ફૂટપાથ પર બાળપણ વીત્યું તે ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા પ્રોફેસર શ્રમજીવી પરિવારના 20 બાળકોને ભણાવે છે

આણંદ શહેરના મોટી ખોડિયાર ખાતે રહેતા અને ગોલ્ડમેડાલિસ્ટ મહિલા પ્રોફેસર છેલ્લાં 3 મહિનાથી સતત એક પણ દિવસની રજા રાખ્યા વિના સરદાર પટેલ રાજમાર્ગ પર રહેતા અંદાજિત 15થી 20 શ્રમજીવી બાળકોને જ્ઞાન પીરસી રહ્યા છે. માત્ર જ્ઞાન જ નહીં, પણ વ્યક્તિત્ત્વ વિકાસના પાઠ પણ તેમની ફૂટપાથ પર ચાલતી શાળામાં શીખવાડાય છે.

વિદ્યાનગરની એક જાણીતી કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડૉ. ઉમાબેન શર્માએ પોતાના સંઘર્ષની વાત કરતા જણાવ્યું કે, મારું બાળપણ અમદાવાદની ફૂટપાથ પર વીત્યું હતું. માતા-પિતા અભણ હતા. પિતા ગેરેજ ચલાવતા હતા. થોડી બચતમાંથી તેઓએ મને ભણાવી હતી. અગવડતા વચ્ચે પણ મેં મારું ભણવાનું છોડ્યું નહીં, અને બી.એ.માં મે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ પછી મે એમ.એ, પીએચડી કર્યું. દરમિયાન, લગ્ન થતાં આણંદ આવી ગઈ હતી. થોડાં સમય અગાઉ હું વોક પર જતી ત્યારે સરદાર પટેલ રાજમાર્ગ પરના ફૂટપાથ પર રહેતા બાળકોને જોઈને મારું બાળપણ મને યાદ આવી ગયું.

હાલ, હું ડૉક્ટર છું, પરંતુ જો મને થોડું ગાઈડન્સ મળ્યું હોત, થોડાં પૈસા હોત તો હું ચોક્કસ મેડિકલ ક્ષેત્રની ડૉક્ટર બની હોત. જોકે, મારી સાથે જે બન્યું તે બાળકો સાથે ન બને તેને ધ્યાનમાં રાખીને મે છેલ્લા 3 મહિનાથી અહીં વસવાટ કરતા શ્રમજીવી પરિવારના બાળકોને કક્કા-બારખડીની સાથે-સાથે અંગ્રેજી મૂળાક્ષરો શીખવાડવાનું શરૂ કર્યું છે. બાળકોનો ઉત્સાહ એટલો છે કે મેં તેમને 5 વાગ્યાનો સમય આપ્યો છે અને તેઓ એ પહેલાં આવીને મારા આવવાની રાહ જુએ છે. નોંધનીય છે કે, બાળકોને અપશબ્દ નહીં બોલવા, સાથે-સાથે તેમના પહેરવેશ અને સ્વચ્છતાના પાઠ પણ તેઓ ફૂટપાથ પરની સ્કૂલમાં ભણાવી સમાજને એક શ્રૈષ્ઠ ઉદાહરણ આપી રહ્યા છે.

બાળકોએ ડૉક્ટર અને પોલીસ બનવાની ઈચ્છા વ્યક્ત કરી

ડૉ. ઉમાબેન શર્માએ એક વખત તમામ બાળકોને મોટા થઈને શું બનવું છે તેમ પૂછ્યું હતું. જેમાં બાળકોએ ડૉક્ટર અને પોલીસ બનવાની ખેવના વ્યક્ત કરી હતી. જોકે, ઉમાબેને જણાવ્યું કે, બાળકોનું સ્તર સુધારવાની ખાસ જરૂર છે. તેઓ ભણવા નજીકની શાળામાં જાય છે, પરંતુ તેમનો પાયો ખૂબ કાચો છે. હાલમાં તેઓ દરરોજ સાંજે 5થી 7 વાગ્યા સુધી ભણાવે છે. તેમની વ્યસ્ત જિંદગીમાંથી પણ દોઢ કલાકનો સમય રોજ કાઢીને સમાજ પ્રત્યેનું પોતાનું ઋણ અદા કરી રહ્યા છે.

આવા ઉમદા કાર્યને લાઈક અને શેર કરીને વધાવજો..

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો