પુલવામાનો જવાબ / ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને આતંકી કેમ્પ પર હુમલો કર્યો, એક હજાર કિલોના બોમ્બ ફેક્યા

પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વિરુદ્ધ એક મોટી કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સૂત્રોએ દાવો કર્યો છે મંગળવારે વહેલી સવારે એલઓસી પર જૈશના ઠેકાણા પર 1,000 કિલો બોમ્બ ફેંકવામાં આવ્યા છે. જોકે ભારત તરફથી હજી આ વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. માનવામાં આવે છે કે, આ હુમલાથી ઘણાં આતંકીઓના ઠેકાણા અને લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. 12 મિરાજ વિમાનથી આ હુમલો કરવામાં આવ્યો છે.

  • ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઓપરેશનમાં પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદમાં આવેલા આતંકીઓના લોન્ચ પેડ બરબાદ કરી દેવામાં આવ્યા છે. અહીં ત્રણેય જગ્યાઓ પર જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તોડી પાડવામાં આવ્યા છે. ભારતીય આર્મી અને વાયુસેના આ વિશે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરે તેવી પણ શક્યતા છે.

પુલવામા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંબંધો સતત તણાવપૂર્ણ થઇ રહ્યા છે. ભારતે આ હુમલાનો બદલો લેવા માટે પોતાના સુરક્ષાબળોને ખુલી છૂટ આપી દીધી છે. આ બધાની વચ્ચે મંગળવારના રોજ પાકિસ્તાને આરોપ મૂકયો છે કે ભારતીય વાયુસેનાએ સરહદનું ઉલ્લંઘન કર્યું અને પાકિસ્તાની સરહદમાં ઘૂસણખોરી કરી છે.

પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્પૂરે દાવો કર્યો છે કે ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે. પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે. અમે તાત્કાલીક જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.

ત્યારબાદ એક અન્ય ટ્વિટમાં ગફ્ફૂરે લખ્યું કે, ભારતીય વાયુસેનાએ મુજફ્ફરાબાદ સેક્ટરથી ઘુસવાનો પ્રયત્ન કર્યો છે, સમય રહેતા પાકિસ્તાની એરફોર્સે જવાબી કાર્યવાહી કરી છે. ત્યારબાદ તેઓ બાલકોટની તરફ પરત ફર્યા હતા. કોઇ પ્રકારની જાનહાની થયા હોવાના સમાચાર મળ્યા નથી.

આ માહોલમાં પાકિસ્તાન સતત ભારત પર યુદ્ધ ઉન્માદ ફેલવાનો આરોપ મૂકી રહ્યું છે.

ઓમર અબ્દુલાએ કહ્યું, જો આ સાચી વાત છે તો આ બહુ મોટી કાર્યવાહી ગણાશે

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલાએ ટ્વિટ કરીને કહ્યું છે કે, જો આ સાચી વાત હશે તો આ બહુ મોટી કાર્યવાહી ગણવામાં આવશે. પરંતુ આપણે આ વિશે ભારત સરકાર તરફથી કોઈ ઓફિશિયલી નિવેદન આવે તેની રાહ જોવી પડશે. હવે એ જોવાનું બાકી છે કે, પાકિસ્તાન આ કાર્યવાહીનો કેવી રીતે જવાબ આપે છે.

કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ મંગળવારે સવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, આ સ્ટ્રાઈકનો હજી સુધી કોઈ ઓફિશિયલ ખુલાસો કરવામાં તો આવ્યો નથી પરંતુ જે પ્રમાણે પાકિસ્તાન ગભરાયેલું છે તે જોઈને લાગે છે કે આ સાચી વાત છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો