ગુજરાતના આ ખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ ‘યુટ્યુબ’ ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી તેમજ મરચાની ખેતી કરી છ માસમાં રૂ. 25 હજારના ખર્ચ સામે અંદાજે રૂ. 5 થી 6 લાખ નફો રળશે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પરંપરાગત અને ચીલાચાલુ ખેતી પોષાતી ન હોવાથી મહેનત કરી આધુનિક ખેતી અપનાવી રહ્યા છે. જેમાં બાગાયતી સહિત શાકભાજીની વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી માતબર ઉત્પાદન મેળવી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના રાણપુરના યુવાન ખેડૂતે કઇક નવું કરી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ અંગે ખેડૂત કનવરજી રામસિંહજી ઠાકોરએ જણાવ્યું હતું કે, ‘મોબાઇલમાં ‘યુટ્યુબ’ ઉપર આધુનિક ખેતી જોઇ તેના ઉપરથી આઇડીયા મેળવી રહ્યો છું. જેમાં વેસ્ટ કાપડમાંથી ‘ગ્રીન હાઉસ’ જેવું ક્રોપ કવર તૈયાર કર્યું અને તેમાં ઉનાળાની શાકભાજી જેવી કે ચોળીની સપ્ટેમ્બર માસમાં એટલે કે શિયાળામાં તેમજ મરચાની ખેતી કરી છે.

જેમાં આ ક્રોપ કવરને લઇ ચોળી અને મરચાનું સારું એવું ઉત્પાદન મળી રહ્યું છે. જેમાં અત્યાર સુધીમાં દોઢ લાખ ઉપરાંતનો નફો મળી ગયો છે અને હજુ ત્રણ માસમાં સારું એવું ઉત્પાદન મળશે. જેથી રૂ. 5 થી 6 લાખ નફો મળશે. ઉનાળું પાકો જેવા કે દૂધી, કાળંગડા, ચોળી સહિતની શિયાળામાં ખેતી કરી બજારમાં કોઇ હરીફ ન હોવાથી ભાવ સારા મળે છે.’ આમ આ ખેડૂત છ માસમાં જ રૂ. 25 હજારના ખર્ચ સામે લાખોની કમાણી કરશે. જિલ્લાના ખેડૂતો ખેતી ક્ષેત્રે પ્રગતિ કરી જિલ્લાનું નામરોશન કરી રહ્યા છે.

ખેડૂતની ખેતી જોવા દૂરદૂરથી ખેડૂતો ઉમટી રહ્યા છે

કનવરજીએ વેસ્ટ કાપડમાંથી જે ગ્રીનહાઉસ જેવું ક્રોપ કવર બનાવ્યું છે અને સારું એવું ઉત્પાદન મેળવી રહ્યા છે. જેને લઇ આ ખેતી જોવા આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી રહ્યા છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો