ગુજરાતમાં ‘તાઉ-તે’નું તોફાન, દીવથી પ્રવેશી વાવાઝોડું ભાવનગર પહોંચ્યું; વેરાવળ-સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ

તાઉ-તે વાવાઝોડું દીવના વણાંકબારાએ ટકરાયું છે અને ઉના તરફથી ભાવનગર જિલ્લામાં પહોંચ્યું છે. હાલ ભાવનગર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે. સમગ્ર શહેરી વિસ્તાર સહિત પંથકમાં લાઇટો ગુલ થઈ છે. તો બીજી તરફ રાજકોટના આટકોટ, જસદણ સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને સમગ્ર પંથકમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.

હાલ, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડાની આંખ (કેન્દ્ર) સંપૂર્ણપણે જમીન પર આવી જવાથી અને હવે સાયકલોનનો પાછળનો ભાગ પણ જમીન પર આવી જવાથી હવે ‘અતિ તીવ્ર’ માંથી ‘તીવ્ર’ કેટેગરીમાં સાયકલોનને રાખી દેવામાં આવ્યું છે, એટલે હવે થોડા અંશે નબળુ પડતું જશે તેવા અહેવાલ મળી રહ્યા છે. સવાર સુધીમાં હજુ થોડી વધુ તીવ્રતા ઓછી થશે.

ભાવનગર જિલ્લામાં હાલ પવનની ગતિ વધતી જાય છે. પાલિતાણામાં ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપ, મહુવામાં ૧૫૦ કિમી પ્રતિ કલાક તો અલંગના ૧૨૫ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય રહ્યો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમા ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીર ગઢડામાં વૃક્ષો, વિજપોલ અને સોલાર પેનલ ધરાશાયી થયાના અહેવાલ છે. મોબાઈલ ટાવર ધરાશાયી થવાના કારણે જાફરાબાદના અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે.

દીવમાં અંધારપટ, સિટીમાં દરિયાનું પાણી ઘૂસી ગયું

અંતે દીવ અને ઉનાના રસ્તે તાઉતે વાવાઝોડાએ ગુજરાતમાં પ્રવેશ કરી દીધો છે. ઊના અને દીવમાં 130 કિમીની ઝડપે પવન ફુંકાયો છે. ઊના, દીવમાં 300 થી વધુ વક્ષો પડી ગયા છે. અનેક જગ્યાએ વીજપોલ ધરાશાયી થઇ ગયા છે,જેથી અંધારપટ છવાયો હતો. સાંજે 5 વાગ્યાની આસપાસ ઊનામાં 50 કિમીની ઝડપ હતી, જે રાત્રીનાં 9 વાગ્યા સુધીમાં 133 કિમીની થઇ ગઇ હતી. ઉનામાં મોબાઇલ ટાવર તૂટી પડ્યો હતો. દીવમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા.

ગુજરાતના અમરેલી, વેરાવળ, જૂનાગઢ, ભાવનગરમાં 3 કલાકમાં વાવાઝોડાની વધુ અસર જોવા મળી હતી. અમરેલી અને ઉનામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ભારે પવનના કારણે 200થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ જતા તંત્ર કામે લાગ્યું છે. જ્યારે ભારે પવન સાથે વરસાદના કારણે લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોફાની પવન ફૂંકાય રહ્યો છે. 130થી વધુની સ્પીડે પવન ફૂંકાઇ રહ્યો છે. ઉના, દિવ, વણાંકબારા, દેલવાડા સહિતના આસપાસના વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં વાવાઝોડાની અસર થઇ છે. અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સાચો ચિતાર સવારે ખબર પડે.

રાજ્યમાં રાહત-બચાવ માટે 44 NDRFની ટીમો તૈનાત

રાજ્યમાં ‘‘તાઉ’તે’’ વાવાઝોડા સંદર્ભે રાહત અને બચાવ કામગીરી માટે સંભવિત અસરગ્રસ્ત 20 જિલ્લાઓમાં NDRFની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલી માહિતી અનુસાર રાજ્યના જે 20 જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરાઇ છે. જેમાં વલસાડ જિલ્લામાં બે, નવસારીમાં એક, સુરતમાં બે, ભરૂચમાં બે, આણંદમાં બે, ખેડામાં એક, અમદાવાદમાં બે, બોટાદમાં એક, ભાવનગરમાં ચાર, અમરેલીમાં ચાર, ગીર સોમનાથમાં ચાર, જૂનાગઢમાં ત્રણ, પોરબંદરમાં ત્રણ, દ્વારકામાં બે, જામનગરમાં બે, રાજકોટમાં બે, મોરબીમાં બે, સુરેન્દ્રનગરમાં બે, કચ્છમાં એક, ગાંધીનગરમાં એક ટીમ મળી કુલ 44 ટીમો તૈનાત કરાઇ છે.

ઊનાઃ ભારે વાવાઝોડાના કારણે મોબાઇલ ટાવરના 3 ટુકડા થઈ ગયા

ઉનામાં વાવાઝોડાએ સૌથી વધુ નુકસાન કર્યું હતું. પવનોની ઝડપ એટલી બધી વધારે હતી કે મકાનોના છાપરાં ઊડ્યાં હતાં. ભારે પવનને કારણે ઉનાનાે મોબાઇલ ટાવર પહેલા ઝૂકી ગયો હતો અને પછી ધરાશાઈ થઈ ગયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો