હોમગાર્ડ જવાન પાસે દંડ લેવા કે વાહન ચેકીંગની કોઈ સત્તા જ નથી, ફક્ત જવાબદાર પોલીસને મદદ જ કરી શકે છે, જાણો નિયમ

અમદાવાદ શહેરમાં પોલીસકર્મીઓ તોડબાજી કરતાં હોવાના કિસ્સા સામે આવતા હોય છે જેના કારણે પોલીસ વિભાગ બદનામ થયો જ છે પરંતુ હવે હોમગાર્ડ વિભાગ પણ બદનામી તરફ જઈ રહ્યો છે. ગુજરાત હોમગાર્ડના જવાનો લોકોને ખોટી ધમકીઓ આપી અને પૈસાનો તોડ કરતા હોવાના કિસ્સા સામે આવે છે ત્યારે જાણો કે ખાખી વરદી પહેરેલા હોમગાર્ડ જવાનો પાસે કઈ કઈ સત્તાઓ છે અને તેઓનુ ખરેખર કામ શું હોય છે.

પોલીસ કહે ત્યારે જ હોમગાર્ડ વાહનની ચેકિંગ કરી શકે

અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ અશોક પટેલે જણાવ્યું હતું કે હોમગાર્ડ જવાનોએ પોલીસ સાથે રહી અને કામગીરી કરવાની હોય છે. પોલીસ દ્વારા જે રીતે કામ સોંપવામાં આવે તે પોઈન્ટ પર ફરજ બજાવવાની હોય છે. તેઓની પાસે દંડ લેવાની કે વાહન ચેકિંગની સત્તા નથી પરંતુ જો પોલીસ સાથે હોય અને તેઓ વાહનને ચેક કરતા હોય ત્યારે કરી શકે છે. કોઈ વ્યક્તિ કે ગાડી શંકાસ્પદ લાગે તો તેણે પોલીસકર્મી અથવા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી શકે છે. હોમગાર્ડ પાસે કોઈ પણ કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી નથી. દિવસે હોય કે રાતે જે પોઇન્ટ પર ફરજ આપવામાં આવે છે ત્યાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ કે વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવાની હોય છે.

અમદાવાદમાં ખાસ કરીને રાતે આવા તોડબાજીના કિસ્સા સામે આવતાં હોય છે. જો કે હોમગાર્ડ જવાનો નાના નાના તોડબાજી કરતા હોય છે અને પોઈન્ટ પર હાજર પોલીસનો પણ તેમાં ભાગ રાખતાં હોય છે. પોલીસ અને હોમગાર્ડ બંને તોડબાજીની ભાગ બટાઈ કરી લે છે.

NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને દારૂની બોટલ પડાવી લીધી હતી
તાજેતરમાં જ ઇસનપુર વિસ્તારમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ યુવક પાસેથી રૂ. 9000 પડાવ્યાની ઘટના તાજી છે ત્યાં અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે પાસે ભરબપોરે બે હોમગાર્ડના જવાનોએ NRI પાસેથી રૂ.18 હજારની રોકડ અને વિદેશી દારૂની બે બોટલ પડાવી લીધી હતી. સનગલાસ અને ઈયરપોડ પણ લઈ લીધા હતા. ઊંઝાના NRIએ રૂબરૂ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળી રજૂઆત કરી હતી. ઝોન 5 ડીસીપીને અરજી આપ્યા બાદ 1 મહિનાની તપાસના અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં બંને હોમગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

6 ડિસેમ્બર 1947માં મુંબઈમાં સૌથી પહેલા હોમગાર્ડની સ્થાપના થઈ
ગુજરાત પોલીસમાં મહેકમ અત્યારે ઓછું છે અને પોલીસની મદદ માટે 6 ડિસેમ્બર 1947ના રોજ મુંબઈમાં ગૃહ રક્ષક દળ (હોમગાર્ડ)ની સ્થાપના કરવામાં આવી હતી.ગુજરાતમાં રાજ્યના સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે. સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં પોલીસને મદદરૂપ થાય તેમ જ કુદરતી અને માનવસર્જિત આપત્તિમાં લોકોને વ્યવસ્થિત રીતે સહાયભૂત થાય તે માટે હોમગાર્ડઝની સ્થાપના કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો