વેપારીઓની દિવાળી સુધરી, ઓનલાઇન માર્કેટમાં ચાઇનીઝ નહીં પણ દેશી દિવડાની માંગ વધી

દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વર્ષે માટીના કોડિયાની માંગમાં નોંધનીય વધારો થયો છે. અગાઉ સિઝન દરમિયાન આ ઉદ્યોગ ઠંડો રહેતો હતો પણ આ વર્ષે આ ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં લોકજાગૃતિના અનેક મેસેજ અને વીડિયો વાઇરલ થયા તેની અસર માર્કેટમાં જોવા મળી રહી છે.

આ વર્ષે 1000 કોડિયાના 600 રૂપિયા મળે છે: બાબુભાઈ

નડિયાદ નજીક ડાકોર રોડ ઉપર છેલ્લા અનેક વર્ષોથી માટીની વસ્તુઓ બનાવતા બાબુભાઇ પ્રજાપતિ સાથે દિવાળીના તેમના વેપારને લઇને વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ગતવર્ષની સરખામણીએ આ વર્ષે માંગમાં વધારો થયો છે. સિઝન દરમિયાન અમે 25 હજારથી વધુ કોડિયાનું વેચાણ કરીએ છીએ. મારા પિતા અને દાદા વખતથી અમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છીએ અને અમારી આવનારી પેઢી પણ આજ વ્યવસાય સાથે સંકળાયેલી છે. આ વર્ષે 1000 કોડિયાના 550 થી 600 રૂ. મળે છે. ખાસ કરીને વેપારીઓ જ અમારી પાસેથી જથ્થાબંધ કોડિયાની ખરીદી કરે છે.

લોકો કોડિયાની ખરીદી તરફ આકર્ષાયા

દિવાળીના તહેવારમાં રોશની માટે હવે બજારમાં અનેક ઓપ્શન જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ચાઇનીઝ આઇટમો હાલમાં બજારમાં વધુ જોવા મળે છે અને તેમાં વિવિધ વેરાયટી મળતી હોવાથી તેની માંગ પણ જોવા મળે છે. જેને કારણે પરંપરાગત કોડિયા પોતાની ઓળખ ગુમાવી રહ્યા છે. જોકે ચાલુ વર્ષે સોશિયલ મીડિયા ઉપર માટીના કોડિયા ખરીદવાના આગ્રહ સાથેની અનેક પોસ્ટ અને વીડિયો વાઇરલ થયા છે, જેને કારણે લોકો પણ તેની ખરીદી તરફ આકર્ષાયા છે.

(અહેવાલ અને વીડિયો – ધૃતિ મિસ્ત્રી, નડિયાદ)

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો