ખેડૂત આંદોલન: ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી 500થી વધુ યુવા ખેડૂતો દિલ્હી જવા નીકળ્યા, હજુ વધુ કિસાનો જશે

હાલ કૃષિ બિલના વિરોધમાં હરિયાણા અને પંજાબના ખેડૂતોએ દિલ્હીને ઘેરી લીધું છે. માત્ર એટલું જ નહીં, આ ખેડૂતોએ એટલું તો આક્રમક આંદોલન ઉપાડ્યું છે કે કેન્દ્ર સરકાર પણ ચર્ચા કરવા માટે તૈયાર થઈ હતી તેમજ પીએમ મોદીએ મન કી બાતમાં પણ ખેડૂતો વિશે 26 મિનિટ સુધી વાતો કરી ખેડૂતોનો રોષ શાંત કરવા પ્રયાસો કર્યાં હતા. હાલ લાખો ખેડૂતો દિલ્હીને બહારનાં રાજ્યોથી જોડતા હાઈવે પર ધામા નાખી ચૂક્યા છે. આ ખેડૂત કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શનને શરૂ થયાને એક સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે. એવામાં સવાલ એ ઊઠે છે કે પંજાબ અને હરિયાણાના ખેડૂતોમાં જે આક્રોશ છે એ ગુજરાના ખેડૂતોમાં કેમ જોવા મળતો નથી. ખેડૂત આગેવાનો મુજબ, ડિટેઈન થવાના અને સરકાર દ્વારા હેરાનગતિ થવાના ડરે સંગઠિત થઈને ખેડૂતો આંદોલનમાં ભાગ લેવા જતા નથી. જોકે હાલ અલગ અલગ ગ્રુપમાં ખેડૂતો દિલ્હી પહોંચી ગયા છે.

આ અંગે કિસાન અધિકાર મંચના ભરતસિંહ ઝાલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતનો ખેડૂત અંદર ખાને દુઃખી છે, પરંતુ 2016 પછી ગુજરાત સરકારે આંદોલનકારીઓને મનેજ કર્યા, ખોટા કેસ કર્યા અને બદનામ કરવાનું કાવતરું કર્યું જેના હિસાબે છેવાડાનો માનવી જે ક્યારેય બહાર નથી નીકળ્યો, તેને સ્ટેટ આઈબી, સેન્ટ્રલ આઈબી, પોલીસ, ગામનો સરપંચ અને ચૂંટાયેલો સભ્ય માનસિક રીતે હેરાન કરે છે. હાલ ગુજરાતના વિવિધ જિલ્લાઓ ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને જૂનાગઢમાંથી યુવા ખેડૂતો દિલ્હી જવા નીકળી ગયા છે. તેમાંના 200થી 300 ખેડૂતો રાજધાનીમાં અને આશ્રમમાં પહોંચી ગયા છે, જ્યારે સુરતમાંથી 300 જેટલા ખેડૂતો મળીને કુલ 500-600 ખેડૂતો આંદોલનમાં ગયા છે. હું અત્યારે જાહેરાત કરું કે અમે આંદોલનમાં જવાના છીએ તો મને રાતોરાત ડિટેઈન કરી લેવામાં આવે. છેલ્લી ઘડીએ સરકાર તેનું ધાર્યું જ કરે છે, જેને કારણે ખેડૂતોમાં નિરાશા છે કે કંઈ થવાનું નથી, જેથી ખેડૂતો આંદોલનમાં સામેલ થતા નથી. ખેતી અને ખેતી સાથે સંકળાયેલો વર્ગ દબાયેલો છે.

હાલ ગુજરાતમાં કેટલા ખેડૂતો આપઘાત કરે છે જેના જવાબમાં ભરતસિંહ કહ્યું, ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા મજૂર વર્ગ સહિત વર્ષે 3000 ખેડૂતો આત્મહત્યા કરે છે. ગુજરાતના ખેડૂતો ચિંતિત છે, તેમના મનની રેખા દિલ્હી અને ગાંધીનગરના ઢાંચા પર પડેલી જ છે પણ તેમનો આક્રોશ દબાયેલો છે. જે દિવસે આ આક્રોશ બહાર આવશે ત્યારે પરિવારનો એક દીકરો દિલ્હીમાં અને એક દીકરો ગાંધીનગરમાં હશે.

ભરતસિંહ ઝાલા આગળ કહે છે, આઈબી દ્વારા અને ભાજપ હાલ ખેડૂતોને મેનેજ કરવા પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ હવે સમય દૂર નથી કે ગુજરાતના એક પરિવારનો એક સભ્ય દિલ્હીમાં અને એક સભ્ય ગાંધીનગરમાં રહીને કહેશે કે ખેડૂતોના દેવાનાબૂદી માટે વિધાનસભામાં બિલ પસાર કરો, નહીંતર ગાંધીનગર ખાલી કરો.

જ્યારે ખેડૂત સમાજના સાગર રબારીએ જણાવ્યું કે હું વર્ષોથી ખેડૂતો માટે કામ કરું છું. હું જ તેમને સમજવામાં નિષ્ફળ ગયો છું. ગુજરાતનો ખેડૂત જમીન સંપાદન જેવા મુદ્દે જ બહાર નીકળે છે. હવે એ સમજાતું નથી કે લડાયક વૃત્તિનો અભાવ છે કે પેલા ખેડૂતો જેટલી ગુજરાતના ખેડૂતોને જરૂર નથી. ખેડૂતો સરકારી યોજનાઓથી સંતુષ્ટ છે કે નહીં એની ખબર નથી, મળે ત્યારે કહે કે અમે તો ડૂબી ગયા ને મરી ગયા, પરંતુ તેમને જ્યારે પૂછીએ કે ચાલો દિલ્હી તો એમ કહે કે ઘરે કોઈ નથી, કોઈનાં બા માંદાં છે કે બાપા માંદા છે. મને લાગે છે આપણા ખેડૂતોને આંદોલનમાં રસ નથી.

ખેડૂતવિરોધી મોદી સરકાર દ્વારા પ્રસ્થાપિત સંસદીય પ્રણાલીનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર પસાર કરવામાં આવેલા કૃષિ સંબંધિત ત્રણ કાળા કાયદાઓ તત્કાળ પરત ખેંચી રદ કરવાની માગ સાથે બુધવારે દસાડા લખતર મતવિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીની આગેવાનીમાં તાલુકાભરમાંથી ઊમટેલા ખેડૂતોએ પાટડી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જ્યાં લખતરના ધારાસભ્યે જણાવ્યું હતું કે જો આ કાયદો રદ નહીં થાય તો સુરેન્દ્રનગરમાં ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજશે અને જરૂર પડ્યે ઝાલાવાડના ખેડૂતો દિલ્હી સુધી કૂચ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો