સુરતની ખૂબ જ ફેમસ ‘ગ્રીન પાવભાજી’ બનાવવાની રીત અને સામગ્રી

મોટાભાગે તમે બધાંએ લાલ પાવભાજી જ ખાધી હશે, આજે અમે લાવ્ય છીએ સુરતની ફેમસ ગ્રીન પાવભાજીની ખાસ રેસિપિ. સુરતમાં શિયાળામાં ગ્રીન પાવભાજી લોકોની પહેલી પસંદ બની રહે છે. જેમને લાલ પાવભાજી ભાવતી હશે, તેમને આ ગ્રીન પાવભાજી પણ ચોક્કસથી ભાવશે. શિયાળામાં બધાં જ શાકભાજી સાથે લીલું લસણ, ડુંગળી, પાલક વગેરે પણ મળી રહે. નોંધી લો રેસિપિ અને તમે પણ કરો ટ્રાય.

સુરતની ફેમસ ગ્રીન પાવભાજી
સામગ્રી

ત્રણ બટાકાં
200 ગ્રામ ફ્લાવર
અડધો કપ લીલા વટાણા

એક ડુંગળી
ત્રણ લીલી ડુંગળી
ત્રણ લીલાં ટામેટાં

ગ્રીન પેસ્ટ માટે (અડધો કપ કોથમીર, અડધો કપ લીલું લસણ, એક ઈંચ આદુનો ટુકડો. 4-5 લીલાં મરચાં)
અડધી ઝૂડી પાલક
એક ટેબલસ્પૂન પાવભાજી મસાલો

સ્વાદ અનુસાર મીઠું
5-6 ટેબલસ્પૂન તેલ
પા ચમચી હિંગ

ફિંગર પાવ કે લાદી પાવ
સલાડ માટે ડુંગળી, કોથમીર અને કોબી (ઝીણી સમારી ઉપર મીઠું છાંટવું)
અડધું લીંબુ, બટર જરૂર મુજબ

બહું ખાધી લાલ પાવભાજી, નવિનતામાં ટ્રાય કરો સુરતની ખૂબજ ફેમસ ‘ગ્રીન પાવભાજી’

રીત

સૌપ્રથમ એક કૂકરમાં બટાકાને છોલીને સમારીને લો. ત્યારબાદ અંદર એક ડુંગળી સમારીને નાખો. ત્યારબાદ અંદર ફ્લાવરને સાફ કરીને નાખો અને સાથે વટાણા પણ નાખો. ત્યારબાદ અંદર બે કપ પાણી અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી ઢાંકણ બંધ કરી દો. ત્યારબાદ મિડિયમ આંચ પર ચાર સીટી વાગે ત્યાં સુધી બાફી લો. ત્યારબાદ પાણી એક બાઉલમાં અલગ લઈ લો. ત્યારબાદ બધાં વેજિટેબલ્સને મેશ કરી લો.

ત્યારબાદ મિક્સર જારમાં ગ્રીન પેસ્ટની સામગ્રી લઈ ક્રશ કરી લો. ત્યારબાદ અડધી ઝૂડી પાલકને સાફ કરી ધોઇને બે મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ પાલકને ઠંડા પાળીમાં બોળી ઠંડી કરી મિક્સર ઝારમાં પેસ્ટ બનાવી લો.

ત્યારબાદ એક જાડા તળિયાવાળી કઢાઇ ગરમ કરવા મૂકો. કઢાઇમાં તેલ એડ કરી ગરમ કરો તેલ ગરમ થઈ જાય એટલે અંદર લીલી ડુંગળીને ઝીણી સમારીને નાખવી. મિડિયમ આંચ પર એક મિનિટ સાંતળી અંદર ત્રણ કાચાં લીલાં ટામેટાંને ઝીણાં સમારીને નાખો. ત્યારબાદ અંદર ટામેટા પૂરતું મીઠું નાખી ચઢવો. ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાં. ટામેટાં સોફ્ટ થઈ જાય એટલે અંદર ગ્રીન પેસ્ટ એડ કરો. બધું જ બરાબર મિક્સ કરી 3-4 મિનિટ સાંતળો. આદુ બહું જલદી તળિયે ચોંટી જાય એટલે સતત હલાવતા રહેવું. તેલ છૂટું પડી જાય એટલે અંદર દોઢ ટેબલસ્પૂન જેટલો પાવભાજી મસાલો એડ કરવો અને ધીમી આંચ પર સાંતળવું ત્યારબાદ અંદર પાલકની પેસ્ટ એડ કરી મિક્સ કરી દો. ત્યારબાદ અંદર બાફેલાં શાક એડ કરી બધું જ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ બાફેલા શાકનું જે પાણી હતું તે જરૂર મુજબ એડ કરવું અને મિક્સ કરવું. સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને મિક્સ કરવું. ઢાંકીને તેલ છૂટું પડે ત્યાં સુધી ચઢવવું. વચ્ચે-વચ્ચે હલાવતા રહેવું. 6-7 મિનિટમાં તેલ છૂટું પડી તૈયાર થઈ જશે પાવભાજી.

ગરમા-ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી ફિંગર પાવ કે લાદી પાવ સાથે સલાડ સાથે સર્વ કરો. તમારી પસંદ મુજબ બટર પણ લઈ શકાય છે ઉપર.

આભાર: શીતલ કિચન

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!