ગુજરાત સરકારે મુખ્યમંત્રી રૂપાણી માટે ખરીદ્યું 191 કરોડ રૂપિયાનું નવું વિમાન, આવી છે પ્લેનની ખાસીયતો

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા અન્ય વીઆઇપી જેવા કે રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાનું નવું વિમાન ખરીદ્યું છે. આ વિમાનની ખરીદી પ્રક્રિયા છેલ્લા પાંચ વર્ષથી વિલંબમાં હતી જે આખરે પૂર્ણ થઈ છે. આ મહિનાના ત્રીજા સપ્તાહમાં ‘બોમ્બાર્ડિયર ચેલેન્જર 650’ નામનું આ વિમાન ડિલિવર કરવામાં આવશે. મુખ્યમંત્રી માટે હાલ જે વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે તે 20 વર્ષ જૂનું થઈ ગયું હોવાથી નવું વિમાન ખરીદવામાં આવ્યું છે એમ સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું.

નવું વિમાન એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકે છે 

સિવિલ એવિએશનના ડાયરેક્ટર કેપ્ટન અજય ચૌહાણે જણાવ્યું હતું કે નવા વિમાનની ડિલિવરી બાદ વિવિધ જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બે મહિના પછી તેનો ઉપયોગ શરૂ કરવામાં આવશે. હાલ મુખ્યમંત્રી માટે બીચક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે. જે ટૂંકા અંતર માટે ઉપયોગી છે. જ્યારે નવું વિમાન એક ઉડાનમાં લાંબુ અંતર કાપી શકે છે. બોમ્બાર્ડિયર એ કેનેડાના ક્યુબેક પ્રાંત સ્થિત એવિએશન કંપની છે. કંપનીએ અત્યાર સુધી ચેલેન્જર સિરિઝના કુલ 1100 વિમાન બનાવ્યા છે.

નવું વિમાન શા માટે?

મુખ્યમંત્રીનું હાલનું વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગ 20 વર્ષ જૂનું છે. સિવિલ એવિએશન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે લાંબા અંતરની મુસાફરી માટે પ્રતિ કલાક 1 લાખ કે તેથી વધુ રૂપિયાના દરે ખાનગી વિમાનની સેવા લેવી પડતી હતી. એટલે ખરીદવાનો નિર્ણય કરાયો. જૂના વિમાનમાં રિફ્યુલિંગની સમસ્યા હતી. તેના લીધે એક ઉડાનમાં લાંબું અંતર કાપી શકાતું નહોતું. જેની સરખામણીમાં નવા વિમાનની ક્ષમતા વધુ છે. હાલના વિમાનની મહત્તમ ક્ષમતા 9ની હોવા છતાં તેમાં ચારથી પાંચ વ્યક્તિ જ પ્રવાસ કરી શકતા હતા.

મુખ્યમંત્રીના નવા વિમાન બોમ્બાર્ડિયર ચેલેન્જર 650ની ખાસિયત 

  • નવું વિમાન બે એન્જિન ધરાવે છે.
  • 870 કિમી પ્રતિ કલાકની ઝડપે ઊડી શકે છે  નવું વિમાન
  • મહત્તમ 12 પેસેન્જર પ્રવાસ કરી શકે છે
  • ચીન જેવા નજીકના દેશ સુધી પ્રવાસ કરી શકાશે.
  • 7000 કિલોમીટરનો પ્રવાસ કરી શકે છે.

જૂના પ્લેનથી બમણી ઝડપ

મુખ્યમંત્રીના હાલના વિમાન બીચક્રાફ્ટ સુપરકિંગને 2500 કિમીનું અંતર કાપતા અંદાજે પાંચ કલાકનો સમય લાગતો હતો. જેની સરખામણીમાં નવું વિમાન માત્ર ત્રણ કલાકમાં આટલું અંતર કાપી લેશે. તેનું કારણ એ છે કે નવા વિમાનમાં આટલા અંતરે રિફ્યલિંગની જરૂરી નથી.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો