સુરતના ફાર્મ હાઉસમાંથી ડુપ્લિકેટ રેમડેસિવિરની ફેક્ટરી ઝડપાઇ: ગ્લૂકોઝ અને પાણીથી બનતા રેમડિસિવિરનો પર્દાફાશ, પાંચ હજાર ઈન્જેક્શન વેચ્યાનો ખુલાસો

સુરતના ઓલપાડના પિંજરત ખાતે ફાર્મહાઉસ ભાડે રાખી નકલી રેમડેસિવિર ઈન્જેકશનની ફેકટરી ચલાવતા બેની પોલીસે ધરપકડ કરી છે. રાજયવ્યાપી ચાલી રહેલા આ કૌભાંડમાં મોરબી પોલીસે અગાઉ બે આરોપીને પકડયા હતા. જેમની પૂછપરછમાં અમદાવાદના સાળા-બનેવીએ તેમને ઈન્જેકશન સપ્લાય કર્યા હોવાનું ખૂલ્યું હતુ. જેના આધારે પોલીસે જુહાપુરાના સાળા-બનેવીની ધરપકડ કરી પૂછપરછ કરી હતી જેમાં સુરતના કૌશલ વોરા અને પુનિત જૈનનું નામ ખૂલતા મોરબી પોલીસ અને સુરત ક્રાઈમબ્રાંચે ફાર્મહાઉસ ખાતે દરોડો પાડયો હતો. અહીંથી અત્યારસુધી ઈન્જેકશન વેચીને મળેલા રૂા.74 લાખ રોકડા અને 63 હજાર જેટલી ખાલી વાયલો મળી આવી હતી.

ગ્લુકોઝ પાઉડર અને મીઠાનું મિશ્રણ કરી તેનો પાવડર બનાવીને શીશીમાં ભરી દેતા હતા અને તેના પર રેમડેસિવિરના સ્ટીકર ચોંટાડી બજારમાં વેચતાં હતા. છ એ આરોપીએ અત્યારસુધી પાંચ હજાર ઈન્જેકશન સુરત, મોરબી અને અમદાવાદમાં વેચ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ફાર્મહાઉસ પર રેડ ચાલી રહી હતી ત્યારે જ સુરતથી અમદાવાદ મોકલેલા બે હજાર ઈન્જેકશન પણ પોલીસે જપ્ત કર્યા હતા. સુરતમાં સ્થાયી થયેલા કૌશલના સંબંધી પુનિતે 40 હજારના ભાડે ફાર્મહાઉસ રાખીને છેલ્લા પંદર દિવસથી આ કાળો કારોબાર શરૂ કર્યો હતો. પાંચ માણસોને પગારથી રાખી ઈન્જેકશન બનાવતો હતો.

બી. ફાર્મ ભણેલો કૌશલ ગુગલના વિડીયો જોઈને આ ડુપ્લીકેટ ઈન્જેકશન તૈયાર કરતો. 5 હજાર ઈન્જેકશનો વેચી 90 લાખ ભેગા કર્યા હતા જે પણ પોલીસે કબજે કર્યા છે. નોટો ગણવા માટે મશીન રાખ્યું હતુ. કુલ 1.61 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કૌશલ અગાઉ મેલેરિયાની દવા અને મેડિકલના સાધનો સાઉથ આફ્રિકા મોકલતો હતો.

8 મહિનામાં આ ધંધો પડી ભાંગ્યો પછી માસ્ક, સેનેટાઇઝરનું હોલસેલમાં વેચાણ શરૂ કર્યું. તેમાં પણ બરકત ન આવતા છેલ્લા 15 દિવસથી બનાવટી ઇન્જેક્શન બનાવતો હતો. ઇન્જેક્શનની અસર ન થતી હોવાની મોરબીમાં ફરિયાદના આધારે પોલીસે પગેરું શોધ્યું હતું.

મુંબઈમાં સ્ટીકરની પ્રિન્ટ કરાવાતી હતી

ઓલપાડમાં પિંજરત ગામમાં આવેલા રોયલ વિલા ફાર્મ હાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનની આખી ફેકટરી પોલીસે પકડી પાડી છે.પિંજરત ગામે નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ગ્લુકોઝ અને મીઠું નાખીને બનાવતા હતાં. નકલી રેમડેસિવિરના સ્ટીકરની પ્રિન્ટ મુંબઈમાં કરાવાતી હતી. રેમડેસિવિરના સ્ટીકર, મોરબીમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ઓલપાડ ખાતેની ફેકટરી ઝડપાઇ છે.અત્યાર સુધીમાં 5000 ડુપ્લીકેટ ઇન્જેક્શનનું વેચાણ કર્યું હોવાનો ખુલાસો થયો છે. જેમાં અમદાવાદ વડોદરા અને મોરબીના નેટવર્કનો પર્દાફાશ થયો છે.

મોરબીથી સમગ્ર કૌભાંડ સામે આવ્યું
થોડા દિવસ પહેલા મોરબી અને બે દિવસ પહેલા વડોદરામાં નકલી ઇન્જેક્શન પકડાયા હતા અને હાલ તેનું સીધુ કનેક્શન સુરતના ઓલપાડમાં આવેલા એક ગામમાં ખુલ્યું છે. જ્યાં એકસાથે હજારો નકલી ઇન્જેક્શન અને ખોખાને ખોખા મળી આવતા ચારેબાજુ ચકચાર મચી હતી.

60 હજાર ઈન્જેક્શનનો જથ્થો હોવાની વાત
હાલ મોરબી પોલીસ સહીત સુરત ક્રાઈમ બ્રાન્ચ આ બનાવ અને શોધખોળ કરી રહી છે. મોરબીથી શરુ થયેલ ઓપરેશનના તાર સુરતના ઓલપાડ સુધી પહોંચ્યા છે. જાણવા મળ્યું છે કે, ઇન્જેકશનમાં ગ્લુકોઝ અને પાણી ભરવામાં આવી રહ્યુ હતું. આવા સો બસ્સો નહિ પરંતુ એકસાથે 60 હજાર ઇન્જેક્શન પકડાયા હોવાનું કહેવાય છે. સુત્રોએ જણાવ્યું છે કે, એકસાથે 5000 જેટલા ઇન્જેકશનો માર્કેટમાં આવ્યા છે. હાલ આ તમામ ઘટના અંગે અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે.

પકડાયેલા આરોપી

  • કૌશલ મહેન્દ્ર વોરા (જૈન) (રહે. ગ્રીન ઓડીના, આનંદમહેલ રોડ, અડાજણ)
  • રાહુલ અશ્વિનભાઈ કોટેચા (લુવાણા) (રહે. રવાપરગામ, ધૂંનડા રોડ, લોટસ-02, તા.જિ. મોરબી)
  • રવિરાજ ઉર્ફે રાજ મનોજભાઈ હીરાણી (લુવાણા) (રહે. નવલખી રોડ, સેન્ટમેરી સ્કૂલ પાસે, મોરબી)
  • મહંમદ આશીમ ઉર્ફે મહંમદ આશીફ મહંમદ અબ્બાસ પટ્ટણી (રહે. જુહાપુરા, અમદાવાદ)
  • રમીઝ સૈયદ હુસૈન કાદરી (રહે. જુહાપુરા, વેજલપુર રોડ, શરીફાબાદ સોસાયટી, અમદાવાદ)
  • પુનીત ગુણવંતલાલ શાહ (જૈન) (રહે. પુનમ ક્લસ્ટર-01, બાલાજી હોટલ પાસે, મુંબઇ )

પકડવાના બાકી

  • કલ્પેશકુમાર મોહનભાઇ પ્રજાપતિ (રહે. મચ્છીવાડ, શુક્લતીર્થ, ભરૂચ)
  • સીરાજ ખાન ઉર્ફે રાજુ મુસીર ખાન પઠાણ (રહે. કતારગામ)

વાયલમાં 33 ગ્રામ પાઉડર ભરી ઇન્જેક્શન બનાવતા, રેમડેસિવિર ઇન્જેક્શનના સ્ટીકરો વાપીમાં બનાવ્યા હતા

કૌશલ અને પુનિતે વાયલ પર ચોંટાડવાના રેમડેસિવિરના સ્ટીકરો વાપીમાં બનાવડાવ્યા હતા. અસલ ઇન્જેક્શન દેખાય તે રીતે જ નકલી તૈયાર કરી તેમાં 33 ગ્રામ ગ્લુકોઝ પાઉડર અને મિઠાનું પાઉડર બનાવી ક્રિમ્પિંગ ટૂલથી બૂચ લગાવતા હતા અને ઓરિજિનલ બોક્સ રૂપે જ પેક કરી બજારમાં વેચતા હતા. અત્યાર સુધીમાં બંનેએ સુરતમાં પણ 500 જેટલા ઇન્જેક્શન વેચ્યા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

પકડાયેલો મુદ્દામાલ કિંમત
1. નકલી ઇન્જેક્શન (3371 નંગ) 1,61,80,800
2. ઇન્જેક્શન વેચાણના રોકડા 90,27,500
3. ખાલી શિશિ-વાયલ (63138 નંગ) 7,57,656
4. શીશીઓને મારવાના બુચ (63138 નંગ) 1,89,414
5. ગ્લુકોઝ પાઉડર (40 બેગ) 8,000
6. રેમડેસિવિર લખેલા પાના (262 નંગ) 78,600
7. વજનકાંટો 3,600

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો