રાજકોટમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: પિતાએ ‘કોરોનાની દવા છે’ કહી પોતાની સાથે પુત્ર-પુત્રીને ઝેર પીવડાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું- 1 કરોડની છેતરપિંડીનો ભોગ બનતા ભર્યું પગલું

રાજકોટના નાનામવા રોડ પરના શિવમપાર્કમાં રહેતા કર્મકાંડી આધેડે રવિવારે મધરાતે કોરોનાની દવા કહી પોતાના યુવાન પુત્ર-પુત્રીને ઝેરી દવા પીવડાવી પોતે પણ દવા પી લેતા ત્રણેયને હોસ્પિટલમાં ખસેડાયા હતા, જેમાંથી યુવાન પુત્રનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. આધેડ અને તેની પુત્રીની હાલત ગંભીર છે, કર્મકાંડી આધેડે પોતાનું મકાન રૂ.1.20 કરોડમાં વેચ્યું હતું પરંતુ વકીલ સહિત બે શખ્સે માત્ર રૂ.20 લાખ આપ્યા હતા અને ઉપર જતાં રૂ.65 લાખનો ખોટો આરોપ મૂકતા આધેડે પરિવારજનોને પતાવી દેવાનો પ્લાન કરી પગલું ભર્યું હતું.

શિવમપાર્કમાં રહેતા અને કર્મકાંડનું કામ કરતાં કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડિયા (ઉ.વ.42)એ રવિવારે રાત્રે એકાદ વાગ્યાના અરસામાં તેના પત્ની જયશ્રીબેન, પુત્ર અંકિત (ઉ.વ.21) અને પુત્રી કૃપાલી (ઉ.વ.22)ને પાણીની નાની બોટલમાં દવા ભરીને આપી હતી અને કહ્યું હતું કે, ‘આ કોરોનાની દવા છે, બધા પી જાવ’, ત્યારબાદ સૌ પ્રથમ કમલેશભાઇએ બોટલ પીધી હતી અને પછી પુત્ર-પુત્રી બોટલમાં રહેલું પ્રવાહી પી ગયા હતા, ત્રણેયને પ્રવાહી પીધા બાદ ઊલટી થવા લાગતા જયશ્રીબેનને શંકા ઉપજી હતી અને તેમણે પીવાનું ટાળ્યું હતું.

કમલેશભાઇએ કોરોનાની દવાના નામે ઝેરી દવા પોતે પીને સંતાનોને પણ પીવડાવી દેતા ત્રણેયને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ધોળા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. કમલેશભાઇ બેભાન હાલતમાં હોય તેની પૂછપરછ થઇ શકી નહોતી, પરંતુ તેમની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. દવાની ગંભીર અસર થતાં પુત્ર અંકિતનું સોમવારે સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે કમલેશભાઇ સામે પુત્રની હત્યાનો ગુનો નોંધ્યો હતો.

પોલીસ દ્વારા બનાવનું કારણ પૂછતાં આધેડનાં પત્ની અને તેના ભાઇએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે, એડવોકેટ આર.ડી.વોરાના એક સંબંધીને અમારૂ મકાન વેચ્યું હતું. જે રૂપિયા 1.20 કરોડનો સોદો થયા બાદ રૂપિયા 20 લાખ અમોને આપી દીધા હતા અને બાદમાં 1 કરોડની માંગણી કરતાં આર.ડી.વોરાએ પોલીસમાં અમારા વિરૂદ્ધ અરજી કરી હેરાનગતિ કરતા હતા. તેમાં ત્રાસથી કંટાળી આજે મધરાત્રે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાને પગલે રાજકોટ તાલુકા પોલીસ મથકનાં સ્ટાફે ત્રણેયનું નિવેદન લેવા કાર્યવાહી કરી હતી. જોકે હાલ ત્રણેય બેભાન હોય તેમના પરિવારજનોના નિવેદન લેવા કાર્યવાહી કરી અને તેની પાસેથી મળી આવેલી સુસાઇડ નોટનાં આધારે તપાસ શરૂ કરી છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર નાનામવા રોડ શાસ્ત્રીનગર અજમેરાની સામે શીવમપાર્કમાં રહેતા અને કર્મકાંડના વ્યવસાય સાથે જોડાયેલા કમલેશભાઇ રામકૃષ્ણભાઇ લાબડીયા (ઉ.વ.45) ગઇકાલે સાંજે બહારથી ઝેરી દવા ઘરે લઇ આવ્યા હતા અને રાત્રે બધાને કહ્યું કે આ કોરોનાની દવા છે આ દવા પીધા બાદ કોરોના ન થાય. જેથી તેમની પુત્રી કૃપાલી (ઉ.વ.22), પુત્ર અંકિત (ઉ.વ.21) તેમજ પત્ની જયશ્રીબેન (ઉ.વ.42)ને આપી હતી. જેથી જયશ્રીબેને પીવાની ના પાડી દીધી હતી અને કમલેશભાઇએ તેમના પુત્રો સાથે મળી આ દવા ગટગટાવી લીધી હતી અને બાદમાં તબીયત લથડતાં તુરંત જ પત્નીએ તેમના જેઠ કાનજીભાઇને ઘરે બોલાવી ત્રણેયને પ્રથમ વોકહાર્ટ અને બાદમાં સરકારી હોસ્પિટલે સારવારમાં ખસેડ્યા હતાં. અહીં સારવારમાં પુત્ર અંકિતે દમ તોડી દીધો હતો. સામુહિક આપઘાતનાં બનાવમાં PI ધોળા, પ્રવિણભાઇ અને ડી-સ્ટાફ PSI એમ.ડી.ડામોર સહિતનો સ્ટાફ સિવિલમાં દોડી ગયો હતો. સારવારમાં રહેલા ત્રણેય બેભાન હોય હોંશમાં આવ્યા બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.​​​​​​​

કમલેશભાઇએ સુસાઇડ નોટમાં શું ઉલ્લેખ કર્યો છે?

‘મારે મરવાનું કારણ આર.ડી.વોરા તથા દિલીપભાઇ કોરાટ જેણે મારૂ મકાન લીધું છે. રૂપિયા 65 લાખનો ખોટો આરોપ મુકેલ છે. મારી પાસે અત્યારે પાંચ હજાર રૂપિયા પણ નથી કાર અને મકાનનાં ચાર હપ્તા ચડી ગયા છે. 2 કરોડ 12 લાખ મારા દિનેશ તથા ભાવીન લઇને જતા રહ્યાં છે. ત્યારબાદ મારી મુંઝવણ સતત વધી ગઇ છે મને ખબર છે હું સમજી વિચારીને જ આ પગલુ ભરૂ છું. છેલ્લે લાખની જરૂર હતી તો નરેન્દ્ર પુજારાને મેં સાટાખત ભરીને 12 લાખ સાટાખતનાં ભરેલા છે. ઘણુ બધુ લખવું છે ઉતાવળમાં લખુ છું. સમય નથી મને બધા બહુ યાદ આવે છે. મરવુ સહેલું નથી પણ મજબૂરી છે. કોરોનામાં કામકાજ નથી અને સમય ખરાબ ચાલી રહ્યો છે. બધાના નામ નથી લેતો પણ બધાને જયશ્રી કૃષ્ણ.

પુત્ર-પુત્રીના લગ્ન કરવા હોય માટે મકાન વેંચ્યુ’તુ

કમલેશભાઇ કર્મકાંડનો ધંધો કરતા હોય તેમનો ધંધો લોકડાઉન બાદ બરાબર ન ચાલતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને દિકરા-દીકરીના લગ્ન કરવા હોય જેથી મકાન વેંચવા કાઢ્યુ હતું. કર્મકાંડ કરતાં કમલેશભાઇ લાબડીયા ચાર ભાઇ ચાર બહેનમાં નાના છે. આ અંગે રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે.

લખાણ લઈને છેતરપિંડી કરી હતી

સમગ્ર ઘટના અંગે કમલેશભાઇની સ્યૂસાઇડ નોટ તેમજ તેના પત્નીએ કરેલા આક્ષેપો પરથી મળેલી માહિતી મુજબ પોરબંદરના વતની કમલેશભાઇ ચાર ભાઇ અને ચાર બેહનમાં નાના હતા અને 20 વર્ષથી રાજકોટમાં રહી કર્મકાંડનું કામ કરી ગુજરાન ચલાવતા હતા. તેઓ જે મકાનમાં રહેતા હતા તે મકાન તેમણે વેચવાનું હોય તેની જાહેરાત આપતા વકીલ અને તેના સંબંધી આવ્યા હતા અને મકાનનો રૂ.1.20 કરોડમાં સોદો કર્યો હતો, જેમાંથી કમલેશભાઇને માત્ર રૂ.20 લાખ આપી લખાણ કરાવી લેવામાં આવ્યું હતું, બાકીના રૂ.1 કરોડની ઉઘરાણી કરતા મકાન ખરીદનારે વકીલને આપ્યાનું કહ્યું હતું અને જયશ્રીબેને વકીલ પાસે પૈસાની ઉઘરાણી કરતા તેમણે કમલેશભાઇને તમામ રકમ ચૂકવી દીધાનું કહી હાથ ઊંચા કરી દીધા હતા અને કમલેશભાઇ સામે રૂ.65 લાખનો આક્ષેપ કરી તેમની વિરુદ્ધ અરજી કરી હતી.

પોલીસે પિતા સામે ગુનો નોંધ્યો

છેતરપિંડીનો ભોગ બનેલા કમલેશભાઇએ પોતે ઝેરી દવા પી પત્ની, અને બંને સંતાનોને ઝેરી દવા પીવડાવી મોતને ઘાટ ઉતારવાનો પ્લાન કર્યો હતો, જેમાંથી પુત્ર-પુત્રીને પીવડાવી દઇ પોતે પણ ગટગટાવી હતી. પોલીસે અંકિતની હત્યા અંગે કમલેશભાઇ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો તેમજ છેતરપિંડી કરનાર વકીલ સહિતનાઓ સામે પણ કાર્યવાહી હાથ ધરી હતી.

પુત્રીની સગાઇ થઇ છે, યુવાન પુત્રનાં મોતની જાણ થતાં માતા ઢળી પડી

કર્મકાંડનું કામ કરતા કમલેશભાઇ છેતરપિંડીનો ભોગ બનતા તેમજ તેના પર પણ ખોટો આરોપ મુકાતા તેઓ નાસીપાસ થઇ ગયા હતા અને ખોફનાક ખેલ ખેલ્યો હતો. ઝેરી દવા પીવાથી કમલેશભાઇની તેમજ પુત્રી કૃપાલીની હાલત ગંભીર છે, કૃપાલીની સગાઇ થઇ ચૂકી છે, કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ થાળે પડે પછી તેના લગ્ન કરવાનું વિચારતા હતા. હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પુત્ર અંકિતનું મૃત્યુ થયાની જાણ થતાં જ તેની માતા જયશ્રીબેન ઢળી પડ્યા હતા અને તેમણે કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.

સ્યૂસાઇડ નોટમાં એડવોકેટ સહિત પાંચના નામનો ઉલ્લેખ, પોલીસે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી

શિવમપાર્કના કર્મકાંડી કમલેશભાઇ લાબડિયા અને તેના બંને સંતાનોને ઝેરી દવા પીધેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયાની ઘટનાની જાણ થતાં જ તાલુકા પીઆઇ ધોળા સહિતની ટીમ હોસ્પિટલે દોડી ગઇ હતી. પીઆઇ ધોળાએ જણાવ્યું હતું કે, કમલેશભાઇએ પોતે ઝેરી દવા પીધી હતી અને તેના બે સંતાનો અંકિત અને કૃપાલીને ઝેરી દવા પીવડાવી હતી, કમલેશભાઇની પાસેથી સ્યૂસાઇડ નોટ મળી છે, સ્યૂસાઇડ નોટમાં આર.ડી.વોરા, દિલીપ કોરાટે ખોટા આરોપ મૂક્યાનો આક્ષેપ છે, હિતેષ તથા ભાવિન રૂ.12 લાખ લઇ ગયા તેવો આરોપ મૂક્યો છે તેમજ નરેન્દ્ર પૂજારાને સાટાખત કરી આપ્યાનો ઉલ્લેખ છે. સમગ્ર ઘટનામાં કોની શું ભૂમિકા છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, હાલમાં કમલેશભાઇ ગંભીર હોય તેમનું નિવેદન નોંધી શકાય તેમ નથી, કમલેશભાઇ ભાનમાં આવ્યે તેમની ફરિયાદ લેવાશે અથવા જરૂર પડ્યે પરિવારના કોઇ સભ્યની ફરિયાદ પરથી કાર્યવાહી થશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો