ગુજરાતી ફિલ્મના દિગ્ગજ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન, કોરોનાની સારવાર લઇ રહ્યા હતા
ગુજરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું (Naresh Kanodia) નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં (U. N. Mehta) કોરોનાની (coronavirus) સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું.
20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.
નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, “આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.”
બે દિવસ પહેલા ભાઇનું નિધન થયુ હતુ
મહત્વનું છે કે, 25 ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના મોટાભાઇ અને ગુજરાતી ફિલ્મના સંગીતકાર તથા પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતુ. તેઓ બંન્ને ભાઇઓ મહેશ-નરેશ નામે મ્યૂઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.
નરેશ કનોડિયાનો પરિવાર
નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે.
તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહે છે. તેમની સાથે મહેશ કનોડિયા પણ રહે છે.
નરેશ કનોડિયાની ગુજરાતી સફળ ફિલ્મો
નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં 125થી(naresh-kanodiya-corona) વધુ ફિલ્મોમાં કામ કર્યુ છે. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી છે.
તેમણે વેલીને આવ્યા ફૂલ ફિલ્મથી અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. તેમની અને અભિનેત્રી સ્નેહલતાની જોડી હતી. નરેશ કનોડિયાની હિટ ફિલ્મોએ ગુજરાતી ફિલ્મ નિર્માતાઓને ધૂમ કમાણી કરાવી આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

