સમગ્ર ગુજરાતમાં મેઘ મલ્હાર, રાજકોટમાં 17 ઇંચ, બરવાળામાં 15, મહુધા-ધંધુકામાં 13 અને કડીમાં 12 ઇંચ વરસાદ,

મેઘરાજાએ ગુજરાતમાં બરાબરની જમાવટ કરી છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ નોંઘાયો છે. જેમાં બરવાળા તાલુકામાં 15 ઇંચ, મહુધા અને ધંધુકામાં ૧૩ ઇંચ, રાજકોટ 17 ઇંચ, કડી અને ગઢડામાં 12 ઈચ, રાણપુર અને ગલતેશ્વરમાં 10 ઇંચ ઇંચ, કલોલમાં નવ ઈંચ, ધોલેરામાં સાડા નવ ઈંચ, મહેસાણાના જોટાણામાં સાડા આઠ ઈંચ, સુરતના ઉપરપાડામાં અને ડાંગના સુબીરમાં સાડ છ ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, અમરેલીમાં સાડા ચાર ઈંચ, તાપીના સોનગઢમાં કચ્છના રાપરમા ચાર ઈંચ વરસાદ નોંઘાયો છે. વરસાદી માહોલ દરમિયાન બે દુર્ધટનામાં 8 લોકોના મોત થયા છે. જેમાં નડિયાદમાં ફ્લેટ ઘરાશાયી થતા ચાર લોકો મોતને ભેટ્યા છે, જ્યારે અમદાવાદના બોપલમાં બંગ્લાની દીવાલ પડતાં દટાઈ જવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 10 ઓગસ્ટ અને સવારે છ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ધાંગધ્રા તાલુકામાં 211મી.મી, જોટાણામાં 210 મી.મી, વલ્લભીપૂરમાં 205 મી.મી, નાંદોદમાં 201મી.મી અને છોટાઉદેપુરમાં ૨૦૦ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે ડેડીયાપાડા 192મી.મી, રાપર 109મી.મી, થાનગઢમા 186 મી.મી, વઢવાણમાં 185 મી.મી, ગોધરામાં 184મી.મી, ગાધીધામમાં180 મી.મી,સાણંદમાં 180મી.મી, ઉમરાળામાં 180 મી.મી.,કઠલાલ ૧૭૭ મી.મી, મહેસાણામાં 178 મી.મી,આણંદમાં 171 મી.મી, ભચાઉમાં 173 મી.મી,રાજકોટમાં 171મી.મી અને ડેસર ૧૭૧ મી.મી મળી કુલ ૧૪ તાલુકાઓમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત રાજ્યના ઠાસરા,ધોળકા, વિંછીયા,ચોટીલા,મોરબી, ટંકારા,ધ્રોળ, ઉમરપાડા, વિજાપુર, આમોદ, કોટડાસાંગાણી અને ઉમરેઠ મળી કુલ ૧૨ તાલુકાઓમાં ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે લાલપુર,જેતપુરપાવી, માતર ,જોડીયા મહેમદાવાદ,ખંભાત,જાંબુધોડા, ગોંડલ, બોરસદ,ધનસુરા,સુબીર, માંગરોળ, દસાડા,અમદાવાદ શહેર, સાયલા,હાલોલ, કરજણ,લખતર, મૂળી,લીબડી, લોધીકા, કલ્યાણપુર, સોજીત્રા, સમી, ભાવનગર, તારાપુર,બાબરા અને હિંમતનગર મળી કુલ 30 તાલુકાઓમાં ૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે

આ ઉપરાંત સાવલી, સિહોર, લાઠી,અમરેલી, વાડિયા, કપડવંજ, વડોદરા, પડધરી, વસો, ઘોઘંબા, ખેડા, માણસા, ડભોઇ, નેત્રંગ,જામનગર, પાટણ,આંકલાવ, પ્રાંતિજ ,જસદણ, સાગબારા, સોનગઢ, બોડેલી, ગરુડેશ્વર અને માળીયામીયાણા મળી કુલ ૨૪ તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 30 તાલુકાઓમાં 3 ઈચથી વધુ ,અન્ય 51 તાલુકામાં બે ઇંચથી વધુ અને અન્ય 46 તાલુકાઓમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

આ સાથે રાજયમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 77.80 ટકા જેટલો નોધાયો છે જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 98.31 ટકા, કચ્છમાં 61.69 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.45 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 77.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 64.15 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો હોવાના અહેવાલો છે.

નડિયાદમાં ફ્લેટ ધરાશાયી, 4 લોકોના મોત 

નડિયાદના કપડવંજ રોડ પરના પ્રગતિનગરના પુનેશ્વર એપાર્ટમેન્ટનો ત્રણ માળનો એક બ્લોક શુક્રવારે રાત્રે અચાનક ધરાશાયી થયો હતો. દુર્ઘટનામાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 6 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 2 લોકોને બચાવી લેવાયા છે. દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરીમાં નડિયાદ ફાયરબ્રિગેડ સહિતની બચાવ ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અમદાવાદથી પણ ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી છે. જ્યારે વડોદરાથી એનડીઆરએફની ટીમની પણ પહોંચી છે.

અમદાવાદમાં બંગલાની દીવાલ ધરાશાયી, ચાર લોકોનાં મોત 

અમદાવાદમાં સાઉથ બોપલના શેલામાં ક્લબ O7 રોડ પર આવેલા નિસર્ગ બંગ્લોનાં એક મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. જેમાં ચાર લોકો દટાયા હતાં. ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને દિવાલ નીચે દબાયેલા ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં તમામ ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા.

સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં બારે મેઘ ખાંગા

રાજકોટમાં ધોધમાર વરસાદ પડ્યો છે. રાજકોટમાં મળતા અહેવાલ મુજબ 17 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બીજી તરફ રાજકોટના રેલનગર અંડરબ્રિજમાં પણ પાણી ભરાઇ જતાં વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. જ્યારે રાજકોટની આજી નદીમાં ભારે વરસાદના પગલે ઘોડાપૂર આવ્યું છે. શહેર અને જિલ્લામાં પડેલી રહેલા અનારાધાર વરસાદના કારણે નદી ગાંડૂતૂર થઇ છે.

જેને કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. રાજકોવાસીઓને પાણી પુરું પાડતા આજી ડેમ ભરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટની લાલુડી વોકળીમાં ભારે વરસાદના કારણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. જેને લઇને કમિશ્નરે ફાયર વિભાગની ટીમ સાથે જોડાઇને લોકોને સલામત સ્થળે ખસેડયાં હતા. જ્યારે ભારે વરસાદ ન્યારી-2 ડેમમાં પાણી આવ્યાં.

ભાવનગર જિલ્લા અને શહેરમાં ધોધમાર વરસાદ

જ્યારે બીજી તરફ ભાવનગર જિલ્લા અને શહેરમાં પણ મોડીરાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને લઇને તંત્ર એલર્ટ મોડ પર છે. ભાવનગરની મોટાભાગની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જિલ્લાના વલ્લભીપુરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના ભાલ પંથકમાં ધોધમાર વરસાદ થતા અનેક ગામમાં પાણી ભરાયાં છે.

સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં મુશળધાર વરસાદ

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ચુડાના છલાળા ગામમાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગામમાં કેડસમા પાણી ભરાયા છે, જેના કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું છે. જિલ્લાના લીંબડી તાલુકાના સૌકા ગામનું મુખ્ય નાળુ તૂટી જતા ગામ સંપર્ક વિહોણું થયું છે.

જ્યારે જિલ્લામાં પડેલી રહેલા ભારે વરસાદના પગલે નાયકા ડેમમાં નવા નીર આવ્યા છે. મૂળીમાં આવેલ આ ડેમ ઓવરફલો થયો છે, ડેમના 7 દરવાજા એક ફૂટ સુધી ખોલી નાંખવામાં આવ્યાં છે. સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદ પડતા જશાપર ગામનું તળાવ તૂટતા લોકો મુશ્કેલીમાં મૂકાયાં હતા. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાની વાવડી ગામની નદી બે કાંઠે વહી રહી છે.

બોટાદ જિલ્લામાં ભારે વરસાદ
બીજી તરફ બોટાદ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. બોટાદના બરવાળામાં સૌથી વધુ 15 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે ગઢડામાં 12 ઇંચ અને  બોટાદમાં 11 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે રાણપુરમાં 10 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે બોટાદ જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.

જૂનાગઢનું નરસિંહ તળાવ ઓવરફલો

જૂનાગઢમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે શહેરના મધ્યમાં આવેલું  નરસિંહ મહેતા તળાવ ઓવરફ્લો થયું છે. ઉપરવાસમાં થઈ રહેલા અને ગીરનાર પર્વતમાળામાં થઈ રહેલા ભારે વરસાદના કારણે સતત પાણીની આવક ચાલુ છે. જેના કારણે ઓજી વિસ્તારના લોકો માટે પણ પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
દ્વારકામાં ભારે વરસાદ થતા સાની ડેમમાં પાણીની આવક

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો