અ’વાદઃ ડિપ્રેશનના કારણે એન્જિનિયર યુવતીએ ગળા ફાંસો ખાઈ કરી આત્મહત્યા

અમદાવાદઃ ડિપ્રેશનના કારણે અમદાવાદમાં વધુ એક આપઘાતનો બનાવ બન્યો છે. શહેરના વાસણાની સ્વસ્તિક સોસાયટીમાં પીજી તરીકે રહેતી મૂળ જેતપુર રહેવાસી અને સોફ્ટવેર એન્જીનીયર નેહા રાબડિયાએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. વાસણા પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને સુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ફ્રેન્ડે દરવાજો ખોલતા જ જોવા મળી પંખે લટકતી

ઘટનાની વિગતે વાત કરીએ તો વાસણામાં આવેલી સ્વસ્તિક સોસાયટીના એલ બ્લોકમાં મૂળ કેશોદની રહેવાસી દિપ્તી અને 30 વર્ષીય નેહા રાબડિયા પીજી તરીકે રહેતી હતી. હોળી હોવાથી દિપ્તી કેશોદ ખાતે પોતાના ઘરે ગઇ હતી અને આજે સવારે(5 માર્ચ)તે આવી હતી. ત્યાર બાદ તેણીએ પોતાના રૂમનો દરવાજો ખખડાવ્યો પણ નેહાએ દરવાજો ખોલ્યો નહીં. જેથી દિપ્તીએ તેની પાસેની ચાવીથી ઘર ખોલ્યું અને જોયું તો નેહા પંખે લટકતી હાલતમાં જોવા મળી હતી.

રાજકોટના જેતપુરની રહેવાસી હતી નેહા

નેહા મૂળ રાજકોટ પાસેના જેતપુરની રહેવાસી હતી અને મીઠાખળી પાસે વેબલાઇન ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીમાં સોફ્ટવેર એન્જીનીયર તરીકે નોકરી કરતી હતી. નેહાને પંખે લટકતી જોયા બાદ દિપ્તીએ પોલીસને જાણ કરતા પોલીસે તપાસ શરૂ કરી હતી. નેહા પાસેથી સુસાઇડ નોટ મળી આવી છે. આ સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તે પાંચેક વર્ષથી ડિપ્રેશનમાં રહેતી હતી હોવાથી કંટાળીને આત્મહત્યા કરે છે.

નેહાની આત્મહત્યાને લઈ થયેલી એફઆઈઆરનો કોપી પોલીસે લીધી એફએસએલની મદદ

હાલ પોલીસે નેહાનો મોબાઇલ ફોન અને સુસાઇડ નોટ કબજે કરીને એફએસએલની મદદ લીધી છે.આ બંને યુવતીઓ પહેલા પ્રહલાદનગર વિસ્તારમાં પીજી તરીકે રહેતી હતી, અને છેલ્લા છ મહિનાથી અહીં રહેવા આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ આત્મહત્યા અંગે પોલીસને હાલ તો કોઇ શંકાસ્પદ કારણો જાણવા મળ્યા નથી, પણ પોલીસ તમામ દિશામાં તપાસ કરશે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો