હવામાન વિભાગ દ્વારા આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારોમાં પડશે વરસાદ..

રાજ્યમાં વિરામ બાદ છેલ્લા બે દિવસથી વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે આગામી 23મી જુલાઇથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. સુરત, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં અત્યારસુધીમાં સીઝનનો કુલ 204.94 મિમી એટલે સરેરાશ 24.64 ટકા વરસાદ નોંધાયો છે. બીજી બાજુ, મંગળવારે 21 જિલ્લાના 69 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વડોદરામાં 2 કલાકમાં 2 અને બોડેલીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. બોડેલીમાં અઢી ઇંચ વરસાદથી જાહેર રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

23મીથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 23મી જુલાઈથી સતત ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં થયો છે.

રાજ્યમાં 13 ટકા ઓછો વરસાદ
રાજ્યમાં અત્યારસુધીમાં 25.45 ટકા વરસાદ થયો છે. ગત વર્ષે 18 જુલાઇ સુધી રાજ્યમાં 36 ટકા વરસાદ થયો હતો. ગત વર્ષની સરખામણીએ 13 ટકા ઓછો વરસાદ છે. સરેરાશની સામે રાજ્યમાં 39 ટકાની ઘટ છે. રાજ્યમાં 33માંથી 32 જિલ્લામાં સરેરાશથી ઓછો વરસાદ છે. તાપીમાં સરેરાશથી 73 ટકા, ગાંધીનગરમાં 69 ટકા તો દાહોદમાં 61 ટકા વરસાદની ઘટ છે. 9 જિલ્લામાં વરસાદની 50 ટકાથી પણ વધારે ઘટથી ચિંતા વધી છે. છેલ્લાં 6 વર્ષની સરખામણીએ આ વર્ષે જુલાઇમાં સૌથી ઓછો વરસાદ છે.

રાજ્યમાં ઝોન પ્રમાણે વરસાદની સ્થિતિ
સમગ્ર રાજ્યમાં ચોમાસાની આ વર્ષની સીઝનનો કુલ 25.45 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં કચ્છમાં ચોમાસાની અત્યારસુધીની સીઝનનો સરેરાશ 26.99 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યારસુધીની સીઝનનો 19.25 ટકા, મધ્ય ગુજરાતમાં 21.81 ટકા, સૌરાષ્ટ્રમાં 23.94 ટકા, દક્ષિણ ગુજરાતમાં 30.87 ટકા જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે.

વાવેતરમાં 1.91 લાખ હેક્ટરનો ઘટાડો
ચોમાસાની સીઝનમાં જે સરેરાશ વાવેતર થાય છે એની સામે કુલ 46.80 લાખ હેક્ટર જમીનમાં એટલે કે 55 ટકા વિસ્તારમાં વાવેતર થયું છે. એ ગત સીઝનમાં થયેલા વાવેતરની સામે 1.91 લાખ હેક્ટર વિસ્તાર જેટલું ઓછું વાવેતર થયું છે. ધાન્યની વાત કરીએ તો 26 ટકા, કઠોળ 53 ટકા, કપાસનું 72 ટકા વાવેતર થયું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગ દ્વારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં વરસાદ વરસી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઇ છે. દરિયાકિનારે ભારે પવન ફૂંકાઇ શકે છે. વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

206 જળાશયમાં 37 ટકા પાણીનો સંગ્રહ
વરસાદને કારણે જળાશયોમાં પાણીની આવક થઇ છે. સરદાર સરોવર ડેમમાં 1.49 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે 44.68 ટકા જેટલો છે. રાજ્યનાં 206 જળાશયોમાં 2.06 લાખ એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે, જે કુલ ક્ષમતાના 37 ટકા જેટલો થવા જાય છે. હાલ રાજ્યમાં કુલ 3 ડેમ હાઇ અલર્ટ પર છે, 6 અલર્ટ, 6 વોર્નિંગ પર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો