GMDC ખાતે ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં ‘શ્વાસ લેવામાં તકલીફ છતાં કાલે આવજો કહી મોકલી દીધાં’, લાચારીનાં દ્રશ્યો સર્જાયાં

જીએમડીસી ખાતે ડીઆરડીઓની ધન્વંતરિ હોસ્પિટલ બહાર કોવિડ દર્દીને દાખલ કરવાના પાસ લેવા માટે સવારે ૫ વાગ્યાથી શરૂ થયેલી લાઇનમાં ૧૦૦થી વધુ લોકો એકત્ર થયા હતા. સવારે ૮ વાગ્યાથી પાસ આપવાના શરૂ કર્યાના ૨૦ મિનિટમાં ૧૨૫ લોકોને પાસ આપ્યા બાદ કાઉન્ટર બંધ કરી દીધા હતા. સત્તધીશો એટલા બેરહમ જોવા મળ્યા કે ગંભીર હાલતમાં ૧૦૮ કે ખાનગી વાહનમાં આવતા દર્દીને પણ દાખલ કરવાનો સ્પષ્ટ નનૈયો ભણી દેતા હતા. તંત્રના જડતાભર્યા નિર્ણયને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોવિડ દર્દીને બચાવવા માટે હવાતિયાં મારતા લોકોની લાચારીના દૃશ્યો જાહેર રોડ પર સર્જાયાં હતાં. ધન્વંતરિમાં દાખલ થતાં દર્દીનો ફોન જમા લઈ તેઓનો સ્વજનથી સંપર્ક બંધ કરી દેવાય છે. દાખલ દર્દીને કોઈ વસ્તુ પહોંચાડવા કે વાત કરવા માટે કાઉન્ટર ઊભું કર્યું પણ ત્યાં કર્મચારી હાજર જ નથી.

હાઈકોર્ટે હુકમ કરી દર્દી કોઈ પણ રીતે હોસ્પિટલ પહોંચે તો તેણે સારવાર આપો તેમ જણાવ્યું પણ ડીઆરડીઓની ધન્વંતરિ હોસ્પિટલમાં હાઇકોર્ટના હુકમથી કઈક વિપરીત જ પ્રક્રિયા ચાલી રહી હતી. હોસ્પિટલના શાસકોએ દર્દીને દાખલ કરવા માટે પાસ સિસ્ટમનો નિયમ લાગુ કર્યો હતો, જેના કારણે સવારે ૫ વાગ્યે ૧૦૦થી વધુ લોકોની લાઈનો લાગી હતી. સવારે ૮ વાગ્યે પાસ આપવાનું શરૂ થયું અને ૨૦ મિનિટમાં પાસ ખલાસ થયા હતા. ૧૨૫ લોકોને પાસ આપ્યા તેઓને દર્દીને લઇને આવવા માટે અલગ અલગ સમય અપાયો હતો. દર્દીને દાખલ કરવા પાસ આપવાના તંત્રના મુર્ખામીભર્યા નિર્ણયથી કોરોના સક્રમણની ચેઇન તૂટશે કે વધુ ઘાતક બનશે તેવી ચર્ચા લોકોમાં હતી.

ધન્વંતરિ હોસ્પિટલમાં કોવિડ દર્દી દાખલ થાય ત્યારે તેનો ફેન જમા લઈ લેવાનો અને દર્દીને રજા મળે ત્યારે ફેન પરત આપવાનો નિયમ બનાવ્યો છે. જેથી દર્દીનો સગા સાથે કોઈ સંપર્ક નારહે અને તે પોતાની સ્થિતિ અંગે કોઈને વાતના કરી શકે. આ ઉપરાંત દાખલ દર્દીને કોઈ વસ્તુ મોકલવા તેમજ તેની ખબર જાણવા માટે કાઉન્ટર ઊભું કર્યું પણ આ કાઉન્ટરમાં કોઈ કર્મચારી હાજર નથી.

હોસ્પિટલની બહાર ખાનગી વાહનો કે ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં ગંભીર સ્થિતિમાં રહેલા દર્દીઓને એડમિશન આપવાની વાત તો દૂર પણ પ્રાથમિક સારવાર આપવાનો માનવતાનો ધર્મ બેરહમ શાસકો ચુક્યા હતા. લાચાર સ્વજનો દર્દીઓને બચાવવા રીતસર હવાતિયાં મારતા રહ્યા પણ કોઈ તેમની પડખે આવતું ન હતું. દર્દીના સગાઓ બેરિકેડ ગોઠવી બંદોબસ્તમાં હાજર પોલીસ સાથે ઝપાઝપી અને ઘર્ષણ કરતા હતા.

ટોકન ન હોવાથી પતિની સારવાર કરવાની ચોખ્ખી ના પાડી : ગીતાબહેન  

મારા પતિ જશવંતભાઈને દસ દિવસ પહેલા કોરોના પોઝિટિવ આવ્યો હતો. બુધવાર સાંજથી તેમની તબિયત લથડતા ગુરુવારે સવારે એલજી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ઓક્સિજન લેવલ ૪૦થી ૫૦ વચ્ચે રહેતું હતું. અમે મારા પતિને દાખલ કરવા માટે તબીબોને આજીજી કરી, પરંતુ બેડ ખાલી ન હોવાથી અમને ધન્વંતરિ હોસ્પિટલ ખાતે મોકલ્યા હતા. અહીંયા પણ ટોકન સિસ્ટમ હોવાથી દાખલ કરવાની ના પાડે છે હેલ્પ ડેસ્ક પર પણ કોઈ જવાબ આપતું નથી અને ટોકન લાવો પછી જ એડમિટ કરીશું તેવુ હોસ્પિટલનો સ્ટાફ કહે છે.

‘શ્વાસ લેવામાં તકલીફ છતાં કાલે આવજો કહી મોકલી દીધાં’

કલોલના ભગીબેન મારવાડીએ પોતાનો ખરાબ અનુભવ વર્ણવતા કહ્યું કે, મને છેલ્લા ૨૦ દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતાં આજે સોલા સિવિલમાં બતાવવા માટે ગયા હતા, જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોલા સિવિલમાં જગ્યા નથી તેમ કહીને મને ધન્વંતરિ હોસ્પિટલ મોકલી, પરંતુ અહીંયા કોઈ મારી રજૂઆત સાંભળતું નથી. હેલ્પડેસ્કમાં વાત કરી અને HRTC રિપોર્ટ બતાવ્યો અને તેમને શ્વાસ નથી લઈ શકતી તેમ પણ કહ્યું હતું. હું દાખલ થવા માટે કરગરી પણ તેમણે તોછડાઈથી કાલે ટોકન લઈને આવજો તેમ કહી પાછી મોકલી દીધી હતી. હાલમાં મને શ્વાસ લેવામાં અને ઊભા રહેવામાં તકલીફ પડતી હોવાથી અહીંયા સૂઈ ગઈ છું

અધિકારીઓ-તબીબો સામે કરગરીને કંટાળી ગયા, સરકારે  પણ દર્દીઓને મરવા માટે રસ્તા પર મૂકી દીધા : અભિ પટેલ 

ચાર દિવસથી પપ્પાને શ્વાસમાં તકલીફ પડતા ઘરે ઓક્સિજન પર રાખ્યા છે. ૧૦૮માં ફેન કર્યો તો સોરી  ૨૪ કલાકનું વેઇટિંગ ચાલે છે તેવો જવાબ આપીને ફેન કટ કરી દીધો છે. સરકારે જાહેરાત કરી ધન્વંતરિ હોસ્પિટલની, પરંતુ અહીંયા ટોકન સિસ્ટમ રાખતા તે દર્દીની સ્થિતિ ગંભીર છે તેવા દર્દીઓને ટોકન મળતી નથી. હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર મળતી નથી સરકાર દર્દીઓને મરવા માટે રસ્તા પર મૂકી દીધા. કેમ કે, હોસ્પિટલોમાં જઈને અધિકારીઓ અને તબીબો સામે કરગરીને હવે અમે કંટાળી ગયા છીએ.

હોસ્પિટલ બહાર દર્દીને બચાવવા હવાતિયાં મારતા લાચારીનાં દૃશ્યો સર્જાયાં

ધન્વન્તરિ હોસ્પિટલની બહાર દર્દીઓને એડમિશન આપવાની તો વાત દૂર રહી પણ પ્રાથમિક સારવાર આપવાનો માનવધર્મ પણ નિભાવવામાં આવ્યો ન હતો. દર્દીઓ અને સ્વજનો સારવાર માટે રીતસરના હવાતિયાં મારતા હોવાના કરુણ દૃશ્યો જોવા મળ્યાં હતાં.

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં દાખલ થવા માટે દર્દીઓને ૩ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે  

હોસ્પિટલમાં દાખલ થવા માટે પહેલા લાઈનમાં ઊભા રહીને ટોકન લેવાની રહેશે. ટોકનમાં દર્શાવેલા સમયે એડમિટ થવા આવવાનું. હોસ્પિટલમાં એડમિટ થવા માટે રજિસ્ટ્રેશન રૂમ ખાતે દર્દીના સગાંએ ફેર્મ ભરવાનું રહેશે. બાદમાં તબીબ દર્દીની ચકાસણી કર્યા બાદ હોસ્પિટલમાં દર્દીને ક્યાં વોર્ડમાં એડમિટ કરવો તે અંગે નિર્ણય લેશે.

હોસ્પિટલ શરૂ થયાને હજુ બે જ દિવસ થયા છે ત્યાં ડેડબોડી નીકળવાના શરૂ થઈ ગયા

ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટર ખાતેની કોવિડ હોસ્પિટલ એક તો માંડ માંડ શરૂ થઈ, તેમાં ય ૯૦૦ની ક્ષમતા સામે માંડ ૨૦૦ જેટલા દર્દીઓ દાખલ થયા છે ત્યાં જ અહીં કોરોનાના કારણે મૃત્યુના કિસ્સા શરૂ થઈ ગયા છે. બુધવારે મોડી રાત્રે અહીં ત્રણ જેટલી ડેડબોડી વાન જોવા મળી હતી.

પોલ ન ખૂલી જાય એટલે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓના મોબાઇલ જપ્ત કરી લે છે

ધન્વંતરિ કોવિડ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ અને દર્દીઓને પૂરતી સુવિધા મળતી નથી તે અંગે અવાર નવાર વિગતો બહાર આવી છે. આ સમગ્ર કાંડનો અંદર એડમિટ દર્દી હોસ્પિટલની કોઈ પોલના ખોલે તે માટે મોબાઈલ લઈ જવા દેવામાં આવતા નથી. એક દર્દીના સગાંએ જણાવ્યું કે, મોબાઈલ દર્દી લઈ જાય તો અંદર હોસ્પિટલના સ્ટાફ્ના માણસો મોબાઈલ જપ્ત કરી દેતા હોય છે જ્યારે ફેન આવે તે મોબાઈલ તેને આપીને વાત કરાવી દેવામાં આવે છે. ફેન પૂરો થાય એટલે તરત જ લઈ લેવામાં આવે છે, જેથી અંદરથી કોઈ દર્દી હોસ્પિટલનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાઇરલ ન કરે તે માટે આ પ્રકારનો કીમિયો અજમાવ્યો છે. જેને પગલે દર્દીઓના સ્વજનોમાં રોષ જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો