પટેલ બિઝનેસમેને ₹.400થી શરૂ કરેલા ધંધાને પહોંચાડ્યો 8 હજાર કરોડે

શૂન્યમાંથી સર્જન કરવું આ સ્પર્ધાત્મક યુગમાં સામા પાણીએ તરવા જેવું છે. તેમાંય વળી પરિવારનું એક પણ સભ્ય ન હોય તેવા ફિલ્મમાં મોખારાના સ્થાને પહોંચવું એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પરંતુ કોઠાસૂઝ, ઘગશ અને મુલ્યોના જોરે હીરાના ચળકાટમાં જાતને ઘસીને આકાશને આંબતી ઉંચાઈએ એસઆરકે ડાયમંડ કંપની પહોંચી છે. જેથી કંપનીમાં દરેક જગ્યાએ ગોવિંદભાઈ ધોળકીયાએ અનુભવનો નીચોડ જોવા મળે છે. માત્ર સાત ધોરણ ભણેલા પણ અનુભવના આસામી એવા ગોવિંદભાઈએ માત્ર 400 રૂપિયાથી ધંધાની શરૂઆત કરી આજે 8 હજાર કરોડનું ટર્ન ઓવર ધરાવતી કંપનીનું સામ્રાજ્ય ઉભું કર્યું છે.
સૌરાષ્ટ્રમાંથી નાની ઉંમરે આવ્યાં સુરત

સંત-શૂરાની ભૂમિ તરિકે ઓળખાતા સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી પાસે આવેલા દૂધાળા ગામે ધોળકીયા પરિવારના સંતોકબા અને લાલજીભાઈ ધોળકીયાના ઘરે ગોવિંદભાઈનો જન્મ 7-11-1947ના રોજ થયો હતો. પ્રાથમિક શિક્ષણમાં ધોરણ-7 સુધીનો અભ્યાસ કરી ગોવિંદભાઈએ નાની ઉંમરે હીરાનું કામકાજ શીખવા માટે સુરત આવી ગયા હતાં. સુરતમાં 52 વર્ષથી હીરા સાથે સંકળાયેલા ગોવિંદભાઈને આજે સૌ કોઈ માટે ગોવિંદકાકા તરિકે ઓળખે છે.

કોઠાસુઝથી હીરા ધંધામાં સફળતાના શિખરે પહોંચ્યા ગોવિંદભાઈ ધોળકીયા
કોઠાસુઝથી હીરા ધંધામાં સફળતાના શિખરે પહોંચ્યા ગોવિંદભાઈ ધોળકીયા

પહેલા સોદાથી જાળવી નીતિમત્તા

ગોવિંદભાઈએ પહેલા સોદા વિષે જણાવ્યું હતું કે, તે વખતે ખીસ્સામાં 400 રૂપિયા હતા અને 920 રૂપિયાના હીરા ખરીદયા. બાકીના રૂપિયા ઉછીના લઈને પહેલો માલ ખરીદયો. બાદમાં એ વેચવા માટે કાળી ધાર કરી હીરાને ચમકાવવામાં કેરેટ દીઠ બસ્સો રૂપિયા વધારે મળતાં હતાં. પરંતુ એ કર્યુ નહીં. અને વેપારીને સાચુ જણાવ્યું કે, આ હીરામાં કાળી ધાર કરી છે. ત્યારથી લઈને અત્યાર સુધી અનીતિનો રસ્તો અપનાવ્યો નથી.

સૌરાષ્ટ્રમાંથી નાની ઉંમરે આવ્યાં સુરત
સૌરાષ્ટ્રમાંથી નાની ઉંમરે આવ્યાં સુરત

સફળતાના સુત્રો

હીરા ઉદ્યોગની અપાર સફળતા વિષે ગોવિંદ ધોળકિયા કહ્યું કે, એક સાચી વાત કહું તો મને મેનેજમેન્ટ કરતાં જ નથી આવડતું. પણ આ સિધ્ધાંતો હોય શકે. કર ભલા તો હો ભલા. સંપતિ અને સંતતિ પ્રારબ્ધ અનુસાર મળે છે. તેના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. સત્યને કોઈ સાક્ષીની જરૂર નથી. જેને ભાઈમાં ભગવાન નથી દેખાતા તે દેશની કે દેવની સેવા ન કરી શકે. દુનિયાને બદલવા કરતાં જાતને બદલો.દરેકને માન આપો નાનામાં નાની વ્યક્તિને પણ પુરતું માન આપશો તો એ ક્યારેય તમારું અહિતનું નહીં વિચારે.

આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથીંગ કંપનીનું સુત્ર
આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથીંગ કંપનીનું સુત્ર

આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથીંગ

એસઆરકે કંપનીના ગેટથી લઈને વિવિધ જગ્યાએ આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનિથિંગ લખેલું સુત્ર જોવા મળે છે. આ સુત્ર વિષે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ સુત્ર હ્રદયમાંથી નીકળ્યું હતું. લોકોને તક મળતી નથી. જેથી જેમને તક મળી છે એમને છકી ન જવું કારણ કે તેની નીચે કામ કરનારા લોકો તેના કરતાં વધારે હોંશિયાર હોય છે. અને બધાને બધી ખબર હોતી નથી. પરંતુ એક હજાર દિવસની ટ્રેનિંગ લેવાથી કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. માટે આપણે કંઈ નથી પરંતુ પ્રયત્ન અને સાતત્યતાથી કામ કરતાં આપણે પણ અશક્યને શક્યમાં પરિવર્તીત કરી શકીએ છીએ. અને આ સુત્ર આપણને મોટાઈથી પણ બચાવે છે અને જમીન સાથે જોડી રાખતું હોવાનું ગોવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું.

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવોઃ ગોવિંદભાઈ
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવોઃ ગોવિંદભાઈ

સેવાકીય કાર્યોનો વહાવે છે ધોધ

ગોવિંદભાઈ ધોળકીયા દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. દિવસની શરૂઆતમાં જ તેઓ ગોધાણી સ્કૂલમાં જરૂરીયાતમંદ લોકોની સેવા કરવાની સાથે કરે છે. તો જંગલમાં દુર્ગમ ગણાતા સ્થળો પર પણ તેઓ છાસવારે પહોંચીને આદિવાસીઓને કપડાથી લઈને ભોજન, મેડિકલ કેમ્પના આયોજન કરતાં રહે છે. વળી, આદિવાસી વિસ્તારમાં પૂજાના સ્થળ ગણાતા મંદિરો બનાવવામાં પણ મોખરે છે તો મોટી દુર્ઘટનાઓમાં પણ તેઓ હંમેશા આગળ રહે છે. કચ્છના ભૂકંપ વખતે બે ગામ બનાવી આપ્યાં હતાં. શિક્ષણ, સ્વાસ્થ્ય સહિતના સામાજિક સેવાકીય કાર્યોમાં તેઓ હંમેશા મોખરે રહે છે.

ગોવિંદભાઈ સેવાકીય કાર્યોનો વહાવે છે ધોધ
ગોવિંદભાઈ સેવાકીય કાર્યોનો વહાવે છે ધોધ

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો

ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવો. ગમતું કામ કરો.જેમાં થાક ન લાગે અને મજા આવે તેવા કામ કરો. અને ન આવડે તો એક હજાર દિવસની ટ્રેનિંગ લો. દરેક કામ આસાન થઈ જશે. આજે નોકરો મળે છે. માણસો ન મળતા હોવાની દરેક જગ્યાએ ફરિયાદ રહે છે. માટે માણસ બનો. આવડત હશે લાયકાત કેવળી હશે તો લોકો સામેથી તમારી પાસે આવશે.

દુર્ઘટનાઓમાં પણ તેઓ હંમેશા આગળ રહે છે
દુર્ઘટનાઓમાં પણ તેઓ હંમેશા આગળ રહે છે

દરેકને માન આપો

માનપાન અંગે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, ડોંગરેજી મહારાજની કથામાં તેમણે એકવાર કહ્યું હતું કે, તમારે જે જોઈએ તે આપો એટલે એ તમને ફરી મળે. તમે કોઈને તમાચો મારો તો તમાચો જ મળે. અને માન આપો તો માન મળે. આ પ્રયોગ મેં શરૂઆતમાં કર્યો ત્યારે બધાને માનથી જ બોલાવતો હતો. શરૂઆતમાં લોકોને અજુગતું લાગતું કે ગોવિંદ શું કરે છે. ઘણા મશ્કરી પણ કરતાં. પરંતુ ધીમે ધીમે લોકો પણ મને માન આપવા લાગ્યાં. હું બધાને તમે કહેતો હતો જેના કારણે હું સફળ થયો છું. 45 વર્ષમાં મારું કોઈએ અપમાન નથી કર્યુ.

ડોંગરેજી મહારાજમાં અપાર શ્રધ્ધા
ડોંગરેજી મહારાજમાં અપાર શ્રધ્ધા

દરેક પ્રશ્નોનું સમાધાન કે જવાબ હોય છે

આજના ઝડપી જમાનામાં દરેક વ્યક્તિને સફળતા સારું પરિણામ જોઈએ છે. અને તેમાંથી પ્રશ્નો કે ટેન્શન ઉભું થતું હોય છે. ત્યારે આ અંગે ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, નાની નાની બાબતોમાં યુવકો આત્મહત્યા સુધી પહોંચે છે. પરંતુ હકીકતમાં પ્રશ્ન એટલો ગંભીર હોતો નથી. જેથી આ અંગે તેમણે કહ્યું કે, હતાશા વખતે એક લીસ્ટ બનાવવું જોઈએ. જેટલા પ્રશ્નો હોય તેનું એક લીસ્ટ બનાવી કાગળમાં નોંધી લો. પછી તેનું સમાધાન જુઓ ન મળે તો ભગવતગીતા કે સારા પુસ્તકો કે લોકો સાથે ચર્ચા કરો. લગભગ સમાધાન કે જવાબ મળી જ રહેતા હોય છે.

દરેક પ્રશ્નોનું સમાધાન કે જવાબ હોય છેઃ ગોવિંદભાઈ

સુખ દુઃખ વિષે આપ્યું પોતાની આંગળીનું ઉદાહરણ

જીવનના સુખદુઃખ અંગે ગોવિંદભાઈએ કહ્યું કે આપણે તેને કેવી રીતે જોઈએ છીએ તેના પર આધાર છે. ક્યારેક દુઃખમાં પણ સુખ સમાયેલું હોય છે એમ કહેતાં તેમણે પોતાના બાળપણનું ઉદાહરણ આપતાં કહ્યું કે, પાંચ વર્ષની ઉંમરે ખેતીકામ કરતી વખતે સવારે છ વાગ્યે દેશી લાકડાના વ્હિલવાળી ગાળીના લોખંડના પાટા નીચે તેની આંગળી આવી જતાં પાપડ થઈ ગઈ હતી. સવારે છ વાગ્યાથી શરૂ થયેલી પીડા સાંજે સાત વાગ્યા સુધીમાં પારાવાર રીતે પીડાતા રહ્યાં. સાંજે બહારગામ ગયેલા બાપુજી આવ્યા અને આંગળી જોઈ બીજા દિવસે દવાખાને લઈ જવાનું કહ્યું, દૂધાળાથી લાઠી બીજા દિવસે લઈ ગયા અને દવાખાને પાટા પટ્ટી કરાવી અને રિટર્નમાં પેંડા લઈ આપ્યાં. મારા માટે આ ક્ષણ આંગળીની પીડા કરતાં પેંડા ખાવાની ખુશી વધારે હતી. એટલે સુખ દુઃખમાં ક્યારેય પણ ન છલકાવાનો બોધપાઠ આ ઘટના પરથી આપ્યો હતો.

માત્ર અક્ષરજ્ઞાન નહીં અનુભવી બનોઃ ગોવિંદભાઈ
માત્ર અક્ષરજ્ઞાન નહીં અનુભવી બનોઃ ગોવિંદભાઈ

માત્ર અક્ષરજ્ઞાન નહીં અનુભવી બનો

યુવાનોને સંદેશ આપતાં ગોવિંદભાઈએ કહ્યું હતું કે‘દરેકને એક પ્રશ્ન હોય છે કે, મારું જ્ઞાન ક્યાં કામ લાગશે? અક્ષરજ્ઞાન આ દુનિયામાં ક્યાંય કામ નથી લાગતું.પણ એ   કારની લાઈટ જેવું છે. કારમાં દિવસે લાઇટની જરૂર નથી પડતી પણ અંધારામાં કે રાત્રે લાઇટ વિના કામ નથી ચાલતું.  જ્યારે તમારે દુર્ગમ પરિસ્થિતી કામ કરવાનું આવે ત્યારે તમારું આ અક્ષરજ્ઞાન કામે લાગે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો