રાજકોટમાં મોટાભાઈએ નાનાભાઈને કિડની ડોનેટ કરી આપ્યું જીવનદાન, અમદાવાદમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ થયું
21મી સદીમાં પણ રામ લક્ષ્મણની જોડી જીવંત હોવાનો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે. રાજકોટ શહેરના મવડી પ્લોટ વિસ્તારમાં આવેલ સંસ્કાર સીટી હાઇટ્સમાં રહેતા હરિભાઇ સુરાણીએ પોતાના નાનાભાઇ હરસુખભાઇ સુરાણીને પોતાની કિડની ડોનેટ કરી છે. અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી જે બાદ આજે હાલ બન્ને ભાઈઓની તબિયત બિલકુલ સ્વસ્થ છે.
હરિભાઇ સુરાણીના પરિવારમાં કુલ પાંચ ભાઈઓ છે. પાંચ ભાઇઓમાં સૌથી મોટા હરિભાઇએ પોતાનાથી ત્રીજા નંબરના ભાઇને કિડની ડોનેટ કરી સમાજમાં બે ભાઇ પ્રત્યેનો પ્રેમ આજે પણ અમર હોય છે તેનો દાખલો બેસાડ્યો છે. હાલના વર્તમાન સમયમાં સમાજની અંદર બે સગા ભાઇઓ વચ્ચે મિલ્કત માટે ઝઘડા ના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. મોટા ભાઇએ નાના ભાઇને કિડની ડોનેટ કરી જીવનદાન આપ્યું છે.
અમદાવાદ ખાતે સફળતા પૂર્વક ઓપરેશન કરવામાં આવ્યા બાદ દર્દી હરસુખભાઇના પુત્ર ડૉ. દર્શન સુરાણીએ જણાવ્યું હતું કે, તેમના પિતા રાજકોટમાં એક ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરે છે, પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેમને ફ્રેક્ચર થયા બાદ શરીરમાં કિડનીની પણ તકલીફ સામે આવી હતી. છેલ્લા એક વર્ષથી તેમની કિડનીમાં ડાયાલીસીસની પ્રક્રિયા શરૂ હતી અને બન્ને કિડનીમાં આ અસર જોવા મળી હતી. આ દુઃખ હરસુખભાઇના મોટાભાઈ હરિભાઈથી ન જોવાયું અને તેમને પોતાના નાના ભાઈને કિડની ડોનેટ કરવાનો નિર્ણય કર્યો હતો. ગઇકાલે મંગળવારને 23 માર્ચના રોજ અમદાવાદ ખાતે સફળતા પૂર્વક આ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
હરિભાઇ અને હરસુખભાઇ વચ્ચે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયા બાદ હાલ બન્નેની તબિયત સ્વસ્થ છે. કિડની ડોનર હરિભાઈને સામાન્ય વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જ્યારે હરસુખભાઈને હજુ 10 દિવસ માટે આઈસોલેશનમાં રાખવામાં આવશે. તબીબો અને પરિવારજનોના જણાવ્યા મુજબ બન્ને ભાઈઓ સંપૂર્ણ સ્વસ્થ છે. ઉલ્લેખનિય છે કે મોટા ભાઇએ નાના ભાઇને કિડની આપી નવું જીવન આપ્યું છે ત્યારે આ કળયુગના સમયમાં પણ રામ લક્ષ્મણ જેવા ભાઇઓની જોડી છે તે સાબિત થયું છે અને સમાજમાં એક આગવું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

