આવી રીતે તમે પણ ઘરે કૂંડામાં જ ઉગાડી શકો છો કોથમીર, જાણી લો આ સરળ રીત

મોટા ભાગના ગુજરાતી ઘરોમાં કોથમીર બારેમાસ રસોઈમાં વપરાય છે. દાળ-શાક કોથમીર વિના અધૂરા છે. વળી કોથમીરની ચટણી ખાવાની પણ મજા પડે છે. જો ઘરમાં કોથમીરનો વધારે વપરાશ હોય તો તમે તે ઘરના કૂંડામાં પણ ઉગાડી શકો છો.

ઉનાળામાં કોથમીર ગમે તેટલી મોંઘી હોય તમારે ચિંતા કરવાની જરૂર નથી આવી રીતે ઘરે જ રોજે રોજની કોથમીર મળશે તાજી….

કોથમીર ઘરે ઉગાડવાના ફાયદાઃ

કોથમીર કૂંડામાં ઉગાડવી સાવ ઈઝી છે. બીજુ, તે ખૂબ જ જલ્દી ઉગી જાય છે અને તમે તેને કાપતા રહેશો અને તે વધતી રહેશે. આથી કોથમીર ઉગાડશો તો તમને કોથમીરનો અનલિમિટેડ સપ્લાય મળી રહેશે.

કેવી રીતે ઉગાડશો?

કોથમીર ઉગાડવા માટે થોડી મોટી સાઈઝનું કૂંડુ પસંદ કરો જેનાથી તમને ઘણી વધારે કોથમીર મળી રહે. કોથમીર ધાણામાંથી ઉગે છે. આથી ધાણા લઈને તેને બે હથેળી વચ્ચે હળવા હાથે મસળી નાંખો. આમ કરવાથી ધાણાની બે ફાડ થઈ જશે. ધ્યાન રાખો, ધાણાનો ભૂકો થાય તે હદે તેને મસળવાના નથી. આ છે તમારા કોથમીર ઉગાડવાના બીજ.

આટલુ ધ્યાન રાખોઃ

કોથમીર ઉગાડવી સાવ આસાન છે. બીજને કૂંડામાં ભભરાવી દેશો અને ખોબે ખોબે પાણી નાંખ્યા કરશો તો પણ અઠવાડિયામાં કોથમીર ઉગી નીકળશે. પરંતુ જો તમારા કૂંડામાં કોથમીર ન ઉગતી હોય તો બીજની ગુણવત્તા બરાબર ન હોવાની શક્યતા છે. આથી નવા ધાણા લાવીને કોથમીર ઉગાડવાની કોશિશ કરો. કૂંડામાં તમારી આંગળીથી ચોસલા પાડો. તેમાં કોથમીરના બીજ થાંટી દો અને તેને માટીથી કવર કરી દો. જો કૂંડુ નાનુ હોય તો બીજ છૂટા છૂટા વાવો. મોટા કૂંડામાં નજીક નજીક બીજ વાવશો તો ચાલશે. પાંચથી સાત દિવસમાં કોથમીર ઉગવાનું શરૂ થઈ જશે.

કેવા ધાણા ન લેવાઃ

રસોઈમાં વપરાતા ધાણા ઘણીવાર સૂકવેલા હોય છે. આવા ધાણામાંથી કોથમીર ઉગતી નથી. આથી પ્રોસેસ થયેલા ધાણાને બદલે સાદા ધાણા ખરીદો, તેનાથી કોથમીર ફટાફટ ઉગવા માંડશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો