‘રોજના 200 રૂપિયા કમાઉં છું, એમાં બાળકોને ફોન અપાવીશ તો ખવડાવીશ શું?’ મોટા શહેરોથી લઈને નાનાં ગામડાઓ સુધી ઓનલાઈન અભ્યાસને લઈને આ જ સ્થિતિ છે

‘હું રોજના 200 રૂપિયા કમાઉં છું અને એમાં પણ કામ ક્યારેક મળે છે તો ક્યારેક મળતું પણ નથી. અત્યારે સોયાબીનનું કામ ચાલે છે, તેથી રોજ મળી રહ્યું છે. મહિનાના પાંચ-છ હજાર રૂપિયા માંડ માંડ કમાઈ શકું છું. હવે તેમાં પરિવારનું પેટ ભરું કે બાળકોને સ્માર્ટફોન લઈ આપું.’ આ વ્યથા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ચંદોદિયા ગામમાં રહેતા સોહન મુનિયાની છે. અમે તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. સવારે 9 વાગ્યે રોજગારી કમાવા તેઓ નીકળી પડે છે. સાંજે 7 વાગ્યે ઘરે પરત આવે છે. તેમને પૂછ્યું કે તમારા ઘરમાં સ્માર્ટફોન નથી તો બાળકો અભ્યાસ કેવી રીતે કરી રહ્યાં છે? જવાબમાં તેમણે કહ્યું, પુસ્તકો છે, એનાથી તેઓ પોતાની જાતે જ અભ્યાસ કરતા રહે છે. ક્યારેક ક્યારેક ગામમાં સાહેબો આવે છે, તેઓ બાળકોને એકઠા કરીને ભણાવતા હોય છે. હવે સ્માર્ટફોન તો ગામમાં બે-ચાર બાળકો પાસે જ છે, આથી ઓનલાઈન તો કોઈ ભણતું નથી.

આ તો માત્ર એક ઉદાહરણ છે. લોકડાઉન પછી ઓનલાઈન અભ્યાસ કરાવાય છે, પણ ગરીબોનાં બાળકોને એ પણ નસીબમાં નથી. આવી સ્થિતિ માત્ર ગામમાં જ નથી, પણ મુંબઈ જેવા શહેરમાં પણ છે. રેન્સી લિયોન ધોરણ-7ની વિદ્યાર્થિની છે અને ધારાવીમાં રહે છે. ઉલ્લેખનીય છે કે ધારાવી એશિયાની સૌથી વિશાળ ઝૂંપડપટ્ટી ગણાય છે. રેન્સીને એક ટ્રસ્ટ દ્વારા વડાલાની ઓક્સિલિયમ કોન્વેન્ટ સ્કૂલમાં પ્રવેશ મળ્યો હતો પણ જ્યારથી ઓનલાઈન અભ્યાસ શરૂ થયો છે ત્યારથી તેને અભ્યાસમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે તેની પાસે સ્માર્ટફોન જ નથી. રેન્સી તેની માતા મહિમા સાથે રહે છે. લોકડાઉન અગાઉ સુધી મહિમા સાફસફાઈનાં કામ માટે જતી હતી. એનાથી થતી કમાણીથી તે ભાડું ભરતી હતી અને પોતાની પુત્રીને ઉછેરી રહી હતી, પણ લોકડાઉન પછી તેનું કામ બંધ થયું અને કમાણી આવતી બંધ થઈ. મહિમા અત્યારે ઘરનું ભાડું પણ ભરી શકતી નથી. તેણે કહ્યું, લોકો જે રાશન વેચે છે તેનાથી મહિના સુધી ખાવાનો બંદોબસ્ત થાય છે, એવામાં દીકરીને સ્માર્ટફોન કેવી રીતે અપાવું? એવામાં રેન્સી અભ્યાસ કેવી રીતે કરી રહી છે એવું પૂછતાં રેન્સીએ કહ્યું કે તે પોતાની એક ફ્રેન્ડના ઘરે જઈને ભણે છે. તેની પાસે સ્માર્ટફોન છે. વ્હોટ્સ એપ ગ્રુપમાં જે કન્ટેન્ટ આવે છે એ નોટ કરી લે છે. સવારે 7.30 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી મિત્રના ઘરે જ રહે છે. રેન્સી અને અનિલની જેમ જ બીજલપુરની શર્મીલી પણ સ્માર્ટફોન ન હોવાથી અભ્યાસ કરી શકતી નથી. શર્મીલીના પિતા ભંવરસિંહ કહે છે, અમારા ગામમાં જે શાળા છે ત્યાંથી શિક્ષકો આવતા રહે છે અને તેઓ બાળકોને એકબીજાથી દૂર બેસાડીને ભણાવે છે. ગામમાં ખૂબ ઓછાં બાળકો પાસે જ સ્માર્ટફોન છે તેથી ઓનલાઈન અભ્યાસ તો માંડ થોડા જ બાળકો કરી શકે છે.

ધારના સહાયક પરિયોજના સમન્વયક કમલસિંહ ઠાકુરે કહ્યું હતું કે ભોપાલથી રોજ ઓનલાઈન અભ્યાસ સામગ્રી વ્હોટ્સ એપ ગ્રુપમાં આવે છે. તેને શિક્ષકો બાળકો સુધી પહોંચાડે છે, પરંતુ હકીકત એ છે કે ગામમાં મોટા ભાગનાં બાળકો પાસે સ્માર્ટફોન જ નથી, એવામાં તેઓ તેનો ફાયદો ઉઠાવી શકતા નથી. જોકે અમારો સ્ટાફ એક-એક, બબ્બે દિવસ ગામમાં જઈને બાળકોને અભ્યાસ કરવામાં મદદ કરે છે. કોઈવાર કોઈ બાળક પાસે ફોન હોય છે તો તેને કહે છે કે ગ્રુપમાં ચાર-પાંચ બાળકો એકસાથે ભણી લો, જેથી બધાને અભ્યાસ સામગ્રી મળી રહે.

ખુદ એનસીઆઈઆરટીનો સર્વે પણ કહે છે કે બાળકો પાસે સ્માર્ટફોન નથી. સર્વે અનુસાર, લગભગ 27 ટકા બાળકો એવાં છે કે જેમની પાસે સ્માર્ટફોન કે લેપટોપ નથી. જ્યારે 28 ટકા બાળકો અને વાલીઓએ વીજળીને ઓનલાઈન અભ્યાસમાં સૌથી મોટો અવરોધ ગણાવી હતી. આ સર્વેમાં 34000 લોકો સામેલ હતા, જેમાં વાલીઓ, શિક્ષકો અને પ્રિન્સિપાલનાં મંતવ્યો પણ લેવામાં આવ્યાં હતાં. જ્યારે બાળ અધિકારો માટે કામ કરનારી એનજીઓ સ્માઈલ ફાઉન્ડેશને 42831 વિદ્યાર્થી વચ્ચે સર્વે કરાવ્યો હતો, જેમાં જાણવા મળ્યું કે 56 ટકા બાળકો પાસે ભણવા માટે સ્માર્ટફોન નથી. અધિકૃત આંકડાઓ અનુસાર, દેશમાં 35 કરોડથી વધુ વિદ્યાર્થીઓ છે પણ તેમાંથી કેટલા પાસે ડિજિટલ ડિવાઈસ અને ઈન્ટરનેટની સુવિધા છે એની કોઈ માહિતી નથી. આ સર્વે 23 રાજ્યોમાંથી 16થી 18 એપ્રિલ દરમિયાન કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ પ્રમાણે, દિલ્હીમાં જ લગભગ 16 લાખ વિદ્યાર્થી એવા છે, જેની પાસે અભ્યાસ માટે સ્માર્ટફોન કે ઈન્ટરનેટની સુવિધા જ નથી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો