હિંમતનગરમાં વણઝારાવાસમાં પથ્થરમારો થતાં 8 હિન્દુ પરિવારોની હિજરત, ગૃહમંત્રીએ માત્ર અધિકારીઓ સાથે બેઠક યોજી સંતોષ માન્યો

હિંમતનગરમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી અશાંતિની આગમાં સોમવારે રાત્રે વધુ બે વિસ્તારો લપેટાયા હતા, ત્યારે પોલીસ, RAF અને SRPના જવાનોએ તરત જ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવીને કોમ્બીંગ શરૂ કરી દીધું હતું.

બીજી તરફ શહેરના વણઝારા વાસમાં થયેલો પથ્થરમારો અને પેટ્રોલ બોમ્બથી હુમલો કર્યાની વાતો વહેતી થયા બાદ એક તબક્કે હાથમતી નદીના બંને કિનારે લગભગ 500થી વધુના બે ટોળા સામસામે ઉશ્કેરણીજનક ઉચ્ચારણો કરતાં મામલો તંગ બની ગયો હતો. આટલું જ નહી પણ અશાંતિની આગમાં લપેટાયેલા વણઝારા વાસમાં રહેતા અંદાજે 8 પરિવારો સમજાવટ કર્યા પહેલા ભયની લાગણી અનુભવીને હિજરત કરવાની નોબત પર આવી ગયા હતા. તો બીજી તરફ હસનનગરમાં પણ મોડી રાત્રે થયેલા છમકલા બાદ આખુ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું અને તોફાનીઓને વિખેરવા પોલીસે 10 થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા. જેને લીધે મંગળવારે હિંમતનગરની સ્થિતિ અજંપાભરી તથા રાખ નીચેના અંગારાની જેમ ધખધખી રહી છે.

ગત રવિવારે રામનવમી નિમિત્તે શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ બે જૂથો વચ્ચે જોરદાર પથ્થરમારો અને આગચંપીના બનાવો બની જતાં સમગ્ર રાજ્યમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. આ દરમિયાન રાજ્યના ગૃહ વિભાગે સોમવારે હિંમતનગરમાં મોકલેલા વધારાના પોલીસ ફોર્સ બાદ ટૂકડીઓએ આવીને ફૂટ પેટ્રોલિંગ કર્યુ હતું. જેને લીધે દિવસ દરમિયાન શાંતિ રહી હતી, પરંતુ રાત્રે 10 વાગ્યાના સુમારે કેટલાક તોફાની તત્વોએ વણઝારા વાસમાં એકાએક પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને હસનનગર તથા અન્ય વિસ્તારમાંથી એક પેટ્રોલ બોમ્બ ફેંકાતા અનેક લોકો ભયથી થરથર ધ્રુજી ગયા હતા.

સદ્દનસીબે તરત જ આ બંને વિસ્તારોમાં પોલીસની કુમુક આવી પહોંચ્યા બાદ એકાદ કલાક પછી પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો હોવાનો એક અધિકારીએ દાવો કર્યો છે. જો કે અફવાને પાંખો હોય છે તેમ વણઝારાવાસ અને હસનનગરમાં બનેલી ઘટના વાયુવેગે ઠેરઠેર પહોંચી ગયા બાદ સોમવારે રાત્રે સંવેદનશીલ વિસ્તારોની બાજુમાં રહેતા લોકોએ આખી રાત જાગરણ કર્યુ હતું.

જો કે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા ગોઠવાયેલા સઘન બંદોબસ્તના કારણે સાંજે 4 વાગ્યા સુધી કોઈ છમકલુ થયું ન હતું અને શહેરના બજારો પણ ધમધમતા થઈ ગયા હતા. આમ છતાં લોકોમાં છૂપો ડર હતો. જેથી બજારમાં આવેલા લોકો કામ આટોપીને તરત જ ઘરભણી જતા રહ્યા હતા.

પરિસ્થિતિનો તાગ મેળવવા ગૃહ રાજ્યમંત્રીના હિંમતનગરમાં ધામા
અશાંતિની આગમાં લપેટાયેલા હિંમતનગરની પરિસ્થિતિ નિહાળવા માટે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી ઉચ્ચ પોલીસ અધિકારીઓના કાફલા સાથે મંગળવારે બપોરે બે વાગે હિંમતનગર હેડ ક્વાટર્સમાં આવી પહોંચ્યા હતા. જયાં રેન્જ આઈજી અભય ચુડાસમા, જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા સાથે એકાદ કલાક વિચાર-વિમર્શ કર્યા બાદ કલેક્ટર તથા ઉચ્ચ અિધકારીઓ સાથે બેઠક કરી વિગતવાર ચિતાર મેળવ્યો હતો.

જો કે તેઓ પોતાના કાફલા સાથે નવા સરકીટ હાઉસ જઈને બે કલાકના રોકાણ દરમિયાન ગૃહમંત્રીએ ફક્ત અધિકારીઓ સાથે બેઠક યોજીને સંતોષ માન્યો હતો. પરંતુ તેમણે હિંમતનગરના કોઈપણ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી ન હતી.

મોડી રાત્રે પોલીસે તોફાનીઓને પકડવા ત્રીજુ નેત્ર ખોલ્યું
વણઝારાવાસ અને હસનનગરમાં થયેલા કાંકરીચાળા બાદ તોફાનીઓની શાન ઠેકાણે લાવવા માટે સ્થાનિક પોલીસની મદદથી RAF તથા SRPના જવાનોએ બંને વિસ્તારોમાં કોમ્બીંગ કરીને કેટલાક તોફાની તત્વોને સબક શીખવાડવા માટે ત્રીજુ નેત્ર ખોલીને તરત જ મારનો સ્વાદ ચખાડયો હતો.

અમારે ભયના ઓથાર નીચે રહેવું નથી: પીડિતો
વણઝારા વાસમાં લગભગ 70 વર્ષથી રહેતા વણઝારા પરિવારો પર એક જુથે કરેલા પથ્થરમારા બાદ મંગળવારે સવારે એક તબક્કે 50થી વધુ પરિવારો પોતાનો માલસામાન લઈને હિજરત કરવા નીકળી પડયા હતા. જો કે પોલીસે તેમને સમજાવીને સતત બંદોબસ્ત આપવાની તથા અન્ય જવાબદારીઓ સ્વીકારવાની ખાતરી આપ્યા બાદ પરિવારોએ હિજરત કરવાનું મોકૂફ રાખ્યું હતું. આમ છતાં સાતેક પરિવારો તે પહેલા હિજરત કરી ગયાનું આધારભૂત સુત્રોમાંથી જણાવાયું છે.

તોફાનો સંદર્ભે વધુ 10ની અટકાયત કરાઈ
વણઝારાવાસ અને હસનનગરમાં થયેલા તોફાનો બાદ પોલીસે 10થી વધુ તોફાનીઓની અટકાયત કરી લીધી હતી અને મંગળવારે બપોર બાદ પકડાયેલા તોફાનીઓ સહિત 100થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા તથા બી ડીવીઝનના પીએસઆઈ એ.વી.જોષીએ જણાવ્યું હતું.

છુટક મજૂરી કરીને રોજી રળતા લોકોની વેદનાઃ ‘યે આગ કબ બૂઝેગી?’
હિંમતનગરમાં 13 વર્ષ બાદ થયેલા કોમી છમકલાને લઈને સમગ્ર સાબરકાંઠા સહિત હિંમતનગરવાસીઓ સતત અજંપાભરી સ્થિતિમાં દિવસો વીતાવી રહ્યા છે ત્યારે અનેક વેપારીઓ, છૂટક મજૂરી કરીને રોજનું લાવી રોજ ખાતા પરિવારો, શાકભાજીના લારીવાળાઓ તથા છૂટક વેપાર કરતા લોકો અંદરોઅંદર એકબીજાને પુછી રહ્યા છે કે ‘યે આગ કબ બૂઝેગી..?’

સાબરકાંઠાના સાંસદ બેઠક છોડીને જતા રહ્યા
હિંમતનગરના તોફાનગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા આવેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી જિલ્લા પોલીસ વડા કચેરી ખાતે આવ્યા હતા, ત્યારે સાબરકાંઠાના સાંસદ દિપસિંહ રાઠોડ અગમ્ય કારણોસર બેઠકમાં દસેક મિનિટ હાજરી આપ્યા બાદ રવાના થઈ ગયા હતા. જે અંગે અનેક તર્ક-વિતર્ક શરૂ થઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો