયા હતા.

પીએમ મોદીને સમર્થનને કારણે આલોચના થઈ હતી

પ્રીતિ પટેલને પીએમ નરેન્દ્ર મોદીના સમર્થક માનવામાં આવે છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પ્રીતિ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યાના બીબીસીએ આક્ષેપ કર્યા હતા. જેની સામે પ્રીતિ પટેલે ફરિયાદ પણ નોંધાવી હતી.

વર્ષ 2015મા પ્રીતિ પટેલને અમદાવાદમાં જ્વેલ્સ ઓફ ગુજરાત એવોર્ડથી નવાજમાં આવ્યા હતા. આ પ્રસંગે તેમણે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં કી-નોટ સ્પીચ પણ આપી હતી. તેમને આ ઉપરાંત વર્ષ 2017માં પ્રવાસી ભારતીય સન્માન તરીકે નવાજમાં આવ્યા હતા.

પહેલી વાર મંત્રી બન્યાં, વડાપ્રધાન કેમરૂન સામે વોટ લીવ કેમ્પેઈન ચલાવ્યું

બ્રિટનમાં 2015ની સામાન્ય ચૂંટણીમાં વિથમ (Witham) સીટ પરથી પ્રીતિ પટેલ ફરી એમપી તરીકે ચૂંટાયા હતા. પટેલને આ ચૂંટણી બાદ મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર એમ્પ્લોયમેન્ટમાં કેબિનેટ કક્ષાનો હવાલો સોંપાયો હતો. વર્ષ 2015-16માં બ્રિટનના તત્કાલીન વડાપ્રધાન કેમરૂને યુરોપીય યુનિયનના સભ્ય બની રહેવાની જાહેરાતનો પ્રીતિ પટેલે જોરદાર વિરોધ કર્યો હતો. તેઓ બ્રિટનના યૂરોપિયન યૂનિયનમાંથી બહાર નીકળવાના પક્ષમાં હતા. તેમણે અસરકારક રીતે વોટ લીવ કેમ્પેઈન ચલાવ્યું હતું.

ઈઝરાયેલના અધિકારીઓ સાથે સિક્રેટ મિટિંગથી રાજીનામું આપવું પડ્યું

બાદમાં થેરસા મે વડાપ્રધાન બનતાં તેમણે પ્રીતિ પટેલેને ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટમાં વિદેશ મંત્રી બનાવ્યા હતા. વર્ષ 2017મા પ્રીતિ પટેલે ઈઝરાયેલી અધિકારીઓ સાથે સિક્રેટ મિટિંગ કરી હોવાના અહેવાલો પ્રકાશિત થયા હતાં અને તેને કારણે વિવાદ થયો હતો. જેના પરિણામે પ્રીતિ પટેલને 16 મહિનામાં પોતાનો હોદ્દો છોડવાની ફરજ પડી હતી.

બ્રિટનના નવા ચૂંટાયેલા વડાપ્રધાન બોરિસ જોનસને પ્રીતિ પટેલની કામગીરી જોતા તેમને ગૃહમંત્રી બનાવ્યા હતા. થેરેસા મેને હટાવીને બોરિસ જોનસનને વડાપ્રધાન બનાવવા માટે બેર બોરિસ કેમ્પેઈન ચલાવવામાં પ્રીતિની મહત્ત્વની ભૂમિકા રહી હતી.

પતિ નાસ્ડેક સ્ટોક એક્સચેન્જમાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ, સંતાનમાં એક પુત્ર

પ્રીતિ પટેલે એલેક્સ સેવેર સાથે વર્ષ 2014મા લગ્ન કર્યા હતા. એલેક્સ નાસ્ડેક સ્ટોક એક્સચેન્જમાં માર્કેટિંગ કન્સલ્ટન્ટ તરીકે કામ કરે છે. તે કન્ઝર્વેટિવ કાઉન્સિલર તરીકે પણ સેવા આપે છે. પરિવારમાં એક પુત્ર ફેડી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો