રાજકોટથી ગ્રીન કોરિડોર દ્વારા બ્રેઈનડેડ યુવાનના હ્રદય, લીવર, કિડની અમદાવાદ પહોંચ્યા, 8 લોકોને મળશે નવુ જીવન

રાજકોટ શહેર આજે અનોખી અને ઐતિહાસિક ધટનાનું સાક્ષી બની ગયું છે. શહેરની બીટી સવાણી હોસ્પિટલમાંથી 15 વર્ષીય બ્રેઈનડેડ કિશોરનું હ્રદય વહેલી સવારે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં હવાઈ માર્ગ થકી લઈ જવામાં આવ્યું છે. માત્ર 6 મિનિટમાં કિશોરના હ્રદયને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવ્યું હતુ. આ માટે 60 જેટલા પોલીસ જવાનોને પણ ખડે પગે રાખવામાં આવ્યા હતા.

આ માટે હોસ્પિટલના સર્જન, ડૉક્ટર્સ, હોસ્પિટાલિટી અને મેડિકલ વાન દ્વારા બી.ટી. સવાણી હોસ્પિટલથી રાજકોટ એરપોર્ટ સુધી લઈ જવા માટે ખાસ ગ્રીન કોરિડોરની વ્યવસ્થા કરવામાં આવી હતી. હૃદય, બે કિડની, લિવર, સ્વાદુપિંડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરી આ યુવક 8 વ્યક્તિઓમાં જીવશે.

હોસ્પિટલમાં જય સાથે પિતા સાજણભાઇ અને જયની ફાઇલ તસવીર

પુત્રના બ્રેઈનડેડ જાહેર થતા પિતાએ ઓર્ગન ડોનેટ કરવાની ઈચ્છા વ્યક્ત કરી

પોરબંદરના નિવૃત્ત સૈન્ય જવાન સાજણ મોઢવાડિયાના પુત્ર જયને બાઈકની ઠોકર વાગતાં પટકાઈ જવાથી કોમામાં જતો રહ્યો હતો અને તેને બ્રેઈનડેડ જાહેર કરાયો હતો. 17મી જુનની સાંજે જય ટ્યુશન ક્લાસમાંથી ચાલીને પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો અને ઘર નજીક પહોંચ્યો હતો ત્યારે પાછળથી ધસી આવેલા બાઇકે તેને ઠોકરે લીધો હતો. જયને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના તમામ પ્રયાસો છતાં જયની તબીયતમાં સુધારો થતો નહોતો અને તા.19ના બપોરે તબીબોએ જયને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. બ્રેઇનડેડ જાહેર થતાં જ પિતા સાજણભાઇના વિચાર આવ્યો કે દેશ સેવાના સ્વપ્ન સેવતો પુત્ર જય તે જીવશે અન્ય વ્યક્તિને જીવાડશે. સાજણભાઇએ જયના ઓર્ગન ડોનેશનની ઇચ્છા વ્યક્ત કરી હતી. જયનું હ્રદય, 2 કીડની, લિવર, સ્વાદુપીન્ડ અને બે આંખને ટ્રાન્સપ્લાન્ટ કરી 8 વ્યક્તિને નવ જીવન આપવામાં આવશે.

સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા

અમદાવાદની સીમ્સ હોસ્પિટલથી ડો.વિરેન શાહ સહિતની ટીમ એર એમ્બ્યુલન્સ સાથે રાજકોટ આવી પહોંચી હતી. કીડની માટે અમદાવાદના ડો. પ્રાંજલ મોદીની ટીમ પણ આવી હતી અને રાત્રે 2 વાગ્યે જયના ઓર્ગન કાઢવાની શસ્ત્રક્રિયા શરૂ થઇ. ઓર્ગન કાઢ્યા બાદ સવારે પાંચ વાગ્યે હ્રદય સહિતના ઓર્ગન લઇને નીકળનારી એમ્બ્યુલન્સ માટે સવાણી હોસ્પિટલથી એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોરની વ્યવસ્થા સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સૈન્યમાં અધિકારી બનવાનું સ્વપ્ન જોતા જયે તાજેતરમાં જ ફાધર્સ ડેની ઉજવણી કરી હતી…

તસવીર સૌજન્ય – પ્રકાશ રાવરાણી રાજકોટ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો