ઓછું વજન, નબળાઈ, મંદ બુદ્ધિ જેવા પ્રોબ્લેમ્સમાં બાળકોને પીવડાવો આ 4 પ્રકારનું દૂધ

શિયાળામાં સ્વાસ્થ્યને ગુણકારી હોય એવી વસ્તુઓ જેટલી ખાઈએ એટલી ઓછી છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ તો ખાસ શિયાળામાં હેલ્થ માટે બેસ્ટ હોય એવી ખાદ્ય વસ્તુઓ આરોગતા જ હોય છે. પરંતુ આ બધાંમાં આપણે બાળકોને ભૂલી જતાં હોય છે. તો આજે બાળકોની હેલ્થ સાચવવા તેમના માટે કેવું દૂધ બેસ્ટ છે તે જાણો.

બાળકોને આપો પોષણથી ભરપૂર વસ્તુઓ

જો બાળકોને સિઝન પ્રમાણે હેલ્ધી અને પોષક તત્વોથી ભરપૂર વસ્તુઓ આપવામાં આવે તો સૌથી વધુ ફાયદો થાય છે. મોટેરાંઓની જેમ બાળકોમાં પણ આ નિયમ લાગૂ પડે છે કે સવારે તેમને હેલ્ધી બ્રેકફાસ્ટ આપવામાં આવે, જેથી આખો દિવસ તેઓ ઊર્જાવાન રહી શકે. તો બાળકોને આખું વર્ષ હેલ્ધી રાખવા કેટલીક ગુણકારી વસ્તુઓ અવશ્ય આપવી જોઈએ, જેમ કે અંજીર મિલ્ક, ખજૂરવાળું મિલ્ક, ડ્રાયફ્રૂટ મિલ્ક વગેરે. તો આજે જાણો તમારા બાળકોને આવી હેલ્ધી વસ્તુઓ આપવાથી કેવા સ્વાસ્થ્ય ફાયદાઓ મળશે.

સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ

શિયાળામાં બાળકોમાં શરદી, ઉધરસ, કફની સમસ્યા વધુ જોવા મળે છે. સાથે જ બાળકોને વાયરલ ઈન્ફેક્શનની સમસ્યા પણ વધુ થાય છે. એવામાં ડોક્ટરની દવાઓ ખાવી યોગ્ય નથી. જેથી તમારા બાળકોને આ સમસ્યાઓથી બચાવવા માટે તમે તેમને ઉકાળા સમાન ગુણકારી સૂંઠ અને ગંઠોડાવાળું દૂધ આપી શકો છો.

ફાયદા

આ એકદમ સરળ ઉપાય છે જે બાળકોમાં ઈમ્યૂનિટી પાવરને વધારે છે. એમ પણ બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે, જેથી જ્યારે પણ તમારા બાળકને શરદી, ઉધરસ, કફની સમસ્યા થાય ત્યારે તેને એક ગ્લાસ દૂધમાં અડધી ચમચી સૂંઠ અને પા ચમચી ગંઠોડા પાઉડર નાખીને ઉકાળેલું દૂધ પીવા આપવું. આ બન્ને ઔષધી સમાન છે. જે તમારા બાળકને ગરમાવો તો આપશે જ સાથે રોગોથી પણ બચાવશે.

ડ્રાયફ્રૂટ્સવાળું મિલ્ક

ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. એમાંય શિયાળામાં તેનું સેવન કરવાથી તેના ફાયદા ડબલ થઈ જાય છે. બાળકો માટે પણ ડ્રાયફ્રૂટ્સનું સેવન બહુ જરૂરી છે અને જો બાળકો ડ્રાયફ્રૂટ્સ ન ખાતાં હોય તો તમે તેમને ડ્રાયફ્રૂટ્સવાળું દૂધ આપી શકો છો. જેમાં તમે કેસર, બદામ, પિસ્તા નાખેલું દૂધ બનાવી શકો છો.

ફાયદા

શિયાળામાં કેસરનું સેવન કરવાથી શરીરને ગરમાવો મળે છે, ત્યાં જ પિસ્તા અને બદામ શરીરને કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ઈ, ફાયઈર જેવા પોષક તત્વો આપે છે. આ ડ્રાયફ્રૂટ્સમાં રહેલાં વિટામિન મગજના વિકાસમાં પણ મદદ કરે છે. ખાસ કરીને બદામ માટે તો એવું કહેવાય છે કે તે ઝડપથી યાદશક્તિ વધારે છે. સાથે આનાથી આંતરિક શક્તિ પણ મળે છે. તો બસ તમારા બાળકને રોજ સવારે કેસર, બદામ, પિસ્તા નાંખીને ઉકાળેલું દૂધ આપો.

અંજીરવાળું દૂધ

અંજીર મોંઘા હોય છે, જેથી મોટાભાગના લોકો તેનું સેવન કરતાં નથી. પરંતુ તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અંજીર ખૂબ જ લાભકારી છે. બાળકોથી લઈને વૃદ્ધો માટે અંજીરનું સેવન ફાયદાકારક રહે છે. જેથી જો તમે તમારા બાળકને સ્ફૂર્તિવાન બનાવવા માગો છો તો તેને રોજ અંજીરવાળું દૂધ આપો.

ફાયદા

અંજીરમાંથી ફાઈબર, વિટામિન બી6, કેલ્શિયમ, પ્રોટીન, કોપર, મેંગનીઝ, પોટેશિયમ જેવા પોષક તત્વો મળી રહે છે. આ સિવાય તેમાં ટાયરોસિન, લાયસિન અને અમીનો એસિડ જેવાં પાચક રસો પણ સમાયેલા છે. ચાર-પાંચ અંજીર દૂધમાં નાખીને ઉકાળેલું દૂધ રોજ બાળકને આપવામાં આવે તો તેને એક જ વખતમાં આખા દિવસ માટેની ઊર્જા મળી રહે છે. અંજીરવાળું દૂધ પીવાથી બાળકોને થાક લાગતો નથી, એનર્જી રહે છે અને તાજગી મળે છે.

ખજૂરનું દૂધ

ઠંડા પ્રદેશોમાં ખાસ ખજૂરવાળું દૂધ પીવામાં આવે છે. બાળકો માટે પણ આવું દૂધ બહુ ગુણકારી રહે છે. ખજૂરવાળું દૂધ પીવા માટે ચાર-પાંચ ખજૂરને રાતે સરખી રીતે ધોઈ ઠળિયા કાઢીને પાણીમાં પલાળી દો, સવારે ઉઠીને ખજૂરને બારીક સમારીને દૂધમાં નાખો અને દૂધને ઉકાળો. પછી તમારા બાળકને આપો.

ફાયદા

જે બાળકોનું વજન ઓછું હોય, લંબાઈ ન વધતી હોય, બુદ્ધિ ઓછી હોય, નબળાઈ હોય તો રોજ બાળકને ખજૂરવાળું દૂધ આપવું જોઈએ. આ દૂધ સરળતાથી તૈયાર થઈ જાય છે. જેથી તમે તમારા બાળકને રોજ આવું દૂધ આપી શકો છો. સાથે ખજૂર સસ્તી પણ હોય છે. આનાથી તમારું બાળક હૃષ્ટ-પુષ્ટ બનશે અને બીમારીઓથી બચશે. તો આજથી જ તમારા બાળકને આવું દૂધ આપવાનું શરૂ કરી દો.

નોંધ- જો તમારા બાળકને ગળ્યું દૂધ ભાવતું હોય તો સ્વીટનેસ માટે સાકરનો જ પ્રયોગ કરવો. ખાંડનો ઉપયોગ ન કરવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો