રાજકોટમાં ઓક્સિજનની અછતને કારણે 4 વર્ષનો પુત્ર મા વગરનો થઈ ગયો, રાત્રે બાટલો ભરાવા મૂક્યો, સવારે ફોન આવ્યો લઈ જાઓ, પરંતુ રાત્રે જ પત્નીનું મોત

રાજકોટ શહેરમાં સતત વધતા કોરોના સંક્રમણને લઈ હોમ આઇસોલેશનમાં રહેતા લોકો ઓક્સિજનની ભારે અછત ભોગવી રહ્યા છે. ત્યારે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં સમયસર ઓક્સિજન નહીં મળવાને કારણે અનેક દર્દીઓના જીવ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાના પતિએ ઓક્સિજનનો બાટલો ભરવા આપ્યો હતો, પરંતુ આ બાટલો ભરાઈને આવે એ પહેલાં રાત્રે મહિલાનું મોત નીપજ્યું હતું અને 4 વર્ષના માસૂમે માતાની મમતાને ગુમાવી હતી. એટલું જ નહીં, ત્યાર બાદ સવારે આ બાટલો ભરાઈ ગયો હોવાથી લઈ જવા માટે કોલ પણ આવ્યો હતો.

ઓક્સિજનનો બાટલો ભરાવવા ઠેકઠેકાણે દોડધામ કરી

આ અંગે મૃતક 30 વર્ષીય મહિલા સોનલબેનના પતિ રાજેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે થોડા દિવસ પૂર્વે મારી પત્નીની તબિયત લથડી હતી. અમે કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવ્યો હતો, પરંતુ એ નેગેટિવ આવ્યો હોવા છતાં બે દિવસથી ઓકિસજન લેવલ ઘટી ગયું હતું અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય, જેમ તેમ કરી ઓકિસજનના એક બાટલાની વ્યવસ્થા કરી હતી. બે દિવસ પહેલાં બાટલામાં ઓકિસજન ખતમ થતાં જ તેને ભરાવવા માટે ઠેકઠેકાણે દોડધામ શરૂ કરી હતી.

ઓક્સિજનની અછતથી 4 વર્ષના પુત્ર મા વગરનો થયો

દરમિયાન શાપર-વેરાવળ ખાતે લાંબું વેઇટિંગ હોઈ અમારો ખાલી બાટલો લઇ લેવાયો હતો અને ગેસ ભરાય જશે ત્યારે ફોન કરીશું એમ કહેવાયું હતું, જેને પગલે અમે બાટલો મૂકીને પરત ઘરે આવી ગયા હતાં. જોકે ગત રાત સુધી કોઈ ફોન આવ્યો નહોતો. અંતે, રાતે અગિયારેક વાગ્યે મારાં પત્ની બેભાન થઇ ગયાં હતાં અને અમે હોસ્પિટલે લઇ જતાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતાં. બીજી તરફ આજે સવારે નવ વાગ્યે ફોન આવ્યો હતો કે તમારા બાટલામાં ઓકિસજન ભરાય ગયો છે એ લઈ જાઓ! આમ, ઓકિસજનની વ્યવસ્થા ન થવાને કારણે પોતાનો 4 વર્ષનો દીકરો મા વગરનો થઇ ગયો હોવાનું પણ તેમણે કહ્યું હતું.

ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાંથી બે બાટલા રેઢા મળ્યા.

છેલ્લા લાંબા સમયથી કોવિડને લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલની સ્થિતિ ઘણી વિકરાળ બની છે, એક તરફ બેડ લોકોને મળતાં નથી, તો બીજી તરફ ઓક્સિજનની પણ તકલીફ લોકોને સતત સતાવી રહી છે, ઘણા લોકો ઓક્સિજનના બાટલાનો સંગ્રહ પણ કરી રહ્યા છે, જેને પરિણામે જરૂરિયાતમંદ લોકોને જે મળવું જોઈએ એ મળી શકતું નથી. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ એક એવી જ ઘટના બની જેમાં ચૌધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં ગત સોમવાર મધરાતથી મંગળવાર બપોર સુધી એક જ જગ્યા પર બે ઓક્સિજનના બાટલા પડ્યા રહ્યા હતા.

આ પ્રકારની ઘટના ઘણા પ્રશ્નો ઊભા કરે છે

સારવાર કરાવવા ઊભા રહેલા લોકો અને 108 એમ્બ્યુલન્સના લોકોને પણ આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે આ બે બાટલા મધરાતથી જ પડેલા છે, ત્યારે એ કોના છે, એની દરકાર કોઈએ લીધી નહોતી. એક તરફ લોકોને ઓક્સિજન મેળવવા માટે ફાંફાં પડી રહ્યાં છે, ત્યારે આ પ્રકારની ઘટના ઘણા પ્રશ્નો ઊભા કરે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો