ભારતીય કંપની ઝાયડસ કેડિલા બનાવી રહી છે કોરોના વાયરસની વેક્સિન, પ્રાણીઓ પર પરીક્ષણ શરુ કર્યું
કોરોના જયારે વિશ્વભરમાં મહામારીનું સ્વરૂપ ધારણ કર્યું છે અને દુનિયાભરની દવા બનાવતી કંપનીઓ તેની વેક્સિન બનાવવા માટે મેદાનમાં છે ત્યારે ભારતની અગ્રણી દવા કંપની ઝાયડસ કેડિલાએ આ દિશામાં કામ શરુ કર્યું છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે આ વાતની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે, અમે કોવિડ-19ની વેક્સિન પર કામ કરી રહ્યા છીએ અને અમે પ્રાણીઓ પર તેનું ટ્રાયલ લેવાનું શરુ કર્યું છે. આ એક સમય માગી લે તેવી પ્રક્રિયા છે અને અમને આશા છે કે અમે તેમાં સફળ થઈશું.
પરિણામ આવતા 4-6 મહિનાનો સમય લાગી શકે છે
માર્ચમાં કંપનીએ જાણકારી આપી હતી કે તેણે કોરોના વાઈરસ માટે હવે રસી વિકસાવવા માટે સંશોધન કાર્યક્રમ શરૂ કર્યો છે. કંપની સુત્રોએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં સંપૂર્ણ પ્રોસેસ અને તેના પરિણામ આવતા લગભગ 4-6 મહિના જેટલો સમય લાગી શકે છે. પ્રાણીઓ પર આની કેવી અસર રહે છે તેના આધારે રિસર્ચને આગળ વધારવામાં આવશે. અહીં નોંધવું રહ્યું કે, 2010 માં ફાટી નીકળેલા સ્વાઇન ફ્લૂની રસી વિકસાવવા અને સ્વદેશી ઉત્પાદન શરુ કરનાર ઝાયડસ કેડિલા એ પ્રથમ ભારતીય ફાર્મા કંપની હતી.
કોરોનામાં હાલ ઉપયોગી હાઈડ્રોક્સીક્લોરોક્વિનના ઉત્પાદનમાં મોખરે
હાલમાં કોરોનાના ઈલાજ માટે સૌથી વધુ મેલેરિયાના ઈલાજ માટે વપરાતી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિનને કોરોનાના ઈલાજ માટે અસરકારક માનવામાં આવે છે. આ દવાના ઉત્પાદનમાં ભારત અગ્રણી દેશ છે. ભારતમાં પણ ઇપ્કા લેબોરેટરીઝ અને ઝાયડસ કેડિલા આ દવાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે. ફાર્મા અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ભારતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનના કુલ ઉત્પાદનમાં આ બંને કંપનીઓનો શેર 80%થી પણ વધુ છે. ઝાયડસ કેડિલા આ દવાનું માસિક 20 ટનની ઉત્પાદન ક્ષમત ધરાવે છે.
પ્રતિબંધ પહેલા ભારતીય કંપનીઓને અમેરિકાનો ઓર્ડર મળ્યો હતો
ફાર્મા ઉદ્યોગના જાણકારોના કહેવા પ્રમાણે, અમેરિકામાં કોરોનાનો ફેલાવો જે રીતે થઇ રહ્યો છે તેને જોતા અમેરિકન સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન કરતી ભારતની કંપનીઓને તેનો મોટો ઓર્ડર આપ્યો હતો. આમાં ઝાયડસ અને ઇપ્કા પણ શામેલ છે. જોકે ભારતમાં પણ કોરોનાનો વ્યાપ વધતા કેન્દ્ર સરકારે દેશમાં હાઈડ્રોક્સીક્લોરોક્વિનની અછત ઉભી ન થાય તે માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. બાદમાં બંને સરકારો વચ્ચે વાતચીત થયા બાદ હવે આ દવાના જુના ઓર્ડર અને નવા ઓર્ડર બંને માટે માર્ગ ખુલ્લો થયો છે.
ભારતે પ્રતિબંધ હટાવાતા હાઈડ્રોક્સીક્લોરોક્વિનની માગ વધશે
મંગળવારે ભારત સરકારે હાઈડ્રોક્સીક્લોરોક્વિન સહિત 28 દવાઓની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. એવુ માનવામાં આવે છે કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ પ્રતિબંધ હટાવવા સંદર્ભમાં વાત કરી હતી જેથી અમેરિકાને પૂરતા પ્રમાણમાં દવા મળી રહે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોના વાઈરસની સારવારમાં મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વિન સૌથી સચોટ છે. અમેરિકાએ તાજેતરમાં ભારતથી આયાત થતી દવાઓ માટે નિયમો પણ હળવા કાર્ય છે.
રો-મટીરિયલ માટે ચીન પર આધાર ન હોઈ સપ્લાયની કોઈ મુશ્કેલી નથી
ચીનમાં કોરોના વાઈરસના કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની ચિંતા વધી છે. ઘણી કંપનીઓ દવા બનાવવા માટેના કાચા માલ માટે ચીન પર આધારિત છે. જોકે, આ અંગે અગ્રણી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાનો મત થોડો જુદો છે. કંપનીના મેનેજીંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું કે, ઝાયડસ ચીન પર બહુ ખાસ આધાર નથી. અમે સામાન્ય રીતે 60-90 દિવસની ઇન્વેન્ટરી સાથે ચાલીએ છીએ અને હાલના સંજોગોએ કોરોના વાયરસના કારણે અમારા માટે કોઈ સપ્લાયની મુશ્કેલી ઉભી થાય તેવું નથી. કંપની તરીકે આની અમને કોઈ અસર થઇ નથી.
ભારતીય કંપનીઓ હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન વધારશે
કોરોના વાયરસનો ફેલાવો ભારતમાં જે રીતે થયો છે તેને કાબુમાં કરવા માટે ભારત સરકારે દવા કંપનીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વિન બનાવવા અને તેની પુરતી સપ્લાય જાળવવા માટે કહ્યું હતું. સરકાર તરફથી પણ 10 કરોડ ટેબલેટ્સનો ઓર્ડર ઝાયડસ અને ઇપ્કા જેવી અગ્રણી કંપનીઓને આપ્યો છે. આટલી દવા 50-60 લાખ કોરોના દર્દીઓના ઈલાજ માટે પુરતી છે. આ ઉપરાંત વધારાનું પ્રોડક્શન છે તેને અમેરિકા સહિતના દેશોમાં નિકાસ કરી શકાય તેમાં છે. આ બંને કંપનીઓએ વધતી માગને ધ્યાનમાં રાખીને હાઈડ્રોક્સીક્લોરોક્વિનનું ઉત્પાદન વધારવા તૈયારી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

