સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના 10 કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, ભાજપના નેતાઓ માસ્ક પણ પહેરવાનું ભૂલ્યા

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ત્રણ દિવસીય સૌરાષ્ટ્ર પ્રવાસે આવ્યા હતા. સૌથી પહેલા તાલાલામાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવી સૌરાષ્ટ્ર પ્રવાસનો આરંભ કર્યો હતો. સી.આર. પાટીલના આગમનથી સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકરો અને નેતાઓ કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. ભાજપના નેતાઓ જાણે આવી મહામારી હોવા છતાં ફોટોસેશનમાં વ્યસ્ત બન્યા હતા. ભાજપના નેતાઓને દો ગજ કી દૂરી ભૂલાઈ ગઈ હોય તેમ દરેક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા નજરે પડ્યા હતા. હાલ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસના ફોટા સાથે લોકો સોશિયલ મીડિયામાં અવનવી પોસ્ટ કરી રહ્યા છે. શું આ નિયમ સામાન્ય લોકો માટે છે, પોલીસ મેમો ફાડે તો આ ફોટા બતાવવા સહિતની પોસ્ટ વાઈરલ થઈ રહી છે. ખુદ સી.આર. પાટીલ પણ ઘણા કાર્યક્રમોમાં માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

10 કાર્યક્રમોમાં દો ગજ કી દૂરી ભૂલાઈ અને માસ્ક વગર પણ નેતાઓ જોવા મળ્યા

તાલાલામાં આગમન થતા જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. સી.આર. પાટીલના આગમન પહેલા જ ભાજપના નેતાઓ ઉત્સાહમાં આવી ગયા હતા અને રસ્તા પર રાસ-ગરબે રમતા નજરે પડ્યા હતા.

તાલાલાના ઘુસીયા ગામમાં સી.આર. પાટીલની ઓપન જીપમાં રેલી નીકળી હતી. જેમાં સીદી બાદશાહના યુવકો દ્વારા ઢોલ સાથે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સામાન્ય લોકો માટે કારમાં ત્રણ વ્યક્તિનો નિયમ છે. પરંતુ અહીં તો ભાજપના નેતાઓને આ નિયમ લાગુ પડતો ન હોય તેમ ઓપન જીપમાં સી.આર. પાટીલ સાથે સાતથી આઠ લોકો જોવા મળ્યા હતા. શું આ નિયમો ભાજપના નેતાઓ માટે નથી? તેવી પોસ્ટ સાથેના ફોટા સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. આ રેલીમાં હજારોની સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા.

તાલાલાના ભાજપના કાર્યાલયે પણ સી.આર. પાટીલે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યુ ન હતું. તાલાલા ભાજપના કાર્યાલયે ભાજપના નેતાઓ પણ ઉમટી પડ્યા હતા. જો કે, નેતાઓ કોરોના મહામારીમાં દો ગજ કી દૂરી ભૂલી ગયા હતા અને એક ઉત્સવ હોય અને ઉજવણી કરતા હોય તેમ સી.આર. પાટીલને બુકે આપી સન્માન કરતા નજરે પડ્યા હતા. અહીં તો કેટલાક નેતાઓ માસ્ક પહેર્યા વગર જ જોવા મળ્યા હતા.

તાલાલાનો પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સી.આર. પાટીલ સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. પરંતુ સી.આર. પાટીલ આવે તે પહેલા જ ભાજપના નેતાઓ ડીજેના તાલે રસ્તા વચ્ચે રાસ-ગરબે રમતા નજરે પડ્યા હતા. જો કે, આ નિયમો માત્ર નેતાઓને જ લાગુ પડે છે. આમ જનતા તો દંડ ભરવા જ છે તેવી પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. સોમનાથમાં બાળાઓ રાસ-ગરબે રમતી જોવા મળી હતી. સી.આર. પાટીલે સોમનાથ મહાદેવની પૂજા કરી ત્યારે પણ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.

સોમનાથ બાદ સી.આર. પાટીલ જુનાગઢ પહોંચ્યા હતા અને ભાજપના કાર્યાલયે જાણે મેળાવડો જામ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સોરઠની મુલાકાતે આવ્યા હતા ત્યારે જિલ્લા સહકારી બેંક દ્વારા સીએમ રિલીફ ફંડમાં 5.51 લાખનો ચેક આપવામાં આવ્યો હતો.પરંતુ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા થયા હતા. બાદમાં કૃષિ યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા ત્યારે પણ સ્ટેજ પર જાણે કોઈને કોરોનાની ગંભીરતા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

જુનાગઢ બાદ સી.આર. પાટીલ જેતપુર પહોંચ્યા હતા. જેતપુર કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની હાજરીમાં તેનું સન્માન કરવામાં આવ્યું હતું. અહીં પણ ભાજપના નેતાઓ વચ્ચે કોઈ સોશિયલ ડિસ્ટન્સ જોવા મળ્યું ન હતું.

જેતપુર બાદ લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિર ખાતે તેઓ પહોંચ્યા હતા. અહીં ખોડિયાર માતાજી સમક્ષ શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા. ખોડલધામ આવ્યા ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોરોનાની મહામારી હોવા છતાં ખોડલધામમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા કર્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ સી.આર. પાટીલ અને ભાજપના નેતાઓએ મંદિર પરિસરમાં ફોટોસેશન કરાવ્યું હતું.

ખોડલધામમાં જ સી.આર. પાટીલની 110 કિલો ચાંદીથી રજતુલા યોજાઈ હતી. રજતતુલા કાર્યક્રમમાં પણ સી.આર. પાટીલ અને નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા અને અહીં સી.આર. પાટીલ પણ માસ્ક પહેર્યા વગર જોવા મળ્યા હતા.

ખોડલધામ બાદ સી.આર. પાટીલ ગોંડલ પહોંચ્યા હતા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપના નેતાઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ ટોળે વળ્યા હોય તેમ સી.આર. પાટીલના સ્વાગતમાં વ્યસ્ત બન્યા હતા.

ગોંડલ બાદ સી.આર. પાટીલ રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટની ગોંડલ ચોકડી ખાતે ભાજપ દ્વારા શાહી સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાગત માટે ખાસ નાસિકથી ઢોલ મગાવ્યા હતા અને જેવું આગમન થયું કે આતશબાજી સાથે ભાજપના નેતાઓનો મેળાવડો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન સૌથી વધુ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અહીં જોવા મળ્યો હતો. 200થી વધુ બાઈક અને 500 જેટલી કારો સાથે રેલી નીકળી હતી. અહીં પણ સી.આર. પાટીલને ઓપન જીપમાં બેસાડવામાં આવ્યા હતા. એક જીપમાં પાટીલ સહિત 10 જેટલા નેતાઓ જોવા મળ્યા હતા. સામાન્ય લોકો દંડ ભરે અને ભાજપના નેતાઓ ખુલ્લેઆમ ફરી શકે છે તેવી ચર્ચા લોકોમાં થઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો