લ્યો બોલો! ખાનગી શાળા સંચાલકો સરકારનું પણ માનતા નથી, ફી મામલે સમાધાન કરવા તૈયાર ન થતાં સરકારે HC પાસે માંગી મદદ
કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે પણ શાળા સંચાલકો સરકારી નિયમોની સરાજાહેર ઐસી કી તૈસી કરી રહ્યા છે. ખાનગી શાળાઓ દ્વારા અસાઈમેન્ટના નામે ફીની કડક ઉઘરાણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલીક ખાનગી શાળાઓએ ફી ન ભરનાર વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ પણ બંધ કર્યા છે અને ગ્રુપમાંથી વાલીઓને રિમૂવ કરી દેવામાં આવ્યા છે. સંચાલકો કહી રહ્યા છે ફરજિયાત ફી ભરવી પડશે. જ્યારે સરકારે કોઈ ફી માફી નથી આપી. ત્યારે શું સરકારનું શાળા સંચાલકો માનતા નથી તો રસ્તો શું છે?
રાજ્યમાં ખાનગી શાળાઓની દાદાગીરી હજુ પણ યથાવત્ છે. ત્યારે શાળા સંચાલકો સાથે શિક્ષણ વિભાગનું ખુલ્લેઆમ સેટિંગ છતું થયું છે. વાલીઓ શાળાની મનમાનીથી પરેશાન અને શિક્ષણ વિભાગ ગોઠવણમાં વ્યસ્ત છે. રાજ્ય સરકારે હાઈકોર્ટ પાસે સહાય માંગી અને કહ્યું કે શાળા સંચાલકો માનતા નથી. તેવામાં હવે શાળા સંચાલકો ફી મામલે સમાધાન કરવા તૈયાર ન હોવાનો સરકારે દાવો કર્યો છે. હાઈકોર્ટ પાસે સરકારે મદદ માગી કે બેફામ ફી લેતા સંચાલકો સામે નિર્દેશ કરો. આ મામલે સરકારની અરજ પર શુક્રવારે હાઈકોર્ટ વધુ સુનાવણી કરશે.
સરકાર જ જો શાળાઓને નિર્દેશ કે હુકમ ન કરી શકતી હોય તો શિક્ષણ વિભાગનું કામ શું? સરકારીને અવગણી ખાનગી શાળાઓનું માળખું ઉભુ કર્યું હવે સંચાલકો સરકારનું પણ માનતા નથી. મહામારી સમયે વાલીઓ શાળા સંચાલકોની લાલચુ વૃત્તિ સામે લડી રહ્યાં છે. સંતાનોને ભણાવવા માટે સંઘર્ષ કરી રહેલા વાલીઓને ખાનગી શાળાઓ પરેશાન કરી રહી છે.
સરકારનું નથી માનતી ખાનગી શાળાઓ?
ત્યારે કેટલાક સવાલ થાય છે કે સરકારનું શાળા સંચાલકો માનતા નથી તો રસ્તો શું છે? બાળકોની ફી કેટલી હોવી જોઈએ તેનો તો નિર્ણય જ સરકારે કરવાનો છે. દર વખતે હાઈકોર્ટ પાસે પહોંચીને સમય શું કામ બગાડો છો? જો શિક્ષણ વિભાગ શાળાઓને નાથી ના શકતો હોય તો વિભાગ બંધ કરવો? જો નિયમિતતા લાવી ન શકતા હોવ તો કરોડો રૂપિયા શિક્ષણ વિભાગમાં બગાડવા શું કામ? વાલીઓ સંઘર્ષ કરે છે અને તમે જવાબદારીથી હાથ ઉંચા કરીને સમય પસાર કરો છો. જ્યારે ખાનગી શાળાને મંજૂરી આપો છો ત્યારે શાળાઓને નાથતા કેમ નથી? કેમ કડક નિયમો શાળાઓ માટે બનાવતા નથી? સામાન્ય માણસને ભૂલની સજા આકરી આપો છો અને માફિયા સંચાલકોને નાથી શકતા નથી?
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..

