પિતા કરે છે ફેક્ટરીમાં મજૂરી, નોકરી કરતા કરતા યુવાને કર્યું CA પાસ

ગોંડલ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પટેલ પરિવારના યુવાને નોકરી કરતા કરતા સી.એ. પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરિવારની આર્થિક પરસ્થિતિ નબળી હોવાને કારણે પિતા ફેક્ટરીમાં મજૂરી કામ કરી રહ્યા છે અને માતા ઘરકામ કરે છે.

15 હજારમાં નોકરી કરી સાથોસાથ સીએ પાસ કર્યું

ગોંડલના પટેલ યુવાન મોહિત સવજીભાઈ કચ્છીની આર્થિક પરિસ્થિતિ ખાસી નબળી હતી. પરંતુ ફેક્ટરીમાં મજૂરી કામ કરતા પિતા અને ઘરકામ કરતા માતાની ઇચ્છા એવી હતી કે પુત્ર તેની ઇચ્છા મુજબનો અભ્યાસ કરે અને મોહિતે તેમ કરી પણ બતાવ્યું. પ્રાથમિક અભ્યાસ ગોંડલમાં પૂર્ણ કરી મુંબઇ જેવા મેટ્રો સિટીમાં માત્ર 15 હજારમાં નોકરી કરી સાથોસાથ સીએની ત્રણ વર્ષની આર્ટીકલશિપ કરી હતી. તાજેતરમાં જ ઓડિટ ફાયનાન્સ મેનેજમેન્ટ, કોસ્ટિંગ તેમજ ઇનડાયરેક્ટ ટેક્સીસ વિષયોમાં એક્ઝેમ્પશન સાથે સીએ પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે.

મોહિતને બનવું છે સીએસએ

કઠિન પરિશ્રમ સાથે સી.એ. બનનાર મોહિતને આગામી દિવસોમાં સીએસએ એટલે કે સર્ટિફાઇડ ફાયનાન્સિયલ એનાલિસિસ બનવું છે, મોહિતના સીએ બનવાના સ્વપ્નમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા, પુસ્તક લેવામાં પણ પૈસા ઘટતા હોય તેમાં ક્લાસીસ ક્યાંથી જોઈન્ટ કરી શકાય, પિતાની નોકરી છૂટી ત્યારે તો કપરી પરિસ્થિતિ સર્જાઇ હતી પરંતુ ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા રાખી અભ્યાસ ચાલુ જ રાખ્યો. પરીક્ષા સમયે એકાદ માસની રજા લઇ ગોંડલ આવી જતો અને રાત દિવસ અભિનવ પુસ્તકાલયમાં બેસીને અભ્યાસ કરતો હતો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો